Tag Archives: mercy

Arise Awake O Man.

સામાન્ય

Arise Awake O Man,

    Arise Awake O Man,

Stop Not Till The Goal Is Reached.

    Arise Awake O Man.

 

You Can Be Arjun,

    Or Can Be Villain,

You Can Be What You Can. . .          Arise. . .

 

You Think You Are Sinner,

    But God Is Your Lover,

HE Will Take All Your Strain. . .        Arise. . .

 

God Is With You Always,

    Joy And Sorrow Are Plays,

With HIM Play All The Games. . .     Arise. . .

 

HE Showers HIS Mercy,

    Open Eyes And See,

‘DADA’ Is Divine Stream. . .                Arise. . .

=== ૐ ===

ચૈત્ર વદ બીજ, સં. ૨૦૪૨, શનિવાર. તા. ૨૬-૪-૧૯૮૬.

તમારું મનન એજ મારું કવન હો.

સામાન્ય

 

તમારું મનન એજ મારું કવન હો,

તમારી મૂરતને નીરખતાં નયન હો.

 

કરુણા થઈને જગતમાં વરસતાં,

પીલાવો સુધા સ્નેહની દિલ કણસતાં,

કરો સ્થિર પગને યુગોથી ભટકતા,

વિસામો ભુલ્યાનો તમારાં ચરણ હો…                    તમારી મૂરતને…

 

પ્રભાતે હૂંફાળો તમે સ્પર્શ કીધો,

નયન જ્યાં ખુલ્યાં ત્યાં સ્મૃતિ શ્વાસ દીધો,

બપોરે બની શક્તિ સંચાર કીધો,

શયનમાં પ્રભુ એક શાંતિ ભવન હો…                   તમારી મૂરતને…

 

શું દેવું તમોને એ મારી છે મૂંઝવણ,

ધરાવીશ હું નૈવેદ્યમાં નિજનું કૌશલ,

હૃદય એવું દેજો થતું ભાવ પ્રસરણ,

ખીલે સ્નેહ ઉપવન દિલે એ સ્તવન હો…              તમારી મૂરતને…

===ૐ===

જેઠ વદ અમાસ, સં. ૨૦૪૧, મંગળવાર. ૧૮-૦૬-૧૯૮૫.

સ્મૃતિમાં છે.

સામાન્ય

તમારા સ્નેહભીના કંઈ થપાટાઓ સ્મૃતિમાં છે,

કરું હું ગાંડપણ તોયે તમે હસતા સ્મૃતિમાં છે,

હું તો ભંડાર ભૂલોનો છતાંયે સ્નેહથી સહેતા,

કરુ હું ‘શબ્દચાળા’ કાવ્ય કહેતા એ સ્મૃતિમાં છે…

 

બીજાના હાથમાં જીવન નચાવાનું નથી ગમતું,

બની કઠપૂતળી રમવું કદી દિલમાં નથી વસતું,

છતાંયે આપનાં ચરણો મહીં પીગળી જવાયું છે,

પીગળતી જીંદગીને ઘાટ દેતા એ સ્મૃતિમાં છે…

 

કીધા ઉપકાર તે સૌને નગુણો થઈ ભૂલી જાતો,

સર્યો જ્યાં સ્વાર્થ કે તરતજ હું તોડી નાખતો નાતો,

હૃદયના પુષ્પને કીડો થઈને કોરતો’તો હું,

કીડાને કૃષ્ણનો કીધો એ સઘળું મુજ સ્મૃતિમાં છે…

 

અહં બદલી તમે છે અસ્મિતાના દીપ પ્રગટાવ્યા,

દયા કાઢી કરુણાના જગે સાગર છે છલકાવ્યા,

હતો હું એકલો આપે સબંધો ભાવના બાંધ્યા,

હૃદયના ભાવ અમૃતને પીવડાવ્યું એ સ્મૃતિમાં છે…

===ૐ===

મોત.

સામાન્ય

(મારું પ્રથમ ગીત, જે ૧૩ વર્ષની ઉંમરે લખેલું.)

 

મોત છોને આવતું, કદમ કદમ બઢાવતું;

ને જીંદગીના દંબદંબ, શ્વાસને રૂંધાવતું;

ભલે મળે. . .

દુઃખ દર્દ કેરો, એક કાંગરોયે તૂટશે;

તો માનશું કે જીંદગીમાં, મોત તો મરી ગયું.

 

હુસ્નના બજારમાં, ને ઈશ્કના લેબાસમાં;

જીવનસુધા ને ચૂસતાં, એ પાશવી પિશાચના;

ચંદ ચાંદી ટૂકડે, ખરીદતા સુહાગના;

પાપીઓના પાપના, કદમ કદીક તોડીશું. . .                             તો માનશું. . .

 

કલા તણા કલાધરોની, વાસનાના વાસમાં;

શ્યામ રાતડી સમા, એ ચકચકીત વાસમાં;

કરી કલાની કત્લને, ધરે નવા લેબાસમાં;

કલા તના એ પાશવી, કફનનું મોત આણશું. . .                        તો માનશું. . .

 

બાજે કાં દુંદુભી અરે! શું મોતનું મરણ થયું?

શું પાપીઓનાં પાપ લઈ, અગ્નિમાં જલી રહ્યું?

શું પ્રેમનાં અનંત ગીત, ઘૂંટવા મથી રહ્યું?

 

હર યુગે પ્રભુજી અવતરે, સદા અરે ખરે;

તેમ પાપ અવતરે છે, માનવી જીવન ખરે;

પાપ પણ પ્રભુજીના, ચરણ મહીં જો અર્પશું;

ઈશની કરુણા થકી, મોક્ષ પંથ પામશું. . .                                તો માનશું. . .

            === ૐ ===

કોણે બાંધ્યું આવું મંદિર?

સામાન્ય

રઝળેલું મેં જોયું મંદિર, કોણે બાંધ્યું આવું મંદિર?

 

શમણામાં આદેશ મળ્યો, કે બાંધો મારે માટે મંદિર;

તેથી ખાલી ખિસ્સાવાળા, ભગત બનાવા ચાહે મંદિર…              રઝળેલું …

 

શેઠજી પાસે ટીપ લખાવી, કીર્તિને ખુજલી થઈ આવી;

દાન, કીર્તિ ને પુણ્ય કમાવા, તકતી કાજે બાંધ્યું મંદિર…            રઝળેલું …

 

હરિ કથાની સપ્તાહ ચાલી, દયા ધરમની લાલચ ફાલી;

દાન પેટીઓ ખખડાવીને, માગણ થઈને કીધું મંદિર…               રઝળેલું …

 

કાશીથી પંડિત બોલાવ્યા, દક્ષિણાને કાજ એ આવ્યા;

ભાવ શૂન્ય દિલ ઈશ બોલાવે, સરજાયું લાવારીસ મંદિર…          રઝળેલું …

 

લાલચ લોભ અને દમદાટી, ચમત્કાર ની વાતો મોટી;

ગુંચવાયો માનવ મહેરામણ, એ ધનથી બંધાયું મંદિર…              રઝળેલું …

 

થશે પ્રતિષ્ઠા ઈશની જ્યારે, પછી ન કોઈ જોશે ત્યારે;

માનવ નહીં પણ શ્વાનો રડશે, રામ ભરોસે ચાલે મંદિર…            રઝળેલું …

 

રોતી મૂર્તિ, રોતો ઘુમ્મટ, દિવાલો ને રોતી છે છત;

ઘંટારવમાં  કચડાતી, આ સ્તુતિઓથી છે રોતું મંદિર…                રઝળેલું …

 

દર્શન કરવા મંદિર આવ્યાં, ભિખારી પર પૈસા નાખ્યાં;

એજ રીતે મૂર્તિ પર ફેંક્યાં, ગર્વ થકી આ ભાંગ્યું મંદિર…              રઝળેલું …

 

ભક્તિને ઉન્માદ ચઢયો’તો, બુદ્ધિને પણ તાવ ચઢયો’તો;

વગર વિચારે વિવેકહીન થઈ, દેખા દેખી કીધું મંદિર…                રઝળેલું …

    ===ૐ===

આસો વદ આઠમ, સં. ૨૦૩૭, બુધવાર. તા. ૨૧-૧૦-૮૧.