Tag Archives: સ્નેહ

કાચા સૂતરની અતૂટ મારી રાખડી.

સામાન્ય

કાચા સૂતરની અતૂટ મારી રાખડી,

સ્નેહનો સમંદર વહાવતી એ આંખડી.                કાચા. . .

 

જીવનની લક્ષ્મણ રેખાને બતાડતી,

સંસ્કૃતિ ધર્મના અદેખાને ડારતી,

સંયમના દંડ સમી જાણેકે લાકડી.                          કાચા. . .

 

વીજળીનો ચમકારો એમાં સમાતો,

તીખારો દુષ્ટોને એનો દઝાડતો,

સ્વાપર્ણના યજ્ઞ તણી જ્વાળા છે ફાંકડી.                 કાચા. . .

 

ભાવ તણાં બંધનની એતો છે બેડી,

જીવન વિકાસ કાજ થાતી એ કેડી,

ચરણોમાં શક્તિને ભરતી થઈ ચાખડી.                    કાચા. . .

 

વ્યસનો ને દુર્ગુણથી એતો બચાવે,

વેદના વિચારોથી જીવન સજાવે,

કરતી તેજસ્વી જે જીંદગી છે રાંકડી.                         કાચા. . .

 

પાંડુરંગ  સૌનાં જીવનની છે રાખડી,

યોગેશ્વર ભાવથી ભરેલી છે આંખડી,

તેથી તો સઘળાંને મંઝિલ છે સાંપડી.                       કાચા. . .

=== ૐ ===

ડરનો ડંખ.

સામાન્ય

આપ સાચે છો યોગેશ્વર આમ તો,

તેથી ડરનો છે ડંખ મને લાગતો.

 

વ્યોમ જેવું છે રૂપ મારું હૈયું છે કૂપ,

દેહ એમાં ન આપનો સમાતો,

તેથી ડરનો છે ડંખ મને લાગતો.

 

કોઈ શાસ્ત્રી કહે મુજથી અંતર રહે,

લઘુતાથી રહું હું પીડાતો,

તેથી ડરનો છે ડંખ મને લાગતો.

 

વસુંધરા પરિક્રમી છો ખરા પરાક્રમી,

દીઠો દૈવી સંબંઘ બધે નાચતો,

તેથી ડરનો ના ડંખ મને લાગતો.

 

હૈયું ‘દાદા’ કહે સ્નેહ ઝરતો રહે,

હવે જોડાયો બે દિલનો નાતો,

તેથી ડરનો ના ડંખ મને લાગતો.

 

પુત્ર અંકે રમે તાતને એ ગમે,

આપ છો મહાન તેથી ફુલાતો,

અને ગૌરવનાં ગીતો હું ગાતો.

=== ૐ ===

અષાઢ સુદ એકાદશી, દેવ શયની એકાદશી, સં. ૨૦૪૨, ગુરુવાર. તા. ૧૭-૭-૧૯૮૬.

। योगेश्वर स्तवन ।

સામાન્ય

મૂંઝાતો પાર્થને જોઈ હરિ કહેતા રણાંગણે,

સમાધિ ભાવમાં બોલે ભૂલી નિજ કૃષ્ણત્વને.

 

યોગેશ્વર તણા રૂપે બ્રહ્મ ત્યાં વિલસી રહ્યું,

‘ભગવન્ ઉવાચ’ તેવું તેથી ગીતામાં કહ્યું.

 

યોગની ઉચ્ચ સ્થિતિએ પહોંચ્યા તે યોગેશ્વર,

તેથી રામને શિવજી કૃષ્ણ જયમ યોગેશ્વર.

 

પ્રક્રિયા જીવને શિવથી જોડતી યોગ જાણવી,

એવાં સિદ્ધ યોગાત્મા છલકાવે યોગ જાહ્નવી,

 

સમર્પું મુજ કાયાને સ્વીકારો યોગેશ્વરો,

બ્રહ્મની સ્નેહ વર્ષાને રેલાવો બ્રહ્મેશ્વરો.

=== ૐ ===

રામ અને શ્યામ (આરતી)

સામાન્ય

જય રાઘવ રામા, પ્રભુ જય માધવ શ્યામા,

પૂર્ણ પ્રગટ પુરુષોત્તમ (૨), શાશ્વત વિરામા. . .                  જય રાઘવ રામા

 

અવધપુરીથી રઘુવીર વનમાં જઈ વસ્યા, – પ્રભુ –

ગ્રામ ત્યજીને મોહન (૨), મથુરામાં વસ્યા. . .                   જય માધવ શ્યામા

 

વાનર રીંછને રામે સ્નેહ ઘણો દીધો, – પ્રભુ –

ગોપ હૃદયનો શ્યામે (૨), ભાવ બહુ પીધો. . .                   જય રાઘવ રામા

 

સંસ્કૃતિના પોષક ધર્મ ધુરા વેહતા, – પ્રભુ –

ભક્તોનાં સંરક્ષક (૨), દાનવ કુળ હણતાં. . .                   જય માધવ શ્યામા

 

યોગેશ્વર શ્રીકૃષણે ગીતામૃત પાયા, – પ્રભુ –

મર્યાદા સંયમના (૨), રામે ગીત ગાયા. . .                        જય રાઘવ રામા

 

જ્ઞાન અને ભક્તિમાં સાવ રહ્યો ઊણો – પ્રભુ –

તમ શરણે આવ્યો છું (૨), ખીલવજો ગુણો. . .                  જય માધવ શ્યામા

 

કીધાના સત્કર્મો સ્વાર્થ મહીં રમતો, – પ્રભુ –

મુજ પાપોને બાળો (૨), થાઉં હરિ ગમતો. . .                    જય રાઘવ રામા

 

નિર્ગુણ બ્રહ્મ ન સમજ્યો તત્વ ન પિછાણ્યું, – પ્રભુ –

મૂર્ત સ્વરૂપ નિહાળી (૨), મુજ હૈયું નાચ્યું. . .                    જય માધવ શ્યામા

    === ૐ ===

નથી આવતા તમે એવું મહેણું ટળ્યું.

સામાન્ય

ક્યાં છો પારકા કે આપનું હું સ્વાગત કરું,

નથી આવતા તમે એવું મહેણું ટળ્યું.

 

છંટકાવ કરતાં આનંદના ફુવારા,

હૈયામાં ઊગ્યા છે ઊર્મિના ક્યારા,

એવાં આસન પર આપનું મેં સ્થાપન કર્યું…        નથી આવતા…

 

યાદોની ફરિયાદો બહુયે સતાવતી,

આશા પ્રતિક્ષાને દિલાસો આપતી,

પુષ્પ ઈચ્છાનું આંગણીયે મલકી રહ્યું…             નથી આવતા…

 

સ્વાર્થના સંબંધોના બંધો રડાવતા,

લાગણીને સ્થાને માગણીઓને માંગતા,

આજ સ્નેહ અભિષેકનું છે નિર્ઝર ઝર્યું…            નથી આવતા…

 

થાઉં હું મોરલોને ટહુકો તમે થજો,

ભમરો હું થઈ જાઉં ગુંજન તમે હજો,

મારા જીવન સંગીતનું તો ઝાંઝર બજ્યું…          નથી આવતા…

 

ઈંતજાર તારો છે ગર્વ આજ ભાંગીયો,

પાંડુરંગ આગમનનો ઉત્સવ છે પાંગર્યો,

મને અણમોલી સ્મૃતિનું સ્વર્ગ છે મળ્યું…         નથી આવતા…

    ===ૐ===

આસો વદ છઠ, સં. ૨૦૪૧, સોમવાર. તા. ૪-૧૧-૮૫.

 

(આ ગીત પ.પૂ. દાદા ઘરે પધાર્યાં ત્યારે તા. ૭-૧૧-૮૫, ગુરુવાર આસો વદ નોમના દિવસે આશરે ૧૨:૩૦ વાગે એમની સમક્ષ રજુ કર્યું.)