(રાગ – હોઠે હરિનામ દિલે ઈશ્વરનું કામ. . .)
ગરજતો જાય એ તો નાચતો જાય,
યૌવનનો સાગર તો આભે અથડાય.
સ્વાધ્યાય વિચલનનું મોજુ વહ્યું છે,
પાંગરતું જોબન એનાં પર રમ્યું છે,
પૌરુષ પરાક્રમનો ઉત્સવ ઊજવાય. . . યૌવનનો. . .
એક આંખ સ્નેહ નિર્ઝરી થઈ વહી છે,
બીજી દાનવતાને બાળી રહી છે,
અક્કડની સામે એ ટક્કર થઈ જાય. . . યૌવનનો. . .
હાસ્યના ફુવારા જીવનના મિનારા,
દુ:ખના રણમાં ઊગ્યા સ્નેહ તણાં ક્યારા,
હૈયામાં ફોરમ થઈ એ તો ફોરાય. . . યૌવનનો. . .
ગામ ગામ એનાં જ્યાં પગલાં પડે છે,
દૈવી વિચારોના સ્મારક બને છે,
હૈયામાં ઈશ્વરના ધામો સર્જાય. . . યૌવનનો. . .