Tag Archives: સંસ્કાર

ષોડશ સંસ્કાર (સંસ્કાર સૌરભ)

સામાન્ય

સાદર પ્રણામ!

 

આજે મારા જન્મદિને, હું આપની સમક્ષ મારી લખેલી પ્રથમ પુસ્તિકા ષોડશ સંસ્કાર (સંસ્કાર સૌરભ) રજૂ કરું છું. જુદી જુદી સંસ્થાઓ દ્વારા આ પુસ્તિકા પ્રગટ થયેલી અને તેની ૧૬,૦૦૦ નકલો સમાજમાં ગઈ છે. ગુજરાત પુસ્તકાલય, વડોદરા દ્વારા આ પુસ્તકની ૩૦૦૦ નકલો છપાઈ છે.

 

 

વડોદરાના એક પ્રતિષ્ઠિત અને ખૂબ જ જાણીતાં ડો. સતિષ શાહ, આ પુસ્તિકા જોઈને ખૂબ ખુશ થયા હતાં. એમણે Baroda Medical College ની એક બેઠકામાં આ પુસ્તિકાનું નાટ્ય રૂપાંતર કરાવીને પ્રદર્શિત કરેલું. નાટકની પટકથા ગુજરાતના‌ જાણીતા લેખક અને કવિ માનનીય શ્રી. ચિનુ મોદીએ લખેલી. તેનાં સંવાદો પ્રાધ્યાપક હરિશ વ્યાસ (Head of Department of Drama, The M. S. University of Baroda) – લખેલાં અને ત્યાંના જ પ્રાધ્યાપક ચૈતન્ય દવે દ્વારા નાટકનું દિગ્દર્શન કરવામાં આવ્યું હતું. પ્રેક્ષકોમાં મુખ્યત્વે બધાં જ તબીબો હતાં અને તેમણે આ નાટક રસપૂર્વક નીહાળ્યું અને વખાણ્યું. જાણીતાં સાપ્તાહિક ‘ચિત્રલેખા‘ એ એની સુંદર નોંધ લીધેલી. સૌએ આપણી આ વૈદિક (હિંદુ) સંસ્કૃતિનું બહુમાન કરેલું, જેનો મને લેખક તરીકે ખૂબ જ આનંદ અને સંતોષ છે.

 

આશા છે કે આપ સૌને મારી આ પુસ્તિકા ગમશે, જે આ બ્લોગના પુસ્તક વિભાગમાં વાંચવા (DOWNLOAD) માટે ઉપલબ્ધ છે.

Advertisements

સંસ્કાર સરિતા

સામાન્ય

સંસ્કાર સરિતામાં ન્હાવું,

જીવન ઉજ્જ્વલ કરતાં જાવું.

 

આવાહન શ્રેષ્ઠ સપૂત કાજે,

સુંદર સ્થાને, હર્ષિત ભાવે,

ઉચ્છ વિચાર શિખર ચઢવું. . .    જીવન. . .

 

માતાની ઉદર ગુહામાં રમતું,

લઈ પૂર્વ જનમ ભાથું વસતું,

દૈવી સૃષ્ટિમાં વિસ્તરવું. . .        જીવન. . .

 

જગદીશ ને જીવની મૈત્રી છે,

જગ પ્રાંગણ રમતો રમવી છે,

ઈશ ગમતું વર્તન છે કરવું. . .      જીવન. . .

 

સંસ્કાર સજ્યા વસ્ત્રો સજવાં,

આભૂષણ સંસ્કારો ધરવાં,

ઉન્નત જીવન વર્તન કરવું. . .      જીવન. . .

=== ૐ ===

આનંદે નાચતો નિવાસ.

સામાન્ય

ઊર્મિની ઈંટોથી સર્જ્યો આવાસ મેં,

આનંદે નાચતો કીધો નિવાસ મેં.

 

સંતાનોને સંતની મેં દિશા ચીંધી,

સંસ્કાર ઉપવીતની દીક્ષા છે દીધી,

બુદ્ધિની શુદ્ધિનો કીધો પ્રયાસ મેં. . .                      આનંદે. . .

 

પ્રિયવાણી પ્રિયાના મુખને શોભાવતી,

આતિથ્ય પૂજાથી ઘરને દિપાવતી,

સાચા મિત્રો કીધા મનનો શણગાર મેં. . .                આનંદે. . .

 

નિજના પરસેવે લક્ષ્મીજી આરાધીયા,

સાથ સાથ વિષ્ણુના ચરણો પખાળીયા,

વૈભવને માન્યો છે ઈશનો પ્રસાદ મેં. . .                  આનંદે. . .

 

જ્ઞાનની ઉપાસના ને કલ્યાણ ચાહના,

એ રીતે થાતી શિવજીની આરાધના,

મળતું ભોજન માન્યું સાચું મિષ્ટાન્ન મેં. . .              આનંદે. . .

 

સાચા સંતો એતો ઈશ્વરનાં દૂતો,

એવાં સાધુ કેરો સથવારો કીધો,

એવો ગૃહસ્થાશ્રમ તો ધન્ય થઈ ઝૂમે. . .                 આનંદે. . .

=== ૐ ===

વૈશાખ વદ ચૌદશ, સં. ૨૦૪૨, શુક્રવાર. તા. ૬-૬-૧૯૮૬.

વિશ્વ સહેતુ’તું.

સામાન્ય

વિશ્વ સહેતુ’તું કળિયુગના જુલમો સિતમ,

નાથ કેરાં નયનોમાં છવાયો તો ગમ.

 

નવરાત્રી હતી વળી સપ્તમી હતી,

સાધના શક્તિ કેરી તો ઘર ઘર થતી,

સપ્ત ઋષિઓ પ્રગટ્યા તે દિ થૈ પાંડુરંગ…              વિશ્વ સહેતુ’તું…

 

યુવાશક્તિનાં પૂર ભમે થઈ ગાંડાતુર,

કરે સંસ્કારો ચૂર બનીને ભસ્માસુર,

સુણી પાંડુરંગી  સૂર એને આવી શરમ…               વિશ્વ સહેતુ’તું…

 

કરે સહુએ બકવાદ વાત વાતમાં વિવાદ,

ઘરે ઘરમાં વિખવાદ થાય સઘળાં બરબાદ,

કરી ગીતા સંવાદ કીધું વિષનું શમન…                વિશ્વ સહેતુ’તું…

 

કર્યો જનનો સંયોગ વળી ઈશ સાથે યોગ,

તેથી અભિનવ પ્રયોગ કીધા કાઢ્યો વિયોગ,

ભાવ કેરો વિનિયોગ કરી ખીલવ્યાં સુમન…         વિશ્વ સહેતુ’તું…

 

આપ આવ્યા ન હોત વાર થઈ ગઈ જો હોત,

ધર્મ સંસ્ક્રૃતિના પ્રાણ તાળવે ચઢેલ હોત,

આપે આવી અમાવસને કીધી પૂનમ…                વિશ્વ સહેતુ’તું…

    ===ૐ===

પ્રભુથી આવું ના સહેવાય.

સામાન્ય

(રાગ – ભાઈ મારે કરવો છે સ્વાધ્યાય…‌)

 

પ્રભુથી આવું ના સહેવાય… (૨) … ટેક

 

ચૌદ ભુવનનાં રચનારની આંખે જળ ઊભરાય,

એનું ઉત્તમ સર્જન માનવ આવો પાપી થાય…                        પ્રભુથી… (૨)

 

ખીલતી શૈશવ કળીને જ્યારે દુર્ગુણ કીડા ખાય,

સંસ્કારોથી વંચિત બચપણ કંટક સમ થઈ જાય…                 પ્રભુથી… (૨)

 

રસ ભરપૂર યુવાની જ્યારે કસ હીન થઈ રોળાય,

બળતી ગીતા રડતી સીતા તોય ન દિલ દુખાય…                    પ્રભુથી… (૨)

 

જામ મહીં જોબન છે ડુબ્યું દામ મહીં વેચાય,

ધર્મ અને સંસ્કૃતિ વેચે તોયે નહીં લજવાય…                         પ્રભુથી… (૨)

 

ઘડપણ ખાલી ખાલી દિસતું નિરાશા દેખાય,

જીવન ભાર થકી ઉગડું થઈ મોત મુખે હોમાય…                     પ્રભુથી… (૨)

 

તત્વજ્ઞાનની મોટી વાતો જીવનમાં ન જણાય,

ધર્મ ધુરંધર પંથ બનાવી વાડા કરતાં જાય…                          પ્રભુથી… (૨)

 

ડાળીને જળ સિંચન કરતા મૂળ સમૂળ ખવાય,

વૈદીક ધર્મ ડુબાડી સાચો ઈશનાં વેરી થાય…                         પ્રભુથી… (૨)

        ===ૐ===

માગસર સુદ બીજ (નરસિંહ મહેતા જયંતિ), સં. ૨૦૩૯, શુક્રવાર. તા. ૧૭-૧૨-૮૨.

પ્રાણ બની સંચરતો જાજે

સામાન્ય

પ્રાણ બની સંચરતો જાજે… (૨)

અસ્તિત્વ કાજે જીવતા દેહો, ચેતન થઈ ને રમતો જાજે…             પ્રાણ બની…

 

માનવ જીવનનાં ખંડેરો, પાપ તણા જામ્યા છે ઢેરો;

પાપ તણા પંકે પંકજ થઈ, ફોરમ તારી દેતો જાજે…                    પ્રાણ બની…

 

જનસેવા ના પૂર્ણ છે ધર્મ, એનો સાચો જાણવો મર્મ;

સેવા લઈ જન દૂબળા થાશે, અસ્મિતાને જગાવી જાજે…              પ્રાણ બની…

 

સમાજ સેવામાં ના શ્રેય, સમાજ પરિવર્તન ધ્યેય;

માગે તે દેવું એમ નહીં, પણ જરુરી તે વણમાગ્યું દેજે…               પ્રાણ બની…

 

સોજો ચઢયો છે ધર્મને એવો, તેથી લાગે ફુલ્યો ફુલ્યો;

ધર્મ તણું સાચું કૌવત થઈ, સ્વાસ્થ્ય બનીને ચમકી જાજે…         પ્રાણ બની…

 

સંસ્કારોનું કરવું ઘડતર, સંસ્કૃતિનું કરવું ચણતર,

પાંડુરંગ પ્રસાદી લઈને, વિશ્વ મહીં તું વહેંચતો જાજે…                   પ્રાણ બની…

            ===ૐ===

સોબત તમારી અમોને મળી છે.

સામાન્ય

(રાગ- खुदा जाने हम कहां जा रहे हैं. . .)

 

હજારો જીવનને દિશા સાંપડી છે,

હજારો કળી પુષ્પ થઈને ખીલી છે,

નૌકા હજારો કિનારે ગઈ છે.

સોબત તમારી અમોને મળી છે.

 

ખુમારીને જાણે બિમારી ચઢી’તી,

અને અસ્મિતા રાખ થઈને ઉડી’તી,

હવે તો નવી રોશનીની ચમક છે,

સોબત તમારી અમોને મળી છે.

 

ભૂલ્યાં રાષ્ટ્ર ગૌરવ બન્યાં સ્વાર્થ  સાધુ,

હણ્યાં નિજના માનવ લુંટીને ખાધું,

હવે પ્રેમની હુંફ સૌને મળી છે,

સોબત તમારી અમોને મળી છે.

 

તૂંટયા કેન્દ્ર શ્રદ્ધા તણાં આ ભૂમિ પર,

વધ્યાં ભોગ સ્થાનો પ્રભુની ધરા પર,

હવે ભાવની મ્હેંક સઘળે રમી છે,

સોબત તમારી અમોને મળી છે.

 

અધર્મે ધર્યો વેષ ધર્મીનો જ્યારે,

વળી પાપ પણ જ્યાં પ્રતિષ્ઠાને પામે,

તમે ધર્મ જોવાની દ્રષ્ટિ દીધી છે,

સોબત તમારી અમોને મળી છે.

 

યૌવન ચઢયું’તું ખુવારીને ચાળે,

મિલકત ને સંસ્કાર સઘળુંય બાળે,

હવે આગ જ્યોતિ બનીને જલી છે,

સોબત તમારી અમોને મળી છે.

 

નિરાશા બળી આશા જ્યોતિ જલી છે,

હતાશા મરી કર્મધારા વહી છે,

હવે શૌર્યને પણ ગતિ સાંપડી છે,

સોબત તમારી અમોને મળી છે.

    ===ૐ===

ચૈત્ર સુદ ચૌદસ, સં. ૨૦૩૭, શનિવાર. તા. ૧૮-૪-૮૧.