(રાગ – માલકંસ – આ ઘટા બનાવી શા માટે?)
ઉપવનની શોભા છે ન્યારી,
અહીં વૃક્ષ પ્રતિમા છે પ્યારી… ઉપવનની…
નિસર્ગનું પૂજન અહીં થાયે,
સરલ જીવનના પાઠ શીખાયે,
દૈવી સુંદરતા નીરખવા,
મારે દ્રષ્ટિ વિકારી… ઉપવનની…
સદ્ગુણનાં પુષ્પો અહીં મહેકે,
ફળના ત્યાગ તણાં ગીત ગહેકે,
ધૈર્ય સમર્પણ એકજ નિષ્ઠા,
ખીલતી સ્નેહ તણી ક્યારી… ઉપવનની…
નિત્ય વધે એવી એ મૂર્તિ,
ઊર્મિના સંગાથે ઝૂમતી,
પાષાણ કેવળ ના ઈશ્વર,
શાણાં સમજે વિચારી… ઉપવનની…
જળ પુષ્પો શ્રીફળ ને મેવા,
ઈશનું સર્જન એ શું દેવાં?
પૂજનમાં નિજ કૌશલ દઈએ,
રીઝશે તેથી બનવારી… ઉપવનની…
યજ્ઞીય ભાવે ધન સર્જાયે,
કોઈ એકનું ના કહેવાયે,
વિષ્ણુપત્ની લક્ષ્મીજીની,
આવે તે દિ’ ગજ સવારી… ઉપવનની…