કાચા સૂતરની અતૂટ મારી રાખડી.

સામાન્ય

કાચા સૂતરની અતૂટ મારી રાખડી,

સ્નેહનો સમંદર વહાવતી એ આંખડી.                કાચા. . .

 

જીવનની લક્ષ્મણ રેખાને બતાડતી,

સંસ્કૃતિ ધર્મના અદેખાને ડારતી,

સંયમના દંડ સમી જાણેકે લાકડી.                          કાચા. . .

 

વીજળીનો ચમકારો એમાં સમાતો,

તીખારો દુષ્ટોને એનો દઝાડતો,

સ્વાપર્ણના યજ્ઞ તણી જ્વાળા છે ફાંકડી.                 કાચા. . .

 

ભાવ તણાં બંધનની એતો છે બેડી,

જીવન વિકાસ કાજ થાતી એ કેડી,

ચરણોમાં શક્તિને ભરતી થઈ ચાખડી.                    કાચા. . .

 

વ્યસનો ને દુર્ગુણથી એતો બચાવે,

વેદના વિચારોથી જીવન સજાવે,

કરતી તેજસ્વી જે જીંદગી છે રાંકડી.                         કાચા. . .

 

પાંડુરંગ  સૌનાં જીવનની છે રાખડી,

યોગેશ્વર ભાવથી ભરેલી છે આંખડી,

તેથી તો સઘળાંને મંઝિલ છે સાંપડી.                       કાચા. . .

=== ૐ ===

Leave a comment