Tag Archives: શ્રદ્ધા

માન સરવર

સામાન્ય

માન સરવર હંસની પાંખો બધે ફેલાઇ ગઈ,

‘શ્વેત નગરી’ જોતજોતામાં અહીં સર્જાઈ ગઈ.

 

પુરુષ સૂક્ત મહીં કહેલો પુરુષ ત્યાં પ્રગટી રહ્યો,

હજ્જાર મસ્તક ચરણ નયનોની ઝલક દેખાઈ ગઈ.

 

વેતન વિના તન અર્પીને પૂજા કરે પૂજારીઓ,

શક્યતા કંઈ છે નહીં કહેનારની જીભ બંધ થઈ.

 

વાયુ વરુણ ને અગ્નિએ પણ ચેનચાળા ખૂબ કર્યા,

‘દાદા’ની યોગેશ્વર પ્રતિ શ્રદ્ધાની ત્યારે જીત થઈ.

 

વિદ્વાન સંતો શાસકો આશ્ચર્યથી દિગ્મૂઢ બન્યા,

ભક્તિની શક્તિ સૌ સવાલોના જવાબો દઈ ગઈ.

 

ત્રિવેણીના સંગમ તટે જ્યાં તીર્થરાજ મિલન થયું,

ત્યાં પથ પ્રદર્શક પાંડુરંગી ચેતના પ્રગટી રહી.

 

વર્ષો પછીના બીજ થઈને વૃક્ષ ત્યાં ઝૂમી રહ્યા,

એંધાણ સતયુગના જણાયાં ને નિરાશા દૂર થઈ.

 

દેશ ને વિદેશના ચિંતક વદયા એકજ સૂરે,

પાંડુરંગ જ યુગ પુરુષ છે ના હવે શંકા રહી.

=== ૐ ===

ચૈત્ર સુદ સાતમ, સં. ૨૦૪૨, બુધવાર. તા. ૧૬-૪-૧૯૮૬.

દાદાનો સાદ સુણી ઊઠો ઊઠો.

સામાન્ય

(રાગ – તમે સાચા સ્વાધ્યાયી બનો ઊઠો ઊઠો…)

 

તમે દાદાનો સાદ સુણી ઊઠો ઊઠો…

હો ભાઈ દાદાનો સાદ સુણી ઊઠો ઊઠો

 

તીર્થોનો રાજ ‘તીર્થરાજ’ છે પુકારતો,

એનાં શમણાંમાં રંગ પુરો પૂરો,

એ.. એ.. જ્ઞાની વૈજ્ઞાનિકના પ્રશ્નોના સૌ જવાબ,

દેશે ત્યાં પાંડુરંગ શૂરો શૂરો… રે                       દાદા…

 

પ્રશ્નોની જાળ મહીં ગૂંચવાયો માનવી,

તંત બધો આજ અહીં તૂટ્યો તૂટ્યો,

એ..એ.. બૌધિક સામાજીક આધ્યાત્મિક ઉત્તર મળ્યા,

નિજની શ્રદ્ધા જગાડી બેઠો કીધો… રે              દાદા…

 

ઊગ્યો છે ભાણ જગે શ્રદ્ધા વિશ્વાસનો,

સંસ્કૃતિ ધર્મ પ્રાણ રિઝયો રિઝયો,

એ.. એ.. પંથોના વાડાઓ સઘળા તૂટી રહ્યાને,

વૈદિક સંસ્કૃતિ માર્ગ ખૂલ્યો ખૂલ્યો… રે             દાદા…

 

સૈકાના અંધારાં દશકમાં વાળીયાં,

સાચો માનવ ઊભો કીધો કીધો

એ.. એ.. રડતી ભક્તિને વળી થોથલાં કરમ કાઢી,

સાચો જીવનનો રાહ ચીંધ્યો ચીંધ્યો… રે           દાદા…

 

આનંદો આજે ઓ દુનિયાના માનવી,

યુગને પલટાવનાર દીઠો દીઠો,

એ.. એ.. તીર્થરાજ પ્રાંગણમાં આજે મલકી રહ્યો,

યોગેશ્વર જોઈ ‘એને’ રીઝ્યો રીઝ્યો… રે             દાદા…

===ૐ===

કારતક વદ બારસ, સં. ૨૦૪૨, સોમવાર. તા. ૯-૧૨-૮૫.

ગીતા યોગેશ્વર લઈ સાથમાં.

સામાન્ય

ગૌરવનાં  ગીતો ગજાવવાં જી રે,

હીનતાનાં પાપોને બાળવાં જી રે,

શ્રદ્ધાનું ગાવું છે ગાન,

ગીતા યોગેશ્વર લઈ સાથમાં.

 

નિજનાં ગૌરવને પિછાણવું જી રે,

    ઈશનો છું અંશ એમ માનવું જી રે,

    ખુદની શક્તિનું ધરી જ્ઞાન…                        ગીતા…

 

માનવનું ગૌરવ વધારવું જી રે,

    સદગુણનું દર્શન તો પામવું જી રે,

    છોડીને મિથ્યા અભિમાન…                        ગીતા…

 

સૃષ્ટિ  ગૌરવ ગીત ગુંજવું જી રે,

    ઈશનું સંગીત ત્યાંથી સુણવું જી રે,

    કરવું નિર્દોષતાનું સ્નાન…                          ગીતા…

 

ઈશનું ગૌરવ દિલે રાખવું જી રે,

    સંસ્કૃતિનું સ્નેહપાન માણવું જી રે

    જાળવવું એનું સન્માન…                            ગીતા…

 

પાંડુરંગ સઘળું સમજાવતાં જી રે,

    અસ્મિતા ગૌરવ શીખવાડતા રે,

    શીખવાડે જીવનનાં પાઠ…                           ગીતા…

        === ૐ‌===

પોષ વદ બીજ, સં. ૨૦૩૮, સોમવાર. તા. ૧૧-૧-૧૯૮૨.

ગૌરી સુત ગણપતિ ગજાનન આવોને.

સામાન્ય

ગૌરી સુત ગણપતિ ગજાનન આવોને,

કરવાં સારાં કામો કૃપા વરસાવોને.

 

સુંદર જીવન જીવવા કાજે, શુભ કામો છે આચરવાં;

સારાં કામો કરવા, પ્રભુજી તમને આરંભે સ્મરવા;

હર પલને શુભ કરવા, મતિ શુભ આપો ને…                  ગૌરી સુત …

 

રિદ્ધિ સિદ્ધિ ચરણ પખાળે, પણ મુખ મરડી છો બેઠા;

મૂષક સમી ચંચળતા દાબી, શાંત બનીને છો બેઠા;

અંકુશ દુવૃત્તિ પર, સુવૃત્તિ આપો ને…                           ગૌરી સુત …

 

ઝીણી નજરે સઘળું જોતાં, કાન થકી સઘળુ સુણતાં;

વાતો સૌની ઉદર સમાવી, સૌને પોતાનાં કરતાં;

ડગ ભરતા સમજીને, ધીરજ શીખવાડો ને…                  ગૌરી સુત …

 

આખો દાંત બતાવે શ્રદ્ધા, અર્ઘો જ્ઞાન તણો શોભે;

શ્રદ્ધા વિણ પ્રગતિ નવ થાયે, થોડું જ્ઞાન હશે ચાલે;

જ્ઞાન અને શ્રદ્ધાનું, મિલન સમજાવો ને…                     ગૌરી સુત …

 

વરવું લાગે રૂપ તમારું, પણ અંતર મધુરું કરતાં,

ઈશને મારગ જાનારાને, અભય તમે સ્નેહે દેતા,

દુર્જનતાને દબાવીને, સદ્ગુણ ખીલવો ને…                   ગૌરી સુત …

    ===ૐ===

ભાદરવા સુદ પાંચમ(ઋષિ પંચમી), સં. ૨૦૩૭, ગુરુવાર. તા. ૩-૯-૮૧.

સોબત તમારી અમોને મળી છે.

સામાન્ય

(રાગ- खुदा जाने हम कहां जा रहे हैं. . .)

 

હજારો જીવનને દિશા સાંપડી છે,

હજારો કળી પુષ્પ થઈને ખીલી છે,

નૌકા હજારો કિનારે ગઈ છે.

સોબત તમારી અમોને મળી છે.

 

ખુમારીને જાણે બિમારી ચઢી’તી,

અને અસ્મિતા રાખ થઈને ઉડી’તી,

હવે તો નવી રોશનીની ચમક છે,

સોબત તમારી અમોને મળી છે.

 

ભૂલ્યાં રાષ્ટ્ર ગૌરવ બન્યાં સ્વાર્થ  સાધુ,

હણ્યાં નિજના માનવ લુંટીને ખાધું,

હવે પ્રેમની હુંફ સૌને મળી છે,

સોબત તમારી અમોને મળી છે.

 

તૂંટયા કેન્દ્ર શ્રદ્ધા તણાં આ ભૂમિ પર,

વધ્યાં ભોગ સ્થાનો પ્રભુની ધરા પર,

હવે ભાવની મ્હેંક સઘળે રમી છે,

સોબત તમારી અમોને મળી છે.

 

અધર્મે ધર્યો વેષ ધર્મીનો જ્યારે,

વળી પાપ પણ જ્યાં પ્રતિષ્ઠાને પામે,

તમે ધર્મ જોવાની દ્રષ્ટિ દીધી છે,

સોબત તમારી અમોને મળી છે.

 

યૌવન ચઢયું’તું ખુવારીને ચાળે,

મિલકત ને સંસ્કાર સઘળુંય બાળે,

હવે આગ જ્યોતિ બનીને જલી છે,

સોબત તમારી અમોને મળી છે.

 

નિરાશા બળી આશા જ્યોતિ જલી છે,

હતાશા મરી કર્મધારા વહી છે,

હવે શૌર્યને પણ ગતિ સાંપડી છે,

સોબત તમારી અમોને મળી છે.

    ===ૐ===

ચૈત્ર સુદ ચૌદસ, સં. ૨૦૩૭, શનિવાર. તા. ૧૮-૪-૮૧.