Tag Archives: સાચું

‘પાંડુરંગ’ નાચતો પાંડુરંગ સામે.

સામાન્ય

તીર્થરાજ મિલનને પવિત્ર ધામે,

‘પાંડુરંગ’ નાચતો પાંડુરંગ સામે.

 

માનવને માનવમાં ઈશ્વર બતાવ્યો,

મનના મરેલને જીવન સાર આપ્યો,

દૈવી વિચાર કહી દેવાને બહાને…              પાંડુરંગ…

 

કામગરા કીધાં તેં કામચોર લોકને,

કર્મનું નૈવૈદ્ય દેતા કૃષિને ઉપવને,

ભક્તિની શક્તિનું દર્શન એ પામે…          પાંડુરંગ…

 

મૂર્તિપૂજાનું સ્વરૂપ સમજાવ્યું,

સપનું કુમારિલનું સાચું ઠરાવ્યું,

આચાર્ય શંકરનું હૈયું નચાવે…                  પાંડુરંગ…

 

યાત્રા અનોખી જગતને બતાવી,

જીવને મળી શિવપૂજા કરાવી,

પાપોને બાળી પાપી વૃત્તિને ડામે…            પાંડુરંગ…

 

દીનતા નિવારી ખુમારી જગાડે,

મહેનત વિણ લેવું ના સૌને શીખવાડે,

ભાવ કેરા તંતુથી જગને એ બાંધે…            પાંડુરંગ…

    ===ૐ===

સુંદર મળ્યું મહાલય.

સામાન્ય

સુંદર મળ્યું મહાલય રહેતાં ન આવડ્યું,

પરિવારની મધુરપ પીતાં ન આવડ્યું.

 

છોને ઊણપ છતાંયે મિત્રો બહુ મળ્યાં,

પુષ્પો પ્રણયનાં દીધાં લેતાં ન આવડ્યું.

 

આદત છે સાચું મોં પર કહેવાની આપને,

સાચું કહે બીજા એ સહેતાં ન આવડ્યું.

 

સૌંદર્યની સજાવટ આ દેહની કરી,

મનને સજાવવાનું બિલકુલ ન આવડ્યું.

 

ફુરસદ મહીં પ્રભુએ માનવ શરીર ઘડ્યું,

એની પ્રતીતી કરતાં તમને ન આવડ્યું.

 

આવડે છે સઘળું એ ગર્વમાં ફર્યાં,

પોતીકા પારકાંને કરતાં ન આવડ્યું.

    ===ૐ===

ફાગણ વદ આઠમ,સં. ૨૦૪૧, ગુરુવાર. તા. ૧૪-૩-૮૫.

વાઘરી થઈને વાઘ ઊઠ્યો ઊઠ્યો.

સામાન્ય

(રાગ – તમે સાચા સ્વાધ્યાયી બની ઊઠો ઊઠો)

 

વાઘરી થઈને વાઘ ઊઠ્યો ઊઠ્યો,

        હો ભાઈ, વાઘરી થઈને વાઘ ઊઠ્યો.

 

રસ્તામાં આજ લગી રોળાતો માનવી,

પંક મહીં પંકજ થઈ ઊગ્યો ઊગ્યો. . . હો

એ. . .     આજ લગી જોતાં’તા ભવની ભવાઈ સહુ,

       ભવને સુધારવાને ઊઠ્યો ઊઠ્યો. . . રે. . .                         વાઘરી. . .

 

સંપતની સાથ સાથ ભાવનો દુકાળ પડ્યો,

વ્યસનોએ આજ લગી ફૂંક્યો ફૂંક્યો. . . હો

એ. . .     ત્રિકાળ સંધ્યાનો પ્યાલો જ્યાં પીધો ત્યાં,

ઈશ્વરની બાથ મહીં ઝૂમ્યો ઝૂમ્યો. . . રે. . .                        વાઘરી. . .

 

ગંદકીને ઓવારે ઝૂપડામાં વાસ હતો,

ચીથરાંના ચીર મહીં દીઠો દીઠો. . . હો

એ. . .     તનના આવાસ મહીં ઈશ્વર છે જાણતાં,

નિર્ધન સમ્રાટ આજ ઊઠ્યો ઊઠ્યો. . . રે. . .                      વાઘરી. . .

 

હલકી છે જાત એમ આજ લગી માનતો’તો,

ગૌરવ જાણીને ખુદનું ઊઠ્યો ઊઠ્યો. . . હો

એ. . .     જૂઠાણું ત્યાગીને સાચું અપનાવતો એ

રામદૂત થઈને એ ઘૂમ્યો ઘૂમ્યો. . . રે. . .                           વાઘરી. . .

 

ડાહ્યાઓ જ્ઞાનીઓ એને ધૂત્કારતા

આજ લગી દૂર એને કીધો કીધો. . . હો

એ. . .     સ્નેહે જઈ બેઠો એ પાંડુરંગ અંકમાં,

યોગેશ્વર જોઈ એને રીઝ્યો રીઝ્યો. . . રે. . .                       વાઘરી. . .

            === ૐ ===

મહા વદ છઠ, સં. ૨૦૪૧, રવિવાર. તા. ૧૦-૦૨-૧૯૮૫.

મસ્તકમાં આવે તો તે હસ્તક થઈ જાય છે.

સામાન્ય

પુસ્તકમાં હોય એતો પાને રહી જાય છે,

મસ્તકમાં આવે તો તે હસ્તક થઈ જાય છે.

 

    છોને રાખે મોટાં થોથાં,

    તોયે ખાતો એતો ગોથાં,

મુખે રહેલું એજ સાચું કે’વાય છે…                                   પુસ્તકમાં…

 

    પાનાંમાં ચેતન ના હોયે,

    અક્ષર તોયે ક્ષર કહેવાયે,

હૈયાની ઈશ વાણીથી જીવન બદલાય છે…                       પુસ્તકમાં…

 

    પુસ્તકની માહિતી મળતી,

    તેથી અનુભૂતિ ના થાતી,

માહિતી અનુભવ થાતાં જ્ઞાની થવાય છે…                        પુસ્તક્માં…

 

    ગીતા ઉપનિષદ ને વેદો,

    સમજાવે જીવનનાં ભેદો,

મુખે કે’વાયા તેથી આજે હયાત છે…                                પુસ્તકમાં…

 

    દાદા સમજાવે છે એવું,

    રોજ બરોજે જીવવા જેવું,

પુસ્તકની વાતો તેથી સાચી સમજાય છે…                        પુસ્તકમાં…

                ===ૐ===

ફાગણ વદ બારસ, સં. ૨૦૪૦, ગુરુવાર. તા. ૨૯-૩-૮૪.

હરિ દેતાં યશની માળા.

સામાન્ય

હાં રે, હરિ દેતાં યશની માળા;

    પ્રસાદ ગણી લેતો જજે રે લોલ;

 

હાં રે, તારી શક્તિને સમજી સમજી;

    પ્રભુ કાજ દેતો જજે રે લોલ;

 

હાં રે, કેમ સંશય મહીં અટવાતો;

    પ્રભુનાં વેણ સુણતો જજે રે લોલ;

 

હાં રે, ફળ્યાં જનમોજનમનાં પુણ્યો;

    કે હરિ યશ દેવાં ચહે રે લોલ;

 

હાં રે, તું તો બનજે સાધન ઈશનું;

    હરિને હાથ વસી જજે રે લોલ;

 

હાં રે, તું તો સમજીશનાં તુજ વિણના;

    પ્રભુનાં કામ થાશે નહીં  રે લોલ;

 

હાં રે, એણે કીધી છે સઘળી વ્યવસ્થા;

    કે તુજ વિણ થાવું થશે રે લોલ;

 

હાં રે, તું તો થઈ જા નિમિત્ત ભગવાનનું;

    પ્રભુજીનાં કામો કરી દે લોલ;

 

હાં રે, તને નડશે ના સાચું કે ખોટું;

    પ્રભુજી બધું શિરે લેશે રે લોલ.

    === ૐ ===

અધિક જેઠ વદ તેરસ, સં ૨૦૩૬, બુધવાર. તા. ૧૧-૬-૧૯૮૦