Tag Archives: wind

માન સરવર

સામાન્ય

માન સરવર હંસની પાંખો બધે ફેલાઇ ગઈ,

‘શ્વેત નગરી’ જોતજોતામાં અહીં સર્જાઈ ગઈ.

 

પુરુષ સૂક્ત મહીં કહેલો પુરુષ ત્યાં પ્રગટી રહ્યો,

હજ્જાર મસ્તક ચરણ નયનોની ઝલક દેખાઈ ગઈ.

 

વેતન વિના તન અર્પીને પૂજા કરે પૂજારીઓ,

શક્યતા કંઈ છે નહીં કહેનારની જીભ બંધ થઈ.

 

વાયુ વરુણ ને અગ્નિએ પણ ચેનચાળા ખૂબ કર્યા,

‘દાદા’ની યોગેશ્વર પ્રતિ શ્રદ્ધાની ત્યારે જીત થઈ.

 

વિદ્વાન સંતો શાસકો આશ્ચર્યથી દિગ્મૂઢ બન્યા,

ભક્તિની શક્તિ સૌ સવાલોના જવાબો દઈ ગઈ.

 

ત્રિવેણીના સંગમ તટે જ્યાં તીર્થરાજ મિલન થયું,

ત્યાં પથ પ્રદર્શક પાંડુરંગી ચેતના પ્રગટી રહી.

 

વર્ષો પછીના બીજ થઈને વૃક્ષ ત્યાં ઝૂમી રહ્યા,

એંધાણ સતયુગના જણાયાં ને નિરાશા દૂર થઈ.

 

દેશ ને વિદેશના ચિંતક વદયા એકજ સૂરે,

પાંડુરંગ જ યુગ પુરુષ છે ના હવે શંકા રહી.

=== ૐ ===

ચૈત્ર સુદ સાતમ, સં. ૨૦૪૨, બુધવાર. તા. ૧૬-૪-૧૯૮૬.

જળબિંદુ શરમાતાં.

સામાન્ય

સ્પર્શ થકી લજવાતાં,

    દેખું જળબિંદુ શરમાતાં.

 

પુષ્પ પાંખડીની શય્યા પર,

બેઠાં પોરો ખાવા પલ ભર,

વાયુનો જ્યાં હાથ અડ્યો ત્યાં,

    દડબડ દોડી જાતાં…                                જળબિંદુ…

 

એક મહીં જો એક મળે તો,

એક બનીને રહેતાં એ તો,

તર્કશાસ્ત્રના સિદ્ધાંતોને,

    ગણિત ખોટાં ઠરતાં…                               જળબિંદુ…

 

સૂરજથી એ મુખ છુપાવે,

પણ જો કિરણ હાય લગાવે,

નભ પાલવમાં મુખ છુપાવી,

    ગગને પ્રસરી જાતાં…                                જળબિંદુ…

 

રેલાને દોરે બંધાતાં,

વસુંધરાને હૃદયે જાતાં,

તૃપ્તિના ફળ રૂપે એ તો,

    દૂર્વાકર થઈ ફૂટતાં…                                 જળબિંદુ…

    ===ૐ===

શ્રાવણ સુદ ચૌદસ, સં. ૨૦૪૦, શુક્રવાર. તા. ૧૦-૮-૮૪.

છોડ માંહી રણછોડ.

સામાન્ય

(રાગ – મારા દ્વારીકાના નાથ તારી પાસ આવ્યો છું…)

 

છોડ માંહી રણછોડ જૂવો કેવો નાચે છે,

જૂવો કેવો નાચે છે પાને પાને રાચે છે…                                        છોડ…

 

ઊંચે ઊંચે ગગને જાતાં વધવાનું શીખવાડે,

અર્જનની સાથે વિસર્જન એ મહિમા ગવડાવે,

એ તો મૂંગા રહીને જીવનનો સંદેશ આપે છે…                                છોડ…

 

એની છાયા નીચે યોગી ઈશ સ્મૃતિ વાગોળે,

બળતાં માનવ એની છાંયે લે વિસામો ખોળે,

એ તો કુદરતનો દિધેલ ઉપહાર જાણે છે…                                    છોડ…

 

ઋષિ સમા અણનમ ઊભા છે પર હિત કરવા કાજે,

અનુકૂળતા પ્રતિકૂળતામાં એ ધપતાં આગે,

એ તો ખાઈને અંગાર પ્રાણ જગને આપે છે…                                 છોડ…

 

પવન અને વૃક્ષોની જામે સ્નેહ તણી ત્યાં યારી,

વાયુનાં ગલગલીયાંથી તો ગુંજે સ્નેહ સિતારી,

શ્યામ સમજીને એ કાળાં વાદળને સત્કારે છે…                              છોડ…

 

હાસ્ય ખીલેલાં પુષ્પો મીઠાં ફળ છે એની વાણી,

સ્થિરતા ને નિર્દોષ જીવનની વાતો તો સમજાણી,

એ તો કાષ્ટ બને તોયે પોતાની જાત બાળે છે…                             છોડ…

 

ગીતામાં યોગેશ્વર કહેતા “વૃક્ષ મહીં હું વસતો,

એના જેવું જે કો જીવતા તે જીવનમાં હસતો“,

વૃક્ષોમાં ઈશનું દર્શન પાંડુરંગ બતાવે છે…                                     છોડ…

                       ===ૐ===

મારી પતંગ.

સામાન્ય

ઉડે છે આભ મહીં મારી પતંગ,

રંગીલું મોજીલું એનું છે અંગ…

 

આભ અને ધરતીને એતો છે સાંધતી,

સૂરજ દાદાને એ મળવાને ચાહતી,

વાયુની સાથ એણે કીધો છે સંગ…                           રંગીલું…

 

એનો તો દેહ બને રંગીન પતંગિયું,

આભલાંના રંગ ધરી જાણે એ આવીયું,

ઠમકતી ચાલ જોઈ થાતાં સૌ દંગ…                          રંગીલું…

 

એના છે કોડ વ્યોમ આખુંયે ખૂંદવું,

સૂર્ય, ચંદ્ર તારાને જઈને છે ચૂમવું,

પીવી છે આખીયે આકાશી ગંગ…                             રંગીલું…

 

દોર મારા હાથમાં પતંગ છે ગગનમાં,

હાથમાં હકીકત ને કલ્પના છે આભમાં,

સમજીને જીવવાનો માંડયો મેં જંગ…                        રંગીલું…

    ===ૐ===

પોષ સુદ ચૌદસ, સં. ૨૦૪૦, બુધવાર, તા. ૧૭-૧-૮૪.

મનના શણગારને જોવાની લગન મને.

સામાન્ય

(રાગ – વાણીની દેવી મા શારદા નમન તને…)

 

સૃષ્ટિનો સર્જક જોવાની લગન મને,

મનના શણગારને જોવાની લગન મને…

 

નયણાંના ઘાટ થકી નજરોની નાવ લઈ,

સૌંદર્ય મૂર્તિ નીરખવાની આશ લઈ,

ભેદી આકાશને જોવાની લગન મને…                            મનના…

 

ઝરણાંનાં ઝાંઝર ના ઝણકારે ઝુમતો,

વાયુમાં વ્હાલ થઈ હૈયાને ચુમતો,

થાવું કવન ઈશનું બસ એ લગન મને…                         મનના…

 

પર્વતને પાણીનું હૈયું તે દીધું,

માનવ જીવન જળથી લહેરાતું કીધું,

લીલાને તારી જોવાની લગન મને…                               મનના…

 

તારાની આંખોથી જગને નિહાળતો,

ચાંદામાં હાસ્ય થઈ શીતળતા આપતો,

વ્યાપક પ્રભુને જોવાની લગન મને…                             મનના…

 

જીવનના રાગ બધા છોડીને આવું,

કંઠ તણો રાગ તારા કાનમાં ધરાવું,

“પાંડુરંગ” રાગ મહીં ડૂબું લગન મને…                            મનના…

    ===ૐ===

કારતક સુદ નોમ, સં. ૨૦૪૦, બુધવાર. તા. ૧૩-૧૧-૮૩. (રંગ જયંતી મારી દિકરી જાગૃતિનો જન્મ દિવસ.)

 

(વડોદરા જીલ્લાની તીર્થયાત્રા તા. ૧૦-૧૧-૮૩ થી ૧૮-૧૧-૮૩ દરમિયાન, તા.૧૩-૧૧-૮૩ ને દિવસે રચેલું. યાત્રીકોને મળવા જતાં રસ્તામાં ઉદ્ભવેલું (પાવી) જેતપુરમાં લખ્યું.)