Tag Archives: youth

ખેલ જવાની તારો ખેલ.

સામાન્ય

ખેલ જવાની તારો ખેલ,

રમત બીજાની ઊંચી મેલ,

ખેલ જવાની તારો ખેલ.

 

પ્રભુ મોકલે કરી સભાન,

પી શૂરા કાં ભુલે ભાન,

કર્મ શૂન્ય તેથી ગુમનામ,

આળસને હડસેલી મેલ…        ખેલ…

 

જીવન ખુદ છે ઝંઝાવાત,

ડરવાની છોડીદે વાત,

મારી દે એને તું લાત,

શૌર્ય તણી રેલવજે રેલ…        ખેલ…

 

જગ આખું દુઃખથી છે ત્રસ્ત,

દુર્ગુણનાં રાહુથી ગ્રસ્ત,

ઈર્ષાને ફેલાવવા વ્યસ્ત,

ખીલવજે તું સ્નેહની વેલ…      ખેલ…

 

જોબન ના છે અંધાપો,

જપવા અસ્મિતા જાપો,

હણવાં જગના સંતાપો,

જીવન સર્જવા કરજે પહેલ…    ખેલ…

 

ના કરજે કંટકનું વન,

ધન અણમોલું છે જોબન,

સંસ્કારોથી શોભે તન,

રામ કરે તુજ સંગે ગેલ…          ખેલ…

===ૐ===

મહાવદ નોમ, સં.૨૦૪૩, રવિવાર. તા. ૨૨-૨-૮૭.

દીધાં બલિદાન.

સામાન્ય

દીધાં બલિદાન સંતે કેવાં રૂપાળા,

એને ના કરશું અમે કો’દી કાળા.                          દીધાં. . .

 

સર્જ્યો એણે ઈતિહાસ,

પૂરશું એમાં અમ શ્વાસ,

ધરશું ચરણોમાં ધબકતાં યૌવન હુંફાળાં. . .           દીધાં. . .

 

તીર્થરાજનું મિલન,

ગુંજે ચૌદે ભવન,

પાંચજન્ય થઈને ગુંજીશું કૃપાળા. . .                     દીધાં. . .

 

કીધા વિધવિધ પ્રયોગ,

કરવા શિવનો સંયોગ,

તેથી ઉપવનને કૃષિ છે દિવ્ય પ્રેમશાળા. . .           દીધાં. . .

 

અંધ ભક્તિના ખેલ,

એની ચાલી’તી રેલ,

કૃતિ ભક્તિ બતાવીને કાઢ્યાં છે જાળાં. . .             દીધાં. . .

 

ગામ ગામમાં કૃષિ,

જોઈ હસતાં ઋષિ,

નથી શ્રમદાન એતો છે સાચી જપમાળા. . .            દીધાં. . .

 

લાગે જાણે ભુક્તિ,

તોયે મળતી મુક્તિ,

તેથી ‘દાદા’નો ખોળો છે માતૃ પપ્રેમશાળા. . .          દીધાં. . .

=== ૐ ===

જેઠ વદ છઠ, સં. ૨૦૪૨, શુક્રવાર. તા. ૨૭-૬-૧૯૮૬.

ઋષિ પ્રેમ વર્ધન, ફરતીકૂઈ. પ. પૂ. દાદાની સંનિધિમા બપોરે ૧૨:૩૦ વાગે.

યૌવનનો સાગર.

સામાન્ય

(રાગ – હોઠે હરિનામ દિલે ઈશ્વરનું કામ. . .)

 

ગરજતો જાય એ તો નાચતો જાય,

યૌવનનો સાગર તો આભે અથડાય.

 

સ્વાધ્યાય વિચલનનું મોજુ વહ્યું છે,

પાંગરતું જોબન એનાં પર રમ્યું છે,

પૌરુષ પરાક્રમનો ઉત્સવ ઊજવાય. . .            યૌવનનો. . .

 

એક આંખ સ્નેહ નિર્ઝરી થઈ વહી છે,

બીજી દાનવતાને બાળી રહી છે,

અક્કડની સામે એ ટક્કર થઈ જાય. . .            યૌવનનો. . .

 

હાસ્યના ફુવારા જીવનના મિનારા,

દુ:ખના રણમાં ઊગ્યા સ્નેહ તણાં ક્યારા,

હૈયામાં ફોરમ થઈ એ તો ફોરાય. . .                 યૌવનનો. . .

 

ગામ ગામ એનાં જ્યાં પગલાં પડે છે,

દૈવી વિચારોના સ્મારક બને છે,

હૈયામાં ઈશ્વરના ધામો સર્જાય. . .                    યૌવનનો. . .

 

વંઠેલી યુવાની આજ થઈ શાણી,

‘દાદા’એ એની શક્તિને પિછાણી,

ખંડનને બદલે એ સર્જન દઈ જાય. . .              યૌવનનો. . .

=== ૐ ===

મહા વદ આઠમ, સં. ૨૦૪૨, સોમવાર. તા. ૩-૩-૧૯૮૬.

જીવન ઊર્ધ્વગામી થવાને ચહે છે.

સામાન્ય

જીવન ઊર્ધ્વગામી થવાને ચહે છે,

મટી શૂન્ય એ પૂર્ણ બનવા મથે છે.

 

ફૂટે અંકુરો થૈ’ ઘટાવૃક્ષ થાવા,

ફૂલોને ખીલવતું મધુરું હસે છે.

 

અમારી આ માટીમાં જે બીજ વાવ્યાં,

વાર્ધક્ય એનાં ફ્ળો ભેટ દે છે.

 

સંજોગના સૌ શિકારો થવાના,

સંજોગના કો શિકારી બને છે.

 

વિચારોની સાવરણી મનની ભૂમિ પર,

વિકારોના કચરાને વાળ્યા કરે છે.

 

નિરામય ધવલ નિર્મળી જિંદગાની,

તે પામવા દિલ સદાયે રુવે છે.

 

‘ચાલી’ યુવાની દઈ હાથ ’તાલી’

પડે ‘ચાસ’ મુખ પર જીવન ‘વન’ મહીં જે.

 

વરસગાંઠ ટુકડાથી ગંઠાતુ જીવન,

અમરગાંઠ કાજે તલસતું રહે છે.

 

નથી થાવું પથ્થર કે જે શીશ ફોડે,

પરમ સ્નેહ મૂર્તિ થવું ઝંખના છે.

    ===ૐ===

જેઠ સુદ ચોથ, સં. ૨૦૪૧, ગુરુવાર, તા. ૨૩-૫-૮૫.

 

૧. ‘ચાલી’ – ચાળીસ વર્ષ, ૨. ‘તાલી’ – એકતાલી (૪૧), બેંતાલી (૪૨), ૩. ‘ચાસ’ – પચાસ(૫૦), ૪. ‘વન’ – એકાવન, બાવન

નવું વરસ.

સામાન્ય

(રાગ- દાદા ના કામને જુવો, આવ્યા છે પગ હવે)

 

ચાહું સ્મરણથી આપના, કે પ્રગટો નવું વરસ;

ને આપના કવનથી ગુંજો આજે નવું વરસ.

 

નવલા પ્રકાશથી તો ચમકે સંસ્કૃતિના કળશ;

રક્તાભિષેક કરવા દેવું નિજનું જીવન સરસ…                                ચાહું…

 

ભૂતકાળ હોય ભીષણ, પણ છે એને ભુલી જવો;

છે આજને સમજવાનો, પ્રગટયો નવો દિવસ…                               ચાહું…

 

ઉલટે પ્રવાહ વહેવા કાજે જોબન ખરું ચહે;

વિકરાળ કાળને ફેરવવો, થાવું ન એને વશ…                                ચાહું…

 

દુર્ગુણની આગ માંથી, માનવ કુલને બચાવવાં;

સદ્ગુણ સુધા પીને પીવડાવી ભરવો જીવનમાં રસ…                      ચાહું…

 

ઉજળી છતાંય પૂનમ પણ છે હોળી થઈ જતી;

કાળી દિપાવલીની કૂખે જન્મ્યું નવું વરસ…                                   ચાહું…

            ===ૐ===

કારતક સુદ નોમ (રંગ જયંતી), સં. ૨૦૩૯, ગુરુવાર. તા. ૨૫-૧૧-૮૨.