Tag Archives: gazal

સ્નેહ બીજ

સામાન્ય

વહેંચવાને ચાહું છું; સૌને હું સ્નેહ બીજ,

હૈયાની ભૂમિ પર વાવશો?

કાંટાના ભયથી ના પુષ્પો તરછોડાતાં,

કંટક લેવાં મને કહાવશો?

 

સાચવવા આવીશ હું સ્નેહ પુષ્પની ફસલ,

ને કંટકની વાડ કરી સાચવીશ.

મોહની મદિરાથી લથડેલાં માણસથી,

પ્રેમની એ મિલકત બચાવીશ.

આપ સમા પ્રેમીની મોઘેરી મિલકતને,

પાછી દેવાને બોલાવશો?             વહેંચવાને…

 

મઘમઘતી ફોરમથી દેવાં નિમંત્રણો,

રસભોગી ભમરાઓ આવશે.

ડંખીલી મધમાખી ફૂલનું હૈયું પીને,

મીઠાં મધુને રેલાવશે.

ડંખોના તિખારા મારે ખમવાના પણ,

મારી વિનંતિ સ્વીકારશો?             વહેંચવાને…

 

પ્રેમનો છે મારગ ના મખમલનો રાજમાર્ગ,

અંગારા પર ડગલાં માંડવા.

આવકારનો પ્રકાર અહીંયા જળવાય ના,

તોયે પોતાના બોલાવવાં.

રિસાયા ચહેરાને દેવી છે સ્મિત ભેટ,

ખીલતાં વદનને સ્વીકારશો?         વહેંચવાને…

=== ૐ ===

મહા સુદ બારસ, સં. ૨૦૫૦, બુધવાર. તા. ૨૩-૨-૧૯૯૪.

મારાં નયનમાં

સામાન્ય

ભર્યું વિશ્વ આખુંય મારાં નયનમાં,

ગગનનો વિસામો છે મારાં નયનમાં.

 

તિરસ્કાર સામે છે મૈત્રીના સગપણ,

કરુણાનો સાગર છે મારાં નયનમાં.

 

ધનુષ મેઘ જીવનનું એવું રચાયું,

સફળ રંગ રેલાતાં મારાં નયનમાં.

 

કર્તવ્ય વૃક્ષોનાં ઉપવન છે ઉગ્યા,

ખીલ્યાં સ્નેહ પુષ્પો છે મારાં નયનમાં.

 

બદલ્યા’તા ડગલા વિવિધ જન્મમાં મેં,

નવો એક ડગલો છે મારાં નયનમાં.

 

ન કરવું ન સહેવું, રડવું ન રમવું,

મુક્તિની છાયા છે મારાં નયનમાં.

=== ૐ ===

માગસર સુદ ત્રીજ,  સં. ૨૦૭૧, મંગળવાર. તા. ૨૫-૧૧-૨૦૧૪.

વૈભવ વિનાનો ભવ

સામાન્ય

જૂવો વૈભવ વિનાનો ભવ; સૃજે ભયના નિવાસોને,

મને મારી ગરીબીમાંય; વૈભવ સ્નેહનો ફળજો.

 

ભલે દરબારમાં મારા શરાબી જામ ના છલકે,

અમારી ચાહના અમૃત પીયાલાઓ સહુ ભરજો.

 

મને ભંડારનો ભંગાર ગણવાની નથી ફુરસદ,

રચું ભંગારમાંથી ભવ્ય; ઈશ્વર કિમિયો દેજો.

 

જુગલબંદી નથી થાતી અમારાં દાંત ભોજનને,

છતાંયે ઓડકરો કો’કના સૂણવા મને મળજો.

 

રહ્યો છે પેટનો ભૂખ્યો; હૃદયની ભૂખ ના સમજે,

બધાંના દિલની ભૂખ સમજું; મને એવી મતિ દેજો.

 

અમીરોમાંય ભિખારી જનોનો ક્યાં નથી તોટો,

ગરીબીમાં સદા તૃપ્તિ તણી મિલકત મને મળજો.

=== ૐ ===

નયનની કિતાબે

સામાન્ય

નયનની કિતાબે લખ્યું તે મેં વાંચ્યું,

તારી ને મારી કહાણી લખી છે.

રાતી સહીથી નયની સફેદી,

વિરહ વારતાથી વરસતી રહી છે.

 

તારા ને મારાં સંબંધોની ચર્ચા,

નહીં શબ્દથી કોઈ સમજાવી શકતું,

છે ઊર્મિને ધાગે વીંટાયા સંબંધો,

આંસુની વાણી બતાવી રહી છે.

 

દેખાય કે ના વાંચી શકાતા,

યાદોઆ પૃષ્ઠો કોરાં રહ્યાં છે,

મિલનની ઘડીએ પૂરા એ લખાશે,

નજર એ ઘડીને નીહાળી રહી છે.

 

નિમંત્રણ દઈને થતાં લગ્ન જગમાં,

નહીં પ્રેમના નોતરાં કોઈ માને,

શરીરની સજાવટમાં મનને છે ફાવટ,

દઝાયેલ ઊર્મિ રડાવી રહી છે.

 

લઉં શ્વાસ તેથી જીવનની હયાતી,

જીવ્યું કે ન જીવ્યું મને ના ફરક છે,

તારા વિનાની જીવન નાવ ડૂબે,

તારે સહારે ગતિ સાંપડે છે.

=== ૐ ===

રંગીન સાથ મળજો

સામાન્ય

પુષ્પો ચૂંટવાને મખમલના હાથ મળજો,

ને મેઘધનુષ અડવા રંગીન સાથ મળજો.

 

શબ્દોના કેસૂડાંના રંગો ભરી ભરીને,

સ્નેહીજનોનાં દિલમાં હોળીનો ખેલ રમજો.

 

યાદોની ગાય કોયલ મનના મીનાર ઉપર,

મારાં એ મૌન ગીતની મસ્તીની લૂંટ કરજો.

 

દિલમાં જવું બીજાના એ સહેલું તો નથી કૈં,

સ્નેહ પહેલાં વેદનાની આગ હોઠ ધરજો.

 

છે વેદના ભરેલો પ્રેમી જનોનો મારગ,

તે દર્દ માણવાને દિલને મનાવી લેજો.

 

સાચો છે સ્નેહ તેનો દેવાય ના પૂરાવો,

દૈને શહીદી નિજની ઈશને મનાવી લેજો.

 

એનોય પ્રેમ સઘળે તોયે ઘણાં ન માને,

એવાં જ ચાહવાના કિમિયાને જાણી લેજો.

=== ૐ ===