સૌંદર્યથી સજેલાં નયણાં મને ગમે છે.

સામાન્ય

સૌંદર્યથી સજેલાં નયણાં મને ગમે છે,

ને હેતથી ભરેલું હૈયું મને ગમે છે.

 

જોઈ મેં ચાલ તારી જે શૌર્યની સવારી,

ગૌરવની એ ખુમારી જોવી મને ગમે છે.

 

રાજ્યાભિષેક વિણ તું સમ્રાટ છે હૃદયનો,

દિલની એ બાદશાહી તારી મને ગમે છે.

 

કેવું વિશાળ હૈયું? સૌને સમાવનારું,

સૌનું છતાંય મારું એ ઘર મને ગમે છે.

 

છમ છમ બજી રહ્યા છે ઝાંઝર બનીને શબ્દો,

મહેફિલ મહીં એ તારી પાગલ થવું ગમે છે.

 

પ્યાલો લીધો છે તારી ગીતા સુધાનો મેં તો,

ના ઓડકાર આવે પીવું મને ગમે છે.

 

ખેંચાય જ્યાં ભૃકુટિ તાંડવના તાલ ઉઠતા,

મલકે નયન કે ખીલતી સૃષ્ટિ મને ગમે છે.

 

તું કેમ બહુ ગમે છે કારણ ન મારી પાસે,

બસ એમ પણ ગમે છે ને તેમ પણ ગમે છે.

===ૐ===

ભાદરવા વદ તેરસ, સં. ૨૦૪૧, શુક્રવાર. તા. ૧૧-૧૦-૮૫.

Leave a comment