Tag Archives: happiness

છંદ – ૧

સામાન્ય

ઊડે ગુલાલ આજ સંસ્કૃતિને ભાલ આજ,

લાલ લાલ વ્યોમ થકી વરસતું આવે,

સ્વાર્પણનું શોણિત જે ગગને છવાયું તે,

આનંદ ઊર્મિ કેસૂડાં થઈ આવે.

 

સંસ્કૃતિ ને ધર્મ આજ નાચતાં આનંદે,

લાલ લાલ સુરખી તો નાચે છે ગાલે,

ખુશીઓની રાગિણી ઈશને સુણાવતાં,

નાચે છે નાનકડા બાળકશા તાલે.

 

કુમકુમનાં પગલાંએ આવે છે માવડી,

યુગયુગની કાલિમા લુંછાતી આજે,

કર્મહીન માનવનાં મેણાં ફીટાયાં ને,

સ્ત્રીજન શક્તિ કાર્યક્ષેત્ર સાધે છે આજે.

 

મનડાનો મહીસાસુર ચંડમુંડ મારીને,

વાત્સલ્ય ઝરણાં છલકાવે છે આજે,

જ્ઞાન ભક્તિ કર્મ દઈ જનને રમાડતાં,

પાંડુરંગ સ્વાધ્યાયી પીણું પીવડાવે.

    === ૐ ===

જોઈ કૌતુક એ.

સામાન્ય

(રાગ – આજ તીર્થ તણી ભૂમિ હરખાય, આવ્યો તીર્થયાત્રી…)

 

આજ નંદનો કિશોર હરખાય જોઈ કૌતુક એ,

દીઠો ભક્તિનો નવલો મહિમાય જોઈ કૌતુક એ.

 

એક ઋષિનું સ્વપ્નું સાકારીત થયું,

એણે “યોગેશ્વર કૃષિ“ નું સર્જન કર્યું,

નિજનું કૌશલ ઈશ ચરણે દેવાય જોઈ કૌતુક એ…                    દીઠો ભક્તિનો…

 

કૃષિકારોનો પરસેવો ઝરણું બન્યો,

સંઘ શક્તિને ભક્તિનો કલરવ રમ્યો,

એમાં યોગેશ્વર આનંદે ન્હાય જોઈ કૌતુક એ …                         દીઠો ભક્તિનો…

 

બીજ બીજમાં જઈને કાનુડો ઊગ્યો,

છોડ માંહી રણછોડ જુવો હોંશે ઝુમ્યો,

અહીં મનની મીઠાશ રેલાય જોઈ કૌતુક એ…                           દીઠો ભક્તિનો…

 

નહીં કોઈ મજૂર કે ગુલામો અહીં,

પ્રભુ ભક્ત પૂજારીનો તો વાસો અહીં,

મન, બુધ્ધિ, કૃતિ શુદ્ધ થાય જોઈ કૌતુક એ…                          દીઠો ભક્તિનો…

 

પાંડુરંગે કટિથી હાથ છોડી દીધા,

કઈક હાથોને પ્રભુ કામે ભેળા કીધા,

નવા ભારતનું સર્જન અહીં થાય જોઈ કૌતુક એ…                     દીઠો ભક્તિનો…

    ===ૐ===

મહાવદ દસમ, સં. ૨૦૪૧, ગુરુવાર. તા. ૧૪-૨-૮૫.

વિત્યાં વરસ, સરીતા જળ, શા વહી જતાં?

સામાન્ય

વિત્યાં વરસ, સરીતા જળ, શા વહી જતાં?

કોને ખબર કે કોને મળવા સરી જતાં.

 

ઉંમર અટારીએ જઈ સુણતો હું એમને,

આગળ કહેલ મૌનના પડઘા દઈ જતાં.

 

“બે ક્ષણ ઘડીક થંભો ખુશીઓનાં ઓ વરસ”

આમંત્રણો દીધેલાં તરછોડીને જતાં.

 

આશાને ઊર્મિઓનાં પુષ્પો ઉરે ખીલ્યાં,

ચીમળાયલાં કલેવરની ભેટ દઈ જતાં.

 

સ્વર્ગીય સુખની ઈચ્છા મનને થયા કરે,

પીગળેલ મીણની માફક શમણાં સરી જતાં.

 

વરસો ભલેને આપે અંધાર ભેટમાં,

પાયા મહાલયોના એમાં વસી જતા.

    ===ૐ===

આસો વદ સાતમ, સં. ૨૦૩૯, શુક્રવાર. તા. ૨૮-૧૦-૮૩.

(તારીખ પ્રમાણે મારી દિકરી ચિ. જાગૃતિનો જન્મ દિવસ)

મુખથી હું બોલું ૐ नम: शिवाय|

સામાન્ય

(રાગ – તણખલું તો આખર તણખલાની તોલે…)

 

પ્રભુ આવું તારી પાસે કામના સિવાય,

મુખથી હું બોલું ૐ नम: शिवाय|

 

દેહના દરવાજે સોંપી વિભુ મેં તો ચોકીયું,

મનની ગુફામાં જઈને કીધું મેં તો ડોકીયું,

આનંદે છલકે કાયા શોકની વિદાય…                                  મુખથી…

 

પાંચ મુખ તુજને દીધા દશ દશાનનને,

તારાથી બમણું દિધું લંકા રાજનને,

તાર્યા તેં ભક્તો એણે માર્યા જગમાંય…                               મુખથી…

 

ઉત્સાહ ઉત્કર્ષ ને ઉદ્યોગ ઉમંગ,

ઉત્તેજન આપે શિવજી પાંચ મુખ અંગ,

તારે મારગ કો આવે કરે તું સહાય…                                   મુખથી…

 

વિકારો બાળી એની ભસ્મ જે લગાવે,

એની ભભૂતી શિવજી અંગે ચઢાવે,

મસ્તકની માળા શંકર કંઠે સોહાય…                                  મુખથી…

 

આધિ વ્યાધિ ઉપાધિ ત્રણે શૂળ પીડતાં,

ત્રિશૂળથી તારા શંભુ એ તો છે ભાંગતાં,

સર્જન વિસર્જન પોષણ તુજ થી સરજાય…                         મુખથી…

 

તારી અમંગલતામાં મંગલ છુપાયું,

દુનિયાનું ઝેર તારે કંઠે લપાયું,

અમૃત દઈ વિષ ને પી તું મહાદેવ થાય…                            મુખથી…

    ===ૐ===

ભાદરવા સુદ પડવો, સં. ૨૦૩૯, ગુરુવાર. તા. ૮-૯-૮૩.

(જંગલેશ્વર, પાણીગેટમાં શ્રાવણ માસની પુર્ણાહુતિ પ્રસંગે વેદસાર શિવ સ્તવ: પર આધારિત)

નવી નવેલી સવાર આવે.

સામાન્ય

મટયું તિમિરને ડુબ્યા સિતારા,

    નવી નવેલી સવાર આવે.

કળી મટીને કુસુમ ખીલતાં,

    નવી યુવાની ખુમાર લાવે.

 

અનેક મુખથી વિહંગ ગાતાં,

    નવા જીવનની ગઝલ મજાથી.

નીચે પડેલા જગતને એ તો,

    ઊંચે જવાની દિશા બતાવે.

 

પવનની મીઠી લહરીથી વૃક્ષો,

    ઉમંગથી સૌ રહ્યાં છે નાચી.

જલાવે ભડભડ ભલેને તડકા,

    વરસતી વર્ષાની ધાર આવે.

 

ન થાય નાખુશ નદી કદાપી,

    ન કોઈ એની ખબર કઢાવે.

છલકતી આનંદ એક સરખો,

    ઉરે રમાડી મજા કરાવે.

 

સવારી વીજળી ઉપર છે કીધી,

    ગડડ નગારાં ગગનમાં વાગે.

મળ્યું છે અમને ક્ષણિક આયુ,

    છતાંય મસ્તી ભરેલ જાવે.

 

અમે તો છોડી અમારી નૌકા,

    અમારે જાવું અમારે સ્થાને.

જીવન કે મૃત્યુ મહીં અમારા,

    હંસી ખુશીની બહાર આવે.

    ===ૐ===

શ્રાવણ સુદ દસમ સં. ૨૦૩૯, ગુરુવાર, તા. ૧૮-૮-૮૩.

(સ્ટુડન્ટસ યુનિયન, મ. સ. યુનિવર્સિટી, વડોદરાની ચુંટણી ટાણે પોલીંગ બુથમાં નવરાશના સમયે લખ્યું.)