Tag Archives: ઝરણ

છંદ – ૨

સામાન્ય

રાવણના અત્યાચારોથી તો આખી ધરતી રડતી’તી,

દેવો સઘળા છે કેદ મહીં ને દાનવ સૃષ્ટિ હસતી’તી,

મર્યાદા પુરુષોત્તમ રામે કરદી દ્રષ્ટિ કીધી’તી,

દૂષણની લંકા સળગાવા મશાલ ત્યારે સળગી’તી.

 

દુર્યોધનની પાપાચારી વૃત્તિ જ્યારે મલકી’તી,

મર્યાદાની રેખા જ્યારે દુઃશાસનથી તો તૂટતી’તી,

અભિમન્યુના મૃત્યુથી માનવતા ડૂસકાં ભરતી’તી,

અર્જુનની વીરતાની આગે મશાલ ત્યારે સળગી’તી.

 

અરવલ્લીની ગિરિ કંદરા શૌર્ય ગીતોને ગાતી તી,

ચેતકની ટપ ટપ ટાંપાએ ધરતી થરથર ધ્રુજતી’તી,

પ્રતાપ સામે ટક્કર લઈ દુશ્મનની હિંમત તૂટતીતી,

સ્વાભિમાનની જ્વાળાઓથી મશાલ ત્યારે સળગીતી.

 

ધર્મ ભૂલાયો કર્મ ભૂલાયું મર્મ ભૂલાયો જીવનનો,

ભાવ ઝરણ દિલથી સૂકાયું સ્નેહ બધેથી છે ખોયો,

ફોગટીયા વૃત્તિએ જ્યારે જગમાં માઝા મુકી છે,

જ્ઞાન ભક્તિને કર્મયોગની મશાલ આજે સળગી છે.

        === ૐ ===

હવે કરો આરામ.

સામાન્ય

સ્વાધ્યાયી કહી દો ‘દાદા’ને, આપ કરો વિશ્રામ;

જીવન રામને કામે ખરચ્યું, હવે કરો આરામ.

 

દુઃખ દર્દને મિત્રો કીધાં, અગવડના પ્યાલા પણ પીધા;

દેહ ધર્મની મર્યાદા ઓળંગી, કીધાં કામ…                                                       જીવન…

 

કટાક્ષના કંટક પણ વાગ્યા, અગન ક્રોધના ભડકા દાઝ્યાં;

હસતાં હસતાં સહન કર્યાં, સહુ જગનાં દુઃખ તમામ…                                         જીવન…

 

જ્ઞાની પંડિત સહુ વિરોધી બેઠાં, તમ કીર્તિ અવરોધી;

યોગેશ્વરની સહાય તમને, વિશ્વે ગાજ્યું નામ…                                                  જીવન…

 

ઋષિ દધીચિ આપ લાવ્યા છો, ઈશ કામે અસ્થિ હોમો છો;

મોટા મોટા ઈન્દ્રોના પણ, છૂટતા દોર દમામ…                                                 જીવન…

 

પાંડુરંગ છો ભાવ સમંદર, ભાવ ઝરણ સૌનાં છે અંતર;

આકર્ષી એ સઘળા સ્ત્રોતો, જગવ્યો સૌમાં રામ…                                              જીવન…

 

કર્મયોગ સૂરજ સમ કીધો, ભાવે શ્યામને બાંધી દીધો;

ઉજ્જડ ને ઉજ્વળ છે કીધું, જીવન યાત્રા ધામ…                                                જીવન…

 

પ્રભુકાર્ય આપે બહુ કીધું, ઈશ મારગનું ઘડતર કીધું;

સૂચન કરો અમને શું કરવું, નહીં થઈએ ગુમનામ…                                           જીવન…

    ===ૐ===

વૈશાખ સુદ ચૌદસ, સં. ૨૦૪૧, શુક્રવાર. તા. ૩-૫-૮૫.

દિલનાં દિલેર જુવો ભારતનાં ગામડાં.

સામાન્ય

(રાગ – ચાહો તો કાન તમે રમવાને આવજો…)

 

દિલનાં દિલેર જુવો ભારતનાં ગામડાં,

ભાગોળે સ્નેહનાં તલાવ હો જી…    રે…                        દિલનાં. . .

 

ધૂળમાં ખીલેલાં છે માનવનાં ફૂલડાં,

ભોળપણ ને ભાવનાનાં ઊછર્યાં અહીં કૂંડાં,

નયણામાં પ્રેમનાં ઝરણ હો જી…    રે…                        દિલનાં. . .

 

જગનાં છે અન્નદેવ ભારતનાં ગામડાં,

એની અવગણનાથી થાશે અહીંયા મડાં,

આદમ જાતિનો છે પ્રાણ હો જી…    રે…                        દિલનાં. . .

 

ધર્મ અને સંસ્કૃતિ એમનો સુહાગ છે,

શ્રધ્ધા ને ભક્તિથી ધબકતો શ્વાસ છે,

ઈશના વિશ્વાસનો મુકામ હો જી…    રે…                       દિલનાં. . .

 

વ્હેમથી પીસાયા ને અજ્ઞાને મારીયા,

એમનાં કલેવર ‘ડાહ્યા’એ સંહારીયા,

પીછાં વિણ મોર સમા હાલ હો જી…    રે…                    દિલનાં. . .

 

તરછોડ્યાં વિશ્વે ‘દાદા’એ સ્વીકાર્યાં,

‘ભારતના દિલ’ માંહી ચેતન પ્રગટાવીયાં,

પાંડુરંગ હૈયે નિવાસ હો જી…    રે…                              દિલનાં. . .

 

યોગેશ્વર કૃષિથી એતો છે શોભતાં,

અમૃતાલયમ સર્જી જગમાં છે ઓપતાં,

વિષ્ણુની લક્ષ્મીના સર્જક હો જી…    રે…                      દિલનાં. . .

    ===ૐ===

ચૈત્ર સુદ પૂનમ (હનુમાન જયંતી), સં ૨૦૪૧, શુક્રવાર. તા. ૫-૪-૮૪ (ગુડ ફ્રાઈડે).