Tag Archives: poem

થાળ

સામાન્ય

(રંગ અવધૂત મહારાજનો થાળ)

રંગ અવધૂત મારા રંગ અવધૂત,

ભિક્ષા લેવાને વહેલા આવજો . . .

જાગ્યાં મારા ભાગ્ય વ્હાલા ખૂલ્યાં મારા ભાગ્ય,

પાવન કરવાને વહેલા આવજો . . . 


ચોખા ને મગની ખીચડી આપ તો આરોગતા,

ભાજી કે શાક તમે સંગે આરોગતા,

ચર્ચા નહિ સ્વાદની કૈં ગનતા પ્રસાદ . . . ભિક્ષા . . .


ચાહું કે ભિક્ષા દેવી વિધવિધ ભોજનજી,

બરફી ઘેબર ને પેંડા જલેબીની વાનગી,

લાડુ ને માલપૂઆ વેઢમી સંગાત . . . ભિક્ષા . . .


મૈસુર ને દૂધપાક સાથે ઉત્તમ શીખંડ હો,

કેરીનો રસ ને સાથે હલવાસન પાક હો,

સુતરફેણી પણ પીરસું લેજો આસ્વાદ . . . ભિક્ષા . . .


બાસમતી ભાત સાથે ખીચડી બનાવું,

ચોળાફળી ને રીંગણ, સુરણનું શાક લાવું,

બટાકા ટમેટાનું રસદાર શાક . . . ભિક્ષા . . .


વિધવિધ ફરસાણ પણ મેં છે બનાવ્યાં,

વિધવિધ સરીતાઓનાં જળ પણ મેં છે આણ્યાં,

તાંબુલ એવું સજાવું! થાયે રસદાર . . . ભિક્ષા . . .


ઈશ્વર रसो वै स: થઇ ને છે વ્યાપયો,

ભોજન તો अन्नं ब्रह्म મંત્ર છે મેં જાણ્યો,

લેજો હો ગુરુવર તમે એનો આસ્વાદ . . . ભિક્ષા . . .


દિધો આદેશ પાંડુરંગે વિઠ્ઠલને,

જન્મ હું ધરીશ તારો વ્હાલુડો બાળ થઇને,

પાંડુરંગ થઇને આવ્યો દુ:ખડાં હરવાય . . . ભિક્ષા . . .


અન્નકૂટ મેં ધરીયો રંગા તારી નજરની સામે,

આરોગો અવધૂત જેથી પાંડુરંગ પામે,

દાસ થઇને વીનવું રંગા કરજો કૃપાય . . . ભિક્ષા . . .

= = = ૐ = = =

અષાઢ સુદ પૂર્ણિમા (ગુરુ પૂર્ણિમા) સં. ૨૦૭૬. તા. ૫-૭-૨૦૨૦.

 

નયનં મધુરં‍

સામાન્ય
નયનં મધુરં‍

કૃષ્ણ તારી આંખડી જાણે પદ્મ પાંખડી. . . ધ્રુવ

રાધાને આંખબે ઈશારે બોલાવતો,
મૌન વાણી રાધાની સ્નેહે મમળાવતો,
રાધાનો પ્રેમ જાણે ત્યાગની છે ચાખડી… કૃષ્ણ તારી

નયણાંનાં વર્તનથી ગોપીઓ નચાવતો,
ઘેલછાને ભાવનાનાં જળથી નવરાવતો,
ભાન ભૂલે ભામિની ચાલ જોઈ ફાંકડી… કૃષ્ણ તારી

આંખની રતાશ જોઈ ચાણૂર ગાત્રો ધ્રુજે,
કંસના નયનમાંહી ભયના ભૂતો દિસે,
વાંસળીયે પાપીને લાગે દંડ લાકડી… કૃષ્ણ તારી

ભક્તોને આંખ મહીં વૃંદાવન લાગતા,
શરણે આવેલાને મોક્ષધામ લાગતા,
નિરાશા નષ્ટ થઇ વિદાય થાય રાંકડી… કૃષ્ણ તારી

આંખડીના ગોખ મહીં આવી શ્યામ નાચજે,
જન્મોની વેદના પછી આવી આ ઘડી… કૃષ્ણ તારી

= = = ૐ = = =

જનકલ્યાણ: મારાં નયનમાં

સામાન્ય

જનકલ્યાણ માસિક સામાયિકમાં પ્રકાશિત મારું ગીત.

 

જનકલ્યાણ: મારાં નયનમાં

ભક્તનાં લક્ષણો

સામાન્ય

કરૂણાકર કૃષ્ણ ધનંજયને; ભક્તોનાં લક્ષણ વર્ણવતા,
ઈશ્વર પોતાના શ્રીમુખથી; ભક્તોનું ગુણવર્ણન કરતા . . .

 

કોઈનો દ્વેષ કદી ન કરે; મૈત્રી તો સૌની સાથ કરે,
કરૂણા નિર્ઝર છલકાવીને; “નથી મારું” કહી હરિપદ ધરતા . . .

 

અહંકાર બાળી નાખે; સુખ દુ:ખમાં મનને સ્થિર રાખે,
પાપીનાં પાપો નહીં દેખી; માફી દઈને મન ખુશ રહેતા . . .

 

સંતોષી પ્રાપ્ત થયું તેમાં; થૈ યોગી સતત રમે ઈશમાં,
ઈંદ્રિયો દેહ કરે વશમાં, મન બુદ્ધિ ઈશ ચરણે ધરતા . . .

 

ઉદ્વેગ બીજામાં નહીં કરતા; ઉદ્વિગ્ન બીજાથી ના થાતા,
ઉન્નતિ કે ભય ને હર્ષ દુ:ખોથી; મુક્ત બની જગમાં ફરતા . . .

 

ના હર્ષ મહીં ઘેલા થાતા; નહીં દ્વેષ કરી ભૂંડા થાતા,
ના શોક મહીં ડૂબી જાતા; નહીં પાગલ ઈચ્છા કાજ થાતા . . .

 

એ શુભ અશુભ કર્મો ત્યાગો; પરિણામોથી એ દૂર રહેતા,
એ ભક્તિ સભર ભક્તો દેખો; પરમેશ્વરને હૈયે વસતા . . .

 

જે શત્રુ મિત્ર સમાન ગણે; અપમાન માન સમતાથી જૂવે,
સમાન ગણે જે સુખ દુ:ખને; આસક્તિ વસ્ત્રો દૂર કરતા . . .

 

નીંદા ને સ્તુતિમાં સમ રહેતા; થઈ મનનશીલ મૌને રમતા,
જે કંઇ મળતું સંતોષ ધરે; રહેઠાણ મહીં ના ચિત્ત ધરતા . . .

 

જે પ્રભુમાં દ્રઢ શ્રદ્ધા સેવે; ને ધર્મામૃતનું પાન કરે,
જેને શ્રીહરિ ખૂબ ખૂબ ગમતા; શ્રીહરિને ભક્તો ખૂબ ગમતા . . .

=== ૐ ===

ભાદરવા વદ ચોથ, વિક્રમ સંવત ૨૦૭૧, ગુરુવાર. તા. ૧-૧૦-૨૦૧૫.

પરબ્રહ્મ

સામાન્ય

પરબ્રહ્મ પરમાત્માએ ખેલ રચ્યો ન્યારો;
નિર્ગુણ થઈ શાશ્વત કહેવાયો, સગુણ દિસે પ્યારો…

 

હતા નહીં ત્યાં ચન્દ્ર સૂરજ પૃથ્વી ને તારા;
હતી નહીં પર્વતમાળાઓ સરિતાની ધારા;
પુષ્પોનો પમરાટ નહીં ભમરાનો ગુંજારો…                 પરબ્રહ્મ…

 

રૂપ રંગ આકાર નહીં, નહીં અગ્નિની જ્વાળા;
નહીં ધ્વનિ આકાશ નહીં, નહીં વાદળ ત્યાં કાળાં;
પંચ મહાભૂતનો ત્યાં દિસતો ના કોઈ વરતાયે…        પરબ્રહ્મ…

 

પરબ્રહ્મ રમવાને ચાહે, સગુણ રૂપે વિચરે;
કૃમિ કીટક ને પશુ પક્ષી માનવ રૂપો ધારે;
ગિરિ કંદરા ને હરિયાળી લીલોતરી ક્યારો…              પરબ્રહ્મ…

 

રમત પૂરી થઈ પરબ્રહ્મની, સઘળું શૂન્ય કીધું;
રંગ રૂપ આકાર પ્રકારોનું વિસર્જન કીધું;
થયો ફરીથી નિર્ગુણ થઈને શાશ્વત રમનારો…            પરબ્રહ્મ…

=== ૐ ===

ભાદરવા વદ આઠમ,  વિક્રમ સંવત ૨૦૬૯, શુક્રવાર. તા. ૨૮-૯-૨૦૧૩.