Tag Archives: rock

ચાલશે નહીં યુવાન થઈને સુંવાળા.

સામાન્ય

સંસ્કૃતિના મારગમાં પથ્થર અણિયાળા,

ચાલશે નહીં યુવાન થઈને સુંવાળા.

 

અર્જુનની માફક તો તારે લડવું પડશે,

અણગમતાં કામો પણ તારે કરવાં પડશે,

અંધારા દિલમાં જલાવ શૌર્ય જ્વાળા…              ચાલશે…

 

વજ્ર સમું વૃક્ષ કરી ઘાવો ઝીલવા પડશે,

મહેણાં ને ટોણાંનાં તીરો ખમવાં પડશે,

શાને પંપાળે તું દેહને રૂપાળા…                       ચાલશે…

 

આવતી સદીનો તું થઈજા ઘડવૈયો,

પાપના પ્રહાર સામે થાજે લડવૈયો,

દુર્ગુણના દારૂની છોડ મધુશાળા…                  ચાલશે…

 

દૈવી વિચારોનો વાહક તું થઈ જાજે,

મનની બીમારીનું ઔષધ તું થઈ જાજે,

પાંડુરંગ સંગ જઈ તોડ બધાં જાળાં…               ચાલશે…

    ===ૐ===

અષાઢ સુદ નોમ, સં.૨૦૪૧, ગુરુવાર. તા. ૨૭-૬-૮૫.

હૃદયની વાત કહેવી છે.

સામાન્ય

ઘડીક બેસો તમે સામે હૃદયની વાત કહેવી છે,

વ્યથાઓની કથા મારાં ગણીને તમને કહેવી છે.

 

તીરો ને ખંજરોના ઘાવ દિલની ઢાલ પર ઝીલ્યાં,

ટપકતા રક્તથી ખુશ્બો પ્રણયની આજ દેવી છે…

 

સળગતા સૂર્યની લાલી અમારાં નેણમાં વસતી,

નયનની મૂક ભાષાને શબ્દમાં તમને કહેવી છે…

 

પ્રભુ પાષાણના ટપલાથી મટકી કેમ ટીપે છે?

અરે! પાણીની ધારાએ તૂટે એવી આ મ્હોલત છે…

 

હવે ઝગડા નથી કરવા અમે સંધિ કરી લીધી,

ઝગડવું ક્યાં? નસીબ કે આપની સાથે એ મૂંઝવણ છે…

 

પીવી છે એક પ્યાલી આપને હાથે ભૂલાવા દર્દ દુનિયાના,

ભલે ખાલી હશે કરજો અભિનય એમ કહેવું છે…

        ====ૐ===

કવિઓને ઈશ્વર જો તડપન ન આપત.

સામાન્ય

કવિઓને ઈશ્વર જો તડપન ન આપત,

તો એનાં હૃદયને બીજું કોણ માપત.

 

અભિનય શીખવતો એ શબ્દોને એવો,

કલ્પનાને એ વિણ બીજું કો’ નચાવત.

 

મુલાયમ છે દિલડું પરાગો ભરેલું,

રસિકડા મધુકર ઉડાવે છે જયાફત.

 

નથી વેરતો કાગળો પર એ શાહી,

નિચોવે છે અરમાં જમાવે છે રંગત.

 

દુઃખી થઈને ઈશ્વર કવિ દિલમાં બેસે,

શબ્દને તિખારે જગતને દઝાડત.

 

સૌંદર્યને આરપારું નિરખવા,

આંખો છે એવી જે કરતી ઇબાદત.

 

હૃદય છે જગતનું ને ઈશનું એ ઘર છે,

વખત આવે કરતો એ સૌની મરામત.

 

હૃદય છો શિલા પણ શબ્દ ટાંકણાથી,

જીવન શિલ્પ સર્જી ને કરતો કરામત.

    ===ૐ===

ભાદરવા સુદ બારસ,  સં. ૨૦૪૦,  ગુરુવાર. તા. ૬-૯-૮૪.

યુવાની.

સામાન્ય

જો આવે તો સમજાય ના આ યુવાની,

ને સમજાય ત્યારે ન હોય એ યુવાની.

 

કદીક થોરનો ફાલ થઈને એ ફાલે,

છે કંટકનું ઉપવન ને ડંખે યુવાની.

 

ફણીનો ફૂંફાડો બનીને ઘૂરકતી,

ગરલ ઘૂંટડાને પીવાડે યુવાની.

 

પાષાણ થઈને ઊછળતી ને કૂદતી,

વિસર્જનને ચાળે ચઢે છે યુવાની.

 

બહુરંગી પુષ્પો બનીને એ ખીલતી,

જીવનની સુગંધીને વ્હેંચે યુવાની.

 

કદીક જો ચહે તો થતી પ્રાણવાયુ,

નહીં તો પવન આંધી થાતી યુવાની.

 

જો થાયે એ કામી તો બનતી નકામી,

નહીં તો જીવનનું રસાયણ યુવાની.

 

છે સૌંદર્ય એમાં ને સંગીત એમાં,

શક્તિનો સાગર છલકતી યુવાની.

 

બને કૃષ્ણ તો વિશ્વ આખું પલટશે,

પરમ સ્નેહ બંસી બજવશે યુવાની.

    === ૐ ===

કારતક સુદ પાંચમ(લાભ પાંચમ), સં, ૨૦૩૯, શનિવાર. તા. ૨૦-૧૧-૧૯૮૨.

નવો ઈતિહાસ સર્જુ છું.

સામાન્ય

નથી ઈતિહાસ લખનારો, નવો ઈતિહાસ સર્જુ છું;

ન પુસ્તકમાં પૂરાનારો, સમર ક્ષેત્રે વસી જઉં છું.

 

નથી આફતથી હું ડરતો, ન વિપદાથી હું ગભરાતો;

સુખો ને દુ:ખનાં મિશ્રણ તણું, શરબત પી લઉં છું.

 

જો રોકે રાહમાં પથ્થર, પ્રતિમાઓ ઘડી લઉં છું;

અગવડને બધી સગવડ બનાવી, માર્ગ કાપુ છું.

 

નથી ચિંતા મને, કે રાહમાં અંધાર અટકાવે;

સૂરજ ને ચંદ્રનાં દિવા લઈ, આગળ ધપી જઉ છું.

 

ગણો તો હું પુરાતન છું, સનાતન નિત્ય નૂતન છું;

હું અર્વાચીન વિચારોમાં, નવાં સર્જન કરી લઉં છું.

 

પ્રતિમાઓ બધી ઈતિહાસનાં પૃષ્ઠો બની ઉભી;

હું સૌનો પ્રાણ થઈ જઈને, જીવન ધારા વહાવું છું,

 

ગ્રહોને છુટ છે, મુજ જીંદગીમાં ખેલ કરવાની;

ગુરુ છે સ્થિર, એ દાદાનાં ઈશારે જીવી લઉ છું.

        ===ૐ===

જેઠ સુદ પૂર્ણિમા, સં. ૨૦૩૮, રવિવાર. તા. ૬-૬-૮૨.