Tag Archives: beauty

ડરનો ડંખ.

સામાન્ય

આપ સાચે છો યોગેશ્વર આમ તો,

તેથી ડરનો છે ડંખ મને લાગતો.

 

વ્યોમ જેવું છે રૂપ મારું હૈયું છે કૂપ,

દેહ એમાં ન આપનો સમાતો,

તેથી ડરનો છે ડંખ મને લાગતો.

 

કોઈ શાસ્ત્રી કહે મુજથી અંતર રહે,

લઘુતાથી રહું હું પીડાતો,

તેથી ડરનો છે ડંખ મને લાગતો.

 

વસુંધરા પરિક્રમી છો ખરા પરાક્રમી,

દીઠો દૈવી સંબંઘ બધે નાચતો,

તેથી ડરનો ના ડંખ મને લાગતો.

 

હૈયું ‘દાદા’ કહે સ્નેહ ઝરતો રહે,

હવે જોડાયો બે દિલનો નાતો,

તેથી ડરનો ના ડંખ મને લાગતો.

 

પુત્ર અંકે રમે તાતને એ ગમે,

આપ છો મહાન તેથી ફુલાતો,

અને ગૌરવનાં ગીતો હું ગાતો.

=== ૐ ===

અષાઢ સુદ એકાદશી, દેવ શયની એકાદશી, સં. ૨૦૪૨, ગુરુવાર. તા. ૧૭-૭-૧૯૮૬.

સૌંદર્યથી સજેલાં નયણાં મને ગમે છે.

સામાન્ય

સૌંદર્યથી સજેલાં નયણાં મને ગમે છે,

ને હેતથી ભરેલું હૈયું મને ગમે છે.

 

જોઈ મેં ચાલ તારી જે શૌર્યની સવારી,

ગૌરવની એ ખુમારી જોવી મને ગમે છે.

 

રાજ્યાભિષેક વિણ તું સમ્રાટ છે હૃદયનો,

દિલની એ બાદશાહી તારી મને ગમે છે.

 

કેવું વિશાળ હૈયું? સૌને સમાવનારું,

સૌનું છતાંય મારું એ ઘર મને ગમે છે.

 

છમ છમ બજી રહ્યા છે ઝાંઝર બનીને શબ્દો,

મહેફિલ મહીં એ તારી પાગલ થવું ગમે છે.

 

પ્યાલો લીધો છે તારી ગીતા સુધાનો મેં તો,

ના ઓડકાર આવે પીવું મને ગમે છે.

 

ખેંચાય જ્યાં ભૃકુટિ તાંડવના તાલ ઉઠતા,

મલકે નયન કે ખીલતી સૃષ્ટિ મને ગમે છે.

 

તું કેમ બહુ ગમે છે કારણ ન મારી પાસે,

બસ એમ પણ ગમે છે ને તેમ પણ ગમે છે.

===ૐ===

ભાદરવા વદ તેરસ, સં. ૨૦૪૧, શુક્રવાર. તા. ૧૧-૧૦-૮૫.

સ્વપ્નોનો લઈ સહારો જીવવામાં ના મજા છે.

સામાન્ય

વાતો તણાં વડાંમાં જમવાની ના મજા છે,

સ્વપ્નોનો લઈ સહારો જીવવામાં ના મજા છે.

 

સિદ્ધાંત શબ્દ ચૂસતાં જડતા રમ્યા કરે છે,

સિદ્ધો અનુસર્યા વિણ સિદ્ધાંત તો સજા છે…           સ્વપ્નો…

 

હસતાં કરે જે સાહસ એ વીર છે પૂજાતા,

સાહસ થતું હસાહ્સ એ હાસ્યમાં કજા છે…             સ્વપ્નો…

 

વિચરે છે આખા જગમાં ચરતા પશુ સમાણા,

સૌંદર્યએ જીવનથી ત્યારે લીધી રજા છે…               સ્વપ્નો…

 

હૈયું નચાવે એવી વાણી પ્રભુ કૃપા છે,

માથેથી વહેતી વાતો એ ધર્મને સજા છે…               સ્વપ્નો…

 

સહુ દુશ્મનોને મારી જીવવાને ખુદ ચહે છે,

પણ દુશ્મની હટાવી જીવવામાં ખુબ મઝા છે…        સ્વપ્નો…

 

બોલાવે દિલ અગાશી જામી છે આજ મહેફીલ,

ચાંદાની સંગ ઝૂમતી તે ચંદ્રિકા ફિદા છે…               સ્વપ્નો…

    ===ૐ===

જેઠ સુદ તેરસ, સં. ૨૦૪૧, શનિવાર. તા. ૧-૬-૮૫.

ઉપવનની શોભા છે ન્યારી.

સામાન્ય

(રાગ – માલકંસ – આ ઘટા બનાવી શા માટે?)

 

ઉપવનની શોભા છે ન્યારી,

અહીં વૃક્ષ પ્રતિમા છે પ્યારી…                 ઉપવનની…

 

નિસર્ગનું પૂજન અહીં થાયે,

સરલ જીવનના પાઠ શીખાયે,

દૈવી સુંદરતા નીરખવા,

    મારે દ્રષ્ટિ વિકારી…                         ઉપવનની…

 

સદ્ગુણનાં પુષ્પો અહીં મહેકે,

ફળના ત્યાગ તણાં ગીત ગહેકે,

ધૈર્ય સમર્પણ એકજ નિષ્ઠા,

    ખીલતી  સ્નેહ તણી ક્યારી…            ઉપવનની…

 

નિત્ય વધે એવી એ મૂર્તિ,

ઊર્મિના સંગાથે ઝૂમતી,

પાષાણ કેવળ ના ઈશ્વર,

    શાણાં સમજે વિચારી…                   ઉપવનની…

 

જળ પુષ્પો શ્રીફળ ને મેવા,

ઈશનું સર્જન એ શું દેવાં?

પૂજનમાં નિજ કૌશલ દઈએ,

    રીઝશે તેથી બનવારી…                   ઉપવનની…

 

યજ્ઞીય ભાવે ધન સર્જાયે,

કોઈ એકનું ના કહેવાયે,

વિષ્ણુપત્ની લક્ષ્મીજીની,

    આવે તે દિ’ ગજ સવારી…               ઉપવનની…

 

ઉપવન પંચામૃત સમજે ધીર,

કાં કીધું આ વૃક્ષ નું મંદિર,

પાંડુરંગનું સર્જન એ છે,

    યોગેશ્વર દિલનો વાસી…                ઉપવનની…

    ===ૐ===

અષાઠ વદ દશમ, સં. ૨૦૪૧, શુક્રવાર. તા. ૧૨-૭-૮૫.

સુંદર મળ્યું મહાલય.

સામાન્ય

સુંદર મળ્યું મહાલય રહેતાં ન આવડ્યું,

પરિવારની મધુરપ પીતાં ન આવડ્યું.

 

છોને ઊણપ છતાંયે મિત્રો બહુ મળ્યાં,

પુષ્પો પ્રણયનાં દીધાં લેતાં ન આવડ્યું.

 

આદત છે સાચું મોં પર કહેવાની આપને,

સાચું કહે બીજા એ સહેતાં ન આવડ્યું.

 

સૌંદર્યની સજાવટ આ દેહની કરી,

મનને સજાવવાનું બિલકુલ ન આવડ્યું.

 

ફુરસદ મહીં પ્રભુએ માનવ શરીર ઘડ્યું,

એની પ્રતીતી કરતાં તમને ન આવડ્યું.

 

આવડે છે સઘળું એ ગર્વમાં ફર્યાં,

પોતીકા પારકાંને કરતાં ન આવડ્યું.

    ===ૐ===

ફાગણ વદ આઠમ,સં. ૨૦૪૧, ગુરુવાર. તા. ૧૪-૩-૮૫.