Tag Archives: awakening

પ્રભુના શમણાં સાચા થાય.

સામાન્ય

શમણાં સાચાં થાય પ્રભુના શમણાં સાચા થાય,

‘તીર્થરાજ’ની માંહ્ય પ્રભુના શમણાં સાચા થાય.

 

ભટ્ટકુમારીલ ક્રોધે બળતો,

મૂર્તિ પૂજાનો છેદ ન સહેતો,

ઉરમાં લાગી લ્હાય; પ્રભુની આંખે જળ ઉભરાય.

 

જગના વિદ્વાનો ધનવાનો,

સંહારે એનાં અરમાનો,

આગ મહીં શેકાય; કેવું બલિદાન કે’વાય?

 

ટપ ટપ ગાજી ત્યાં ચાખડીઓ,

સંસ્કૃતિ ઉત્થાનની ઘડીઓ,

સ્વામી શંકર ધાય; હરિના ઉરમાં શાંતિ થાય.

 

કોલ ઉપાડે શંકર સ્વામી,

“તમ ઈચ્છાનો થઉં અનુગામી”

ઉજ્જડ ઉજવળ થાય; પ્રભુના શમણાં સાચા થાય.

 

ધરતીને ઘમરોળી નાખી,

સંસ્કૃતિ હરખાતી નાચી,

કુંભ મિલન ઊજવાય; પ્રભુના શમણાં સાચા થાય.

 

આજ ફરી સંસ્કૃતિ રડતી,

ભ્રાંત ધર્મ ઉધેવ કરડતી,

હરિનું મન દુભાય, શોધે પોતાનો જગ માંહ્ય.

 

પાંડુરંગ શંકર સ્વામી થઈ,

શુદ્ધ કરે એ ગંગાજળ થઈ,

પ્રસરાવે સ્વાધ્યાય; પ્રભુના શમણાં સાચા થાય.

 

માનવમાં માનવને ઘડતો,

કર્મ કુશળતા ઈશને ધરતો,

પ્રયોગ કરતો જાય; પ્રભુના શમણાં સાચા થાય.

 

તીર્થરાજ મિલનને ટાણે,

વિશ્વ સકળને નજદીક આણે,

યોગેશ્વર હરખાય; પ્રભુનાં શમણાં સાચા થાય.

    ===ૐ===

કારતક વદ બીજ, સં. ૨૦૪૨, શુક્રવાર. તા. ૨૯-૧૧-૮૫.