Tag Archives: sky

ડરનો ડંખ.

સામાન્ય

આપ સાચે છો યોગેશ્વર આમ તો,

તેથી ડરનો છે ડંખ મને લાગતો.

 

વ્યોમ જેવું છે રૂપ મારું હૈયું છે કૂપ,

દેહ એમાં ન આપનો સમાતો,

તેથી ડરનો છે ડંખ મને લાગતો.

 

કોઈ શાસ્ત્રી કહે મુજથી અંતર રહે,

લઘુતાથી રહું હું પીડાતો,

તેથી ડરનો છે ડંખ મને લાગતો.

 

વસુંધરા પરિક્રમી છો ખરા પરાક્રમી,

દીઠો દૈવી સંબંઘ બધે નાચતો,

તેથી ડરનો ના ડંખ મને લાગતો.

 

હૈયું ‘દાદા’ કહે સ્નેહ ઝરતો રહે,

હવે જોડાયો બે દિલનો નાતો,

તેથી ડરનો ના ડંખ મને લાગતો.

 

પુત્ર અંકે રમે તાતને એ ગમે,

આપ છો મહાન તેથી ફુલાતો,

અને ગૌરવનાં ગીતો હું ગાતો.

=== ૐ ===

અષાઢ સુદ એકાદશી, દેવ શયની એકાદશી, સં. ૨૦૪૨, ગુરુવાર. તા. ૧૭-૭-૧૯૮૬.

છંદ – ૧

સામાન્ય

ઊડે ગુલાલ આજ સંસ્કૃતિને ભાલ આજ,

લાલ લાલ વ્યોમ થકી વરસતું આવે,

સ્વાર્પણનું શોણિત જે ગગને છવાયું તે,

આનંદ ઊર્મિ કેસૂડાં થઈ આવે.

 

સંસ્કૃતિ ને ધર્મ આજ નાચતાં આનંદે,

લાલ લાલ સુરખી તો નાચે છે ગાલે,

ખુશીઓની રાગિણી ઈશને સુણાવતાં,

નાચે છે નાનકડા બાળકશા તાલે.

 

કુમકુમનાં પગલાંએ આવે છે માવડી,

યુગયુગની કાલિમા લુંછાતી આજે,

કર્મહીન માનવનાં મેણાં ફીટાયાં ને,

સ્ત્રીજન શક્તિ કાર્યક્ષેત્ર સાધે છે આજે.

 

મનડાનો મહીસાસુર ચંડમુંડ મારીને,

વાત્સલ્ય ઝરણાં છલકાવે છે આજે,

જ્ઞાન ભક્તિ કર્મ દઈ જનને રમાડતાં,

પાંડુરંગ સ્વાધ્યાયી પીણું પીવડાવે.

    === ૐ ===

જળબિંદુ શરમાતાં.

સામાન્ય

સ્પર્શ થકી લજવાતાં,

    દેખું જળબિંદુ શરમાતાં.

 

પુષ્પ પાંખડીની શય્યા પર,

બેઠાં પોરો ખાવા પલ ભર,

વાયુનો જ્યાં હાથ અડ્યો ત્યાં,

    દડબડ દોડી જાતાં…                                જળબિંદુ…

 

એક મહીં જો એક મળે તો,

એક બનીને રહેતાં એ તો,

તર્કશાસ્ત્રના સિદ્ધાંતોને,

    ગણિત ખોટાં ઠરતાં…                               જળબિંદુ…

 

સૂરજથી એ મુખ છુપાવે,

પણ જો કિરણ હાય લગાવે,

નભ પાલવમાં મુખ છુપાવી,

    ગગને પ્રસરી જાતાં…                                જળબિંદુ…

 

રેલાને દોરે બંધાતાં,

વસુંધરાને હૃદયે જાતાં,

તૃપ્તિના ફળ રૂપે એ તો,

    દૂર્વાકર થઈ ફૂટતાં…                                 જળબિંદુ…

    ===ૐ===

શ્રાવણ સુદ ચૌદસ, સં. ૨૦૪૦, શુક્રવાર. તા. ૧૦-૮-૮૪.

છોડ માંહી રણછોડ.

સામાન્ય

(રાગ – મારા દ્વારીકાના નાથ તારી પાસ આવ્યો છું…)

 

છોડ માંહી રણછોડ જૂવો કેવો નાચે છે,

જૂવો કેવો નાચે છે પાને પાને રાચે છે…                                        છોડ…

 

ઊંચે ઊંચે ગગને જાતાં વધવાનું શીખવાડે,

અર્જનની સાથે વિસર્જન એ મહિમા ગવડાવે,

એ તો મૂંગા રહીને જીવનનો સંદેશ આપે છે…                                છોડ…

 

એની છાયા નીચે યોગી ઈશ સ્મૃતિ વાગોળે,

બળતાં માનવ એની છાંયે લે વિસામો ખોળે,

એ તો કુદરતનો દિધેલ ઉપહાર જાણે છે…                                    છોડ…

 

ઋષિ સમા અણનમ ઊભા છે પર હિત કરવા કાજે,

અનુકૂળતા પ્રતિકૂળતામાં એ ધપતાં આગે,

એ તો ખાઈને અંગાર પ્રાણ જગને આપે છે…                                 છોડ…

 

પવન અને વૃક્ષોની જામે સ્નેહ તણી ત્યાં યારી,

વાયુનાં ગલગલીયાંથી તો ગુંજે સ્નેહ સિતારી,

શ્યામ સમજીને એ કાળાં વાદળને સત્કારે છે…                              છોડ…

 

હાસ્ય ખીલેલાં પુષ્પો મીઠાં ફળ છે એની વાણી,

સ્થિરતા ને નિર્દોષ જીવનની વાતો તો સમજાણી,

એ તો કાષ્ટ બને તોયે પોતાની જાત બાળે છે…                             છોડ…

 

ગીતામાં યોગેશ્વર કહેતા “વૃક્ષ મહીં હું વસતો,

એના જેવું જે કો જીવતા તે જીવનમાં હસતો“,

વૃક્ષોમાં ઈશનું દર્શન પાંડુરંગ બતાવે છે…                                     છોડ…

                       ===ૐ===

મારી પતંગ.

સામાન્ય

ઉડે છે આભ મહીં મારી પતંગ,

રંગીલું મોજીલું એનું છે અંગ…

 

આભ અને ધરતીને એતો છે સાંધતી,

સૂરજ દાદાને એ મળવાને ચાહતી,

વાયુની સાથ એણે કીધો છે સંગ…                           રંગીલું…

 

એનો તો દેહ બને રંગીન પતંગિયું,

આભલાંના રંગ ધરી જાણે એ આવીયું,

ઠમકતી ચાલ જોઈ થાતાં સૌ દંગ…                          રંગીલું…

 

એના છે કોડ વ્યોમ આખુંયે ખૂંદવું,

સૂર્ય, ચંદ્ર તારાને જઈને છે ચૂમવું,

પીવી છે આખીયે આકાશી ગંગ…                             રંગીલું…

 

દોર મારા હાથમાં પતંગ છે ગગનમાં,

હાથમાં હકીકત ને કલ્પના છે આભમાં,

સમજીને જીવવાનો માંડયો મેં જંગ…                        રંગીલું…

    ===ૐ===

પોષ સુદ ચૌદસ, સં. ૨૦૪૦, બુધવાર, તા. ૧૭-૧-૮૪.