Tag Archives: anxiety

મુખથી હું બોલું ૐ नम: शिवाय|

સામાન્ય

(રાગ – તણખલું તો આખર તણખલાની તોલે…)

 

પ્રભુ આવું તારી પાસે કામના સિવાય,

મુખથી હું બોલું ૐ नम: शिवाय|

 

દેહના દરવાજે સોંપી વિભુ મેં તો ચોકીયું,

મનની ગુફામાં જઈને કીધું મેં તો ડોકીયું,

આનંદે છલકે કાયા શોકની વિદાય…                                  મુખથી…

 

પાંચ મુખ તુજને દીધા દશ દશાનનને,

તારાથી બમણું દિધું લંકા રાજનને,

તાર્યા તેં ભક્તો એણે માર્યા જગમાંય…                               મુખથી…

 

ઉત્સાહ ઉત્કર્ષ ને ઉદ્યોગ ઉમંગ,

ઉત્તેજન આપે શિવજી પાંચ મુખ અંગ,

તારે મારગ કો આવે કરે તું સહાય…                                   મુખથી…

 

વિકારો બાળી એની ભસ્મ જે લગાવે,

એની ભભૂતી શિવજી અંગે ચઢાવે,

મસ્તકની માળા શંકર કંઠે સોહાય…                                  મુખથી…

 

આધિ વ્યાધિ ઉપાધિ ત્રણે શૂળ પીડતાં,

ત્રિશૂળથી તારા શંભુ એ તો છે ભાંગતાં,

સર્જન વિસર્જન પોષણ તુજ થી સરજાય…                         મુખથી…

 

તારી અમંગલતામાં મંગલ છુપાયું,

દુનિયાનું ઝેર તારે કંઠે લપાયું,

અમૃત દઈ વિષ ને પી તું મહાદેવ થાય…                            મુખથી…

    ===ૐ===

ભાદરવા સુદ પડવો, સં. ૨૦૩૯, ગુરુવાર. તા. ૮-૯-૮૩.

(જંગલેશ્વર, પાણીગેટમાં શ્રાવણ માસની પુર્ણાહુતિ પ્રસંગે વેદસાર શિવ સ્તવ: પર આધારિત)