Tag Archives: pandurang

પાંડુરંગના કદમ

સામાન્ય

ચાલતાં કદમ, દોડતાં કદમ;

પાંડુરંગના જંગે પહોંચતાં કદમ.

 

સુકાયેલાં હૃદયને ભાવ વારીથી ભીંજાવતાં,

જીવનની પાનખર મહીં વસંતને નચાવતાં,

દ્વેષનું દમન, સ્નેહનાં સુમન…                  પાંડુરંગના…

 

ધર્મ માંદલો થયો ને સંસ્કાર સડી ગઈ,

સદ્ગુણોની લાશ આમ તેમ આથડી રહી,

પ્રેરણા નયન ઉત્સાહમય વદન…             પાંડુરંગના…

 

ભોગવાદ સ્નેહ ગંગને સદા ડહોળતો,

સ્વાર્થ કાજ લાગણીનો ફાયદાથી તોલતો,

મૈત્રીનું સ્મરણ પ્રેમના કિરણ…                  પાંડુરંગના…

 

રાત દિન સહુને ધ્યેય ચીંધવાને દોડતાં,

પાંગળાને સાથ લૈને કાર્યમાં પરોવતાં,

થાક વિસ્મરણ ધ્યેયનું રટણ…                  પાંડુરંગના…

=== ૐ ===

દેવદૂત આવ્યો

સામાન્ય

આવ્યો આવ્યો…    આવ્યો આવ્યો…

દેવદૂત અમૃત પીવડાવવા, આવ્યો આવ્યો…

 

રાગ દ્વેષના સર્પો કરડે,

ઈર્ષા સ્વાર્થ ભૂતાવળ કનડે (૨)

વિષ નિવારી અમૃત પાવા…             આવ્યો આવ્યો…

 

વિકારોનાં ફાલ્યા જંગલ,

યૌવનને તે લાગે મંગલ (૨)

કંટક મુખે ફૂલ ખીલવવા…                આવ્યો આવ્યો…

 

સંસ્કૃતિને બાઝ્યાં જાળાં,

ધર્મ મહીં અંધારા કાળાં (૨)

જ્ઞાન દિવાકર તિમિર મીટાવવા…    આવ્યો આવ્યો…

 

પ્રભુ સમીપથી ઊઠ્યા ઘૂંઘટ,

ઊર્મિ ગુંજે ઉરને ઘુમ્મટ (૨)

જીવ અને શિવને મિલાવવા…         આવ્યો આવ્યો…

 

યોગેશ્વર લાડીલો આવ્યો,

જન મન ભાવન પ્યારો આવ્યો (૨)

સ્નેહામૃત સૌને પીવડાવવા…         આવ્યો આવ્યો…

=== ૐ ===

જેઠ વદ સાતમ, સં. ૨૦૫૦, ગુરુવાર. તા. ૩૦-૬-૧૯૯૪.

સંસ્કૃતિનો શ્વાસ

સામાન્ય

પોણી સદીનો ઈતિહાસ છે તું,

સંસ્કૃતિનો શ્વાસ છે તું…

 

જીવતાં મડદાં હરતાં ફરતાં,

સુખના મૃગજળમાં સૌ તરતા,

મૃતને અમૃત દાન દે તું…               પોણી…

 

રાગ દ્વેષની ભડ ભડ જ્વાળા,

શ્રેય માર્ગ પર વાદળ કાળાં,

ચીંધે અમૃત દ્વાર જઈ તું…             પોણી…

 

દંભી ધર્મની જામી હેલી,

હરિ સંગે પણ આંખ મીંચોલી,

ગીતામૃતનું પાન દે તું…                પોણી…

 

જન રુદિયામાં કીધો ઉત્સવ,

હરિ હૈયે પણ જામ્યો ઓચ્છવ,

જગ તુજ અમૃત ઉત્સવ કરતું…     પોણી…

=== ૐ ===

મહા વદ બારસ, સં. ૨૦૫૦, સોમવાર. તા. ૭-૨-૧૯૯૪.

ઘૂમો છો આસપાસ

સામાન્ય

લાગે છે એમ કે તમે, ઘૂમો છો આસપાસ;

પદરવ તમારો સાંભળું, ગુંજે છે આસપાસ.

 

ખુશ્બો મ્હેક મ્હેક થઈ, ભરે છે શ્વાસ શ્વાસ;

વાગે હૃદય સિતારી, સૂંઘતો હું આસપાસ.

 

હૈયાનો મેળ મેળવી, સમરસ સહુ કર્યા;

દૈવી વિચાર આપવા, ગયાં તે આસપાસ.

 

જાઉં હું ગ્રામ ગ્રામ, ને માનવ હૃદય સુધી;

સઘળાં કહે છે એમ, કે જોયા’તા આસપાસ.

 

આપને ઘનશ્યામની, ગીતાની ગુફ્તેગૂ;

ધીમા પડે છે તેનાં, પડઘાઓ આસપાસ.

 

વંદન ઓ મહામાનવ, વંદન હજાર વાર;

કીર્તિ તમારી ઘૂમે, પૃથ્વીની આસપાસ.

=== ૐ ===

આસો સુદ સાતમ, સં. ૨૦૫૧, રવિવાર. તા. ૧-૧૦-૧૯૯૫.

શ્રી પાંડુરંગ ઉવાચ.

સામાન્ય

ઈંટ હોય કે રોડું,

એનું સ્થાન જોઈને જોડું,

પ્રભુ કાર્યકર અક્ષત કુમકુમ,

પ્રભુ ભાલમાં ચોડું…        ઈંટ. . .

 

કોઈ ઈંટ પાયામાં જાવે,

તો કોઈ શિખર શોભાવે,

ટુકડાને પણ ના તરછોડું,

પગથિયામાં ચોડું…        ઈંટ. . .

 

ચકલી ઉડશે એનાં વેગે,

ગરૂડ વિહરે ગગને વેગે,

વેગ મહીં દિશા સૂચવું હું,

ધ્યેયે હું પહોંચાડું…         ઈંટ. . .

 

મેં ના કોઈને બોલાવ્યા,

તો કોઈ ના પોતે આવ્યા,

શ્યામે સૌને ભેળાં કીધાં,

પ્રભુકાર્યનું તેડું…            ઈંટ. . .

 

અહંકાર કરવો કૃષ્ણાર્પણ,

હૃદય વલોવી કરવું તર્પણ,

જન્મ મરણ ચકરાવો તારો,

પ્રભુ કાર્યથી તોડું…         ઈંટ. . .

=== ૐ ===

કારતક સુદ અગિયારસ ‘દેવઉઠી એકાદશી’, સં. ૨૦૫૦, બુધવાર. તા. ૨૪-૧૧-૧૯૯૩.