Tag Archives: krishna

નયનં મધુરં‍

સામાન્ય
નયનં મધુરં‍

કૃષ્ણ તારી આંખડી જાણે પદ્મ પાંખડી. . . ધ્રુવ

રાધાને આંખબે ઈશારે બોલાવતો,
મૌન વાણી રાધાની સ્નેહે મમળાવતો,
રાધાનો પ્રેમ જાણે ત્યાગની છે ચાખડી… કૃષ્ણ તારી

નયણાંનાં વર્તનથી ગોપીઓ નચાવતો,
ઘેલછાને ભાવનાનાં જળથી નવરાવતો,
ભાન ભૂલે ભામિની ચાલ જોઈ ફાંકડી… કૃષ્ણ તારી

આંખની રતાશ જોઈ ચાણૂર ગાત્રો ધ્રુજે,
કંસના નયનમાંહી ભયના ભૂતો દિસે,
વાંસળીયે પાપીને લાગે દંડ લાકડી… કૃષ્ણ તારી

ભક્તોને આંખ મહીં વૃંદાવન લાગતા,
શરણે આવેલાને મોક્ષધામ લાગતા,
નિરાશા નષ્ટ થઇ વિદાય થાય રાંકડી… કૃષ્ણ તારી

આંખડીના ગોખ મહીં આવી શ્યામ નાચજે,
જન્મોની વેદના પછી આવી આ ઘડી… કૃષ્ણ તારી

= = = ૐ = = =

ગીતા નિર્ઝરી

સામાન્ય

ગીતા જયંતિના પાવન પર્વે શ્રી. દિનેશ પાઠક દ્વારા રચિત “ગીતા નિર્ઝરી” પુસ્તક, આ બ્લોગના પુસ્તક વિભાગમાં ઈ-પુસ્તક તરીકે ઉપલબ્ધ કરીએ છીએ.

આપ સૌને આ પુસ્તક ગમશે એવી આશા સાથે અહિં પ્રગટ કરીએ છીએ.

ગીતા નિર્ઝરી

ભક્તનાં લક્ષણો

સામાન્ય

કરૂણાકર કૃષ્ણ ધનંજયને; ભક્તોનાં લક્ષણ વર્ણવતા,
ઈશ્વર પોતાના શ્રીમુખથી; ભક્તોનું ગુણવર્ણન કરતા . . .

 

કોઈનો દ્વેષ કદી ન કરે; મૈત્રી તો સૌની સાથ કરે,
કરૂણા નિર્ઝર છલકાવીને; “નથી મારું” કહી હરિપદ ધરતા . . .

 

અહંકાર બાળી નાખે; સુખ દુ:ખમાં મનને સ્થિર રાખે,
પાપીનાં પાપો નહીં દેખી; માફી દઈને મન ખુશ રહેતા . . .

 

સંતોષી પ્રાપ્ત થયું તેમાં; થૈ યોગી સતત રમે ઈશમાં,
ઈંદ્રિયો દેહ કરે વશમાં, મન બુદ્ધિ ઈશ ચરણે ધરતા . . .

 

ઉદ્વેગ બીજામાં નહીં કરતા; ઉદ્વિગ્ન બીજાથી ના થાતા,
ઉન્નતિ કે ભય ને હર્ષ દુ:ખોથી; મુક્ત બની જગમાં ફરતા . . .

 

ના હર્ષ મહીં ઘેલા થાતા; નહીં દ્વેષ કરી ભૂંડા થાતા,
ના શોક મહીં ડૂબી જાતા; નહીં પાગલ ઈચ્છા કાજ થાતા . . .

 

એ શુભ અશુભ કર્મો ત્યાગો; પરિણામોથી એ દૂર રહેતા,
એ ભક્તિ સભર ભક્તો દેખો; પરમેશ્વરને હૈયે વસતા . . .

 

જે શત્રુ મિત્ર સમાન ગણે; અપમાન માન સમતાથી જૂવે,
સમાન ગણે જે સુખ દુ:ખને; આસક્તિ વસ્ત્રો દૂર કરતા . . .

 

નીંદા ને સ્તુતિમાં સમ રહેતા; થઈ મનનશીલ મૌને રમતા,
જે કંઇ મળતું સંતોષ ધરે; રહેઠાણ મહીં ના ચિત્ત ધરતા . . .

 

જે પ્રભુમાં દ્રઢ શ્રદ્ધા સેવે; ને ધર્મામૃતનું પાન કરે,
જેને શ્રીહરિ ખૂબ ખૂબ ગમતા; શ્રીહરિને ભક્તો ખૂબ ગમતા . . .

=== ૐ ===

ભાદરવા વદ ચોથ, વિક્રમ સંવત ૨૦૭૧, ગુરુવાર. તા. ૧-૧૦-૨૦૧૫.

શ્રી કૃષ્ણ

સામાન્ય

સ્નેહપૂર્ણ થૈ વદે શ્રી કૃષ્ણ માધવ,

मन्मना भव मन्मना भव।।     (૨)

 

સગા નજીકના છતાંય થાય પારકા,

શ્યામનું સ્મરણ રચે હૃદયમાં દ્વારકા,

મન ભ્રમર રટ્યા કરે હે કૃષ્ણ કેશવ…     मन्मना भव…

 

યશોમતિ લાલ ગ્વાલ બાલને ગમે,

નંદલાલ ગોપીઓનાં મન મહીં રમે,

ચિત્ત દે તો ચિંતા હરે શ્રી માધવ…          मन्मना भव…

 

મનની વાંસળી તો અહંકારથી ભરી,

શ્યામ સ્નેહની સૂરાવલિ નહીં સરી,

ત્યાગ સમર્પણ થી રીઝે શ્રી વાસુદેવ…    मन्मना भव…

 

ચિત્ત ચક્ર થૈ ભમે પ્રભુ! ઘૂમાવજો,

વાસનાની વાંસળી તમે બજાવજો,

શબ્દ ચહું સૂણવા શ્રી કૃષ્ણ જાધવ…      मन्मना भव…

=== ૐ ===

પોષ વદ ત્રીજ, સં. ૨૦૫૩, શુક્રવાર. તા. ૨૭-૧૨-૧૯૯૬.

તારી વાંસળી

સામાન્ય

તારો શ્યામલ રંગ છે કેવો,

છવાયો મારાં નયણાંમાં,

તારી વાંસળીએ સૂર છેડ્યો,

છૂપાયો મારાં રુદિયામાં.

 

મૂરત ના ભૂલું તારી, વ્રજના વિહારી;

નાચતાં નેણ તારાં, જોઈ હું વારી;

મૂને વૈકુંઠ વા’લુ નવ લાગે;

કે રે’વુ તારા ગોકુળમાં…                      તારી…

 

પૂનમની રાતે ચાલી, યમુનાને ઘાટે;

વા’લમની સાથે રાસ, કીધો વિરાટે;

તેં તો મનડું ચોર્યું ને હું તો હારી;

જવું ન ગમે મુજ ઘરમાં…              તારી…

 

ઘટ ઘટના વાસી મોહન, લઈ લે ઘટ મારું;

મનનું નવનીત તેમાં, લાવી છું પ્યારું;

તું જો લૂંટી લૂંટીને આરોગે;

તો માનુ ધન ભાગ મારાં…           તારી…

 

જીવ જગદીશે રચી, એવી રાસ લીલા;

શોક મોહ વસ્ત્રો છૂટ્યાં, કીધી સ્નેહ ક્રીડા;

મારી સંગ સંગ માધવ નાચે;

ભૂલીને દૂરી નર્તનમાં…               તારી…

=== ૐ ===

શ્રાવણ વદ બીજ, સં. ૨૦૫૨, શુક્રવાર. તા. ૩૦-૮-૧૯૯૬.