વિશ્વમાં યુગ કાર્ય તારું જોઈ એવું થાય છે,
તું શ્યામ વિણ બીજો નહીં એની પ્રતીતિ થાય છે.
આંખને મીચકારતો કહાનો બહુ મલકાય છે,
પ્રકૃતિની મહેકથી દિલ તરબતર થઈ જાય છે,
શંકા કુશંકાનાં બધાં વાદળ હવે વીખરાય છે,
તું શ્યામ વિણ બીજો નહીં એની પ્રતીતિ થાય છે.
ઝેરને ખંખેરતા વિષધર ભરાયા જઈ ઉરે,
સ્નેહનાં સ્થાનો વીંધાયાં નેણનાં કાતિલ તીરે,
વિલાપને આલાપમાં જ્યારે તું પલટી જાય છે,
તું શ્યામ વિણ બીજો નહીં એની પ્રતીતિ થાય છે.
મોતની મુઠ્ઠી મહીં જીવન સહુનાં ધ્રુજતાં,
વિયોગને મીટાવવા અદ્ભુત પ્રયોગો તેં કીધા,
નિશ્વાસને વિદાય દઈ વિશ્વાસ નચવી જાય છે,
તું શ્યામ વિણ બીજો નહીં એની પ્રતીતિ થાય છે.
વિદ્વાન હો કે વિત્તવાનો તું મુઠેરી છે ઉંચો,
સંસાર કે પરમાર્થની ઉકેલતો સહેજે ગૂંચો,
વિશ્વ કેરો મિત્ર ‘વિશ્વામિત્ર’ તું થઈ જાય છે,
તું શ્યામ વિણ બીજો નહીં એની પ્રતીતિ થાય છે.