Tag Archives: laxmi

આનંદે નાચતો નિવાસ.

સામાન્ય

ઊર્મિની ઈંટોથી સર્જ્યો આવાસ મેં,

આનંદે નાચતો કીધો નિવાસ મેં.

 

સંતાનોને સંતની મેં દિશા ચીંધી,

સંસ્કાર ઉપવીતની દીક્ષા છે દીધી,

બુદ્ધિની શુદ્ધિનો કીધો પ્રયાસ મેં. . .                      આનંદે. . .

 

પ્રિયવાણી પ્રિયાના મુખને શોભાવતી,

આતિથ્ય પૂજાથી ઘરને દિપાવતી,

સાચા મિત્રો કીધા મનનો શણગાર મેં. . .                આનંદે. . .

 

નિજના પરસેવે લક્ષ્મીજી આરાધીયા,

સાથ સાથ વિષ્ણુના ચરણો પખાળીયા,

વૈભવને માન્યો છે ઈશનો પ્રસાદ મેં. . .                  આનંદે. . .

 

જ્ઞાનની ઉપાસના ને કલ્યાણ ચાહના,

એ રીતે થાતી શિવજીની આરાધના,

મળતું ભોજન માન્યું સાચું મિષ્ટાન્ન મેં. . .              આનંદે. . .

 

સાચા સંતો એતો ઈશ્વરનાં દૂતો,

એવાં સાધુ કેરો સથવારો કીધો,

એવો ગૃહસ્થાશ્રમ તો ધન્ય થઈ ઝૂમે. . .                 આનંદે. . .

=== ૐ ===

વૈશાખ વદ ચૌદશ, સં. ૨૦૪૨, શુક્રવાર. તા. ૬-૬-૧૯૮૬.

ઉપવનની શોભા છે ન્યારી.

સામાન્ય

(રાગ – માલકંસ – આ ઘટા બનાવી શા માટે?)

 

ઉપવનની શોભા છે ન્યારી,

અહીં વૃક્ષ પ્રતિમા છે પ્યારી…                 ઉપવનની…

 

નિસર્ગનું પૂજન અહીં થાયે,

સરલ જીવનના પાઠ શીખાયે,

દૈવી સુંદરતા નીરખવા,

    મારે દ્રષ્ટિ વિકારી…                         ઉપવનની…

 

સદ્ગુણનાં પુષ્પો અહીં મહેકે,

ફળના ત્યાગ તણાં ગીત ગહેકે,

ધૈર્ય સમર્પણ એકજ નિષ્ઠા,

    ખીલતી  સ્નેહ તણી ક્યારી…            ઉપવનની…

 

નિત્ય વધે એવી એ મૂર્તિ,

ઊર્મિના સંગાથે ઝૂમતી,

પાષાણ કેવળ ના ઈશ્વર,

    શાણાં સમજે વિચારી…                   ઉપવનની…

 

જળ પુષ્પો શ્રીફળ ને મેવા,

ઈશનું સર્જન એ શું દેવાં?

પૂજનમાં નિજ કૌશલ દઈએ,

    રીઝશે તેથી બનવારી…                   ઉપવનની…

 

યજ્ઞીય ભાવે ધન સર્જાયે,

કોઈ એકનું ના કહેવાયે,

વિષ્ણુપત્ની લક્ષ્મીજીની,

    આવે તે દિ’ ગજ સવારી…               ઉપવનની…

 

ઉપવન પંચામૃત સમજે ધીર,

કાં કીધું આ વૃક્ષ નું મંદિર,

પાંડુરંગનું સર્જન એ છે,

    યોગેશ્વર દિલનો વાસી…                ઉપવનની…

    ===ૐ===

અષાઠ વદ દશમ, સં. ૨૦૪૧, શુક્રવાર. તા. ૧૨-૭-૮૫.

પાંડુરંગ નાચંતો “પાંડુરંગ” સામે.

સામાન્ય

ઉપવની ભૂમિના પવિત્ર ધામે,

પાંડુરંગ નાચતો “પાંડુરંગ” સામે…(૨)

 

મૂર્તિ પૂજાની વ્યાપકતા બતાવી,

“વધતી પ્રતિમા” ની ઝાંખી કરાવી,

કણ કણ માં ઈશ્વરનું દર્શન કરાવે…             પાંડુરંગ…

 

ભક્તિના સાધન તો એનાં છે નોખાં,

પાવડા તીકમ ને તગારાં અનોખાં,

લીધો તીકમ છોડી બાંસુરી કાન્હે…              પાંડુરંગ…

 

કર્મયોગી ભક્તોને પરસેવે ન્હાયો,

મનનો કુસુમહાર એણે સ્વીકાર્યો,

ઢેફાંનાં કુમકુમ શોભે છે લલાટે…                 પાંડુરંગ…

 

અર્થશાસ્ત્ર વેદોનું પીંછુ સજાવ્યું,

વિષ્ણુ ને લક્ષ્મીનું મિલન કરાવ્યું,

વૃક્ષોમાં વિષ્ણુના દર્શનને નામે…                પાંડુરંગ…

 

વ્યક્તિમાં ભક્તિની શક્તિ જગાવી,

આસક્તિ કાઢી અનાસક્તિ લાવી,

ઘડતો માનવને એ ઉપવનને સ્થાને…          પાંડુરંગ…

    ===ૐ===

જેઠ સુદ પડવો, સં. ૨૦૪૧, સોમવાર. તા. ૨૦-૫-૮૫.

દિલનાં દિલેર જુવો ભારતનાં ગામડાં.

સામાન્ય

(રાગ – ચાહો તો કાન તમે રમવાને આવજો…)

 

દિલનાં દિલેર જુવો ભારતનાં ગામડાં,

ભાગોળે સ્નેહનાં તલાવ હો જી…    રે…                        દિલનાં. . .

 

ધૂળમાં ખીલેલાં છે માનવનાં ફૂલડાં,

ભોળપણ ને ભાવનાનાં ઊછર્યાં અહીં કૂંડાં,

નયણામાં પ્રેમનાં ઝરણ હો જી…    રે…                        દિલનાં. . .

 

જગનાં છે અન્નદેવ ભારતનાં ગામડાં,

એની અવગણનાથી થાશે અહીંયા મડાં,

આદમ જાતિનો છે પ્રાણ હો જી…    રે…                        દિલનાં. . .

 

ધર્મ અને સંસ્કૃતિ એમનો સુહાગ છે,

શ્રધ્ધા ને ભક્તિથી ધબકતો શ્વાસ છે,

ઈશના વિશ્વાસનો મુકામ હો જી…    રે…                       દિલનાં. . .

 

વ્હેમથી પીસાયા ને અજ્ઞાને મારીયા,

એમનાં કલેવર ‘ડાહ્યા’એ સંહારીયા,

પીછાં વિણ મોર સમા હાલ હો જી…    રે…                    દિલનાં. . .

 

તરછોડ્યાં વિશ્વે ‘દાદા’એ સ્વીકાર્યાં,

‘ભારતના દિલ’ માંહી ચેતન પ્રગટાવીયાં,

પાંડુરંગ હૈયે નિવાસ હો જી…    રે…                              દિલનાં. . .

 

યોગેશ્વર કૃષિથી એતો છે શોભતાં,

અમૃતાલયમ સર્જી જગમાં છે ઓપતાં,

વિષ્ણુની લક્ષ્મીના સર્જક હો જી…    રે…                      દિલનાં. . .

    ===ૐ===

ચૈત્ર સુદ પૂનમ (હનુમાન જયંતી), સં ૨૦૪૧, શુક્રવાર. તા. ૫-૪-૮૪ (ગુડ ફ્રાઈડે).