Tag Archives: સવાર

શ્રી ગણેશ દેવા.

સામાન્ય

(રાગ – વાણીની દેવી મા શારદા નમન તને…)

 

આદ્યશક્તિ માતા ને પિતા મહાદેવા,

વંદું હું વારંવાર શ્રી ગણેશ દેવા.

 

જ્ઞાન અને કલ્યાણ શિવનું સ્વરૂપ છે,

સમૃદ્ધિ ઐશ્વર્ય ગૌરીનાં રૂપ છે,

એમના સપૂત તમે ધૈર્યશીલ દેવા…            વંદું…

 

વિદ્વાનોનાં પડછાયા સૌને ડરાવે,

તેથી સારા કામો કરવાં ન ફાવે,

આપનાં અભય માટે લાગે છે મેવા…           વંદું…

 

વાસનાના મૂષક ફૂંકી ફૂંકી ખાયે,

દર્દની એ પીડા પાછળથી જણાયે,

અંકુશમાં રાખી સવાર થાવ દેવા…              વંદું…

 

જીવન પ્રસાદ ધરે ઈશ્વરની સામે,

દૈવી બુદ્ધિ રિદ્ધિ સિદ્ધિને પામે,

કુરૂપ સુરૂપ થાયે સમજાવો દેવા…               વંદું…

 

અંકુશથી પાપોની વૃત્તિ દબાવજો,

પરશુથી દુર્ગુણનાં મસ્તક સંહારજો,

મોદક આનંદ રૂપ દેજો હો દેવા…                 વંદું…

    ===ૐ===

નવી નવેલી સવાર આવે.

સામાન્ય

મટયું તિમિરને ડુબ્યા સિતારા,

    નવી નવેલી સવાર આવે.

કળી મટીને કુસુમ ખીલતાં,

    નવી યુવાની ખુમાર લાવે.

 

અનેક મુખથી વિહંગ ગાતાં,

    નવા જીવનની ગઝલ મજાથી.

નીચે પડેલા જગતને એ તો,

    ઊંચે જવાની દિશા બતાવે.

 

પવનની મીઠી લહરીથી વૃક્ષો,

    ઉમંગથી સૌ રહ્યાં છે નાચી.

જલાવે ભડભડ ભલેને તડકા,

    વરસતી વર્ષાની ધાર આવે.

 

ન થાય નાખુશ નદી કદાપી,

    ન કોઈ એની ખબર કઢાવે.

છલકતી આનંદ એક સરખો,

    ઉરે રમાડી મજા કરાવે.

 

સવારી વીજળી ઉપર છે કીધી,

    ગડડ નગારાં ગગનમાં વાગે.

મળ્યું છે અમને ક્ષણિક આયુ,

    છતાંય મસ્તી ભરેલ જાવે.

 

અમે તો છોડી અમારી નૌકા,

    અમારે જાવું અમારે સ્થાને.

જીવન કે મૃત્યુ મહીં અમારા,

    હંસી ખુશીની બહાર આવે.

    ===ૐ===

શ્રાવણ સુદ દસમ સં. ૨૦૩૯, ગુરુવાર, તા. ૧૮-૮-૮૩.

(સ્ટુડન્ટસ યુનિયન, મ. સ. યુનિવર્સિટી, વડોદરાની ચુંટણી ટાણે પોલીંગ બુથમાં નવરાશના સમયે લખ્યું.)

અહીં નાચે છે હોંસે યોગેશ્વર સ્વયં.

સામાન્ય

આજ દીઠું મેં એવું અમૃતાલયમ,

અહીં નાચે છે હોંસે યોગેશ્વર સ્વયં.

 

વાંસ અને ઘાસ થકી બાંધ્યો આવાસ છે,

વૃક્ષ અને વેલીનો જામ્યો અહીં રાસ છે,

થતાં સુકાં જીવન તો આવાં લીલાંછમ…                અહીં …

 

ગામનાં વડીલ પ્રભુ મંદિરે બિરાજતા,

સાંજ ને સવાર સહુ મળવાને આવતાં,

કરે પ્રાર્થના નથી એ લખેલો નિયમ…                    અહીં…

 

ઈશ્વરનો સાથ સદા જીવનમાં માનતા,

ભાગ ભગવાનનો કૃતજ્ઞતાથી આપતા,

“નથી” એને પ્રસાદ ગણી દેવાતું ધન…                 અહીં…

 

વાયુ ને વર્ષા જો મંદિરને ભાંગતાં,

નવલું મંદિર રચવા આવે સૌ ભાગતાં,

સંપ સહકારે સર્જાતું ઈશનું ભવન…                       અહીં…

 

લોકનાથ અંકે ના ભુખ્યા કો માનવી,

તોય દીનજનમાં ના દીનતા વધારવી,

અહીં થાતું માનવનાં મુલ્યોનું જતન…                    અહીં…

 

સંઘ શક્તિ માંહી ભાવ કેરી ભીનાશ છે,

ઈશ્વરની કરુણાની એમાં કુમાશ છે,

દીધું પાંડુરંગે સાચી ભક્તિનું દર્શન…                     અહીં…

    ===ૐ===

તુલસીપુરા (સાવલી તાલુકા જીલ્લો વડોદરા‌)માં થયેલા ગુજરાત વિભાગનાં પ્રથમ અમૃતાલયમ પ્રસંગે બનાવેલું ગીત.

 

આ અમૃતાલયમની ડીઝાઈન બનાવવાનું સૌભાગ્ય મને મળેલું .

આંખો ખૂલે છે પુરી ઉંઘ લઈને કે

સામાન્ય

આંખો ખૂલે છે પુરી ઉંઘ લઈને કે

    સૂણી ફિલ્મ ગીતો સવારે સવારે

 

ઉઠોછો પ્રભાતે કરી હાથ દર્શન કે

    શોભે છે ચા કપ સવારે સવારે

 

બોલો છો મીઠાં વચન પ્રેમથી કે

    ક્રોધે બકો છો સવારે સવારે

 

ગંગા ને યમુનાને સ્નાને સ્મરો છો કે

    ઢોળો છો લોટા સવારે સવારે

 

બની સ્વચ્છ મુખથી પ્રભુને ભજો છો કે

    પેપર પઢો છો સવારે સવારે

 

પ્રેમે નમો છો માતા પિતાને કે

    કજિયા કરો છો સવારે સવારે

 

કામે ચઢો છો નવી તાજગી લઈ કે

    સુણી મિલની વ્હિસલ સવારે સવારે

 

વદન પર ખુશાલીનાં પુષ્પો ખીલે છે કે

    રડતો છે ચહેરો સવારે સવારે

    ===ૐ===

ઉગતા નૂતન પ્રભાતે માંગલ્ય ઉર વરસજો

સામાન્ય

ઉગતા નૂતન પ્રભાતે માંગલ્ય ઉર વરસજો

ને કલેશ દ્વેષ બાળી દિલની દિવાળી કરજો …

 

વિત્યાં અનેક વર્ષો નૈરાશ્યથી ભરેલાં (૨)

આશા દિપક જલાવી નૈરાશ્ય બાળી દેજો … ઉગતા …

 

દુનિયાને રાજી કરવા ખુદનું જીવન છે ભુલ્યા (૨)

ખુદમાં રમે ખુદા જે એની પીછાણ કરજો … ઉગતા …

 

શત્રુ અનેક સર્જ્યા ખુદની ખુમારી કારણ (૨)

અભિમાન સઘળું બાળી મૈત્રી સ્વિકારી લેજો … ઉગતા …

 

રાત્રે બીડેલ પુષ્પો કેવાં ખીલે સવારે (૨)

આજે નવી સવારે જીવન ખીલાવી દેજો … ઉગતા …

 

ડરનું દફન કરીને નિર્ભય થવાનું શીખજો (૨)

ને પ્રેમના કવનને થોડુંક ગાઈ લેજો … ઉગતા …

 

સંકટ ભલેને મળતાં સૌને હટાવી દેજો (૨)

કંટક ત્યજીને ફૂલની સુગંધ માણી લેજો … ઉગતા …

 

જાગો ને ધ્યેય જાણી કૂચને શરુ કરી દો (૨)

મંઝિલ ભલેને આગળ એને સ્વિકારી લેજો … ઉગતા …

================== ૐ ================

આસો વદ ત્રીજ સં. ૨૦૩૪ તા. ૧૮-૧૦-૭૮