Tag Archives: સંસ્કૃતિ

મા સંસ્કૃતિનો લાડકો.

સામાન્ય

તું છે વર્ધક મા સંસ્કૃતિનો લાડકો રે લોલ;

પ્રભુ ચરણે ચઢેલું તું ફૂલડું રે લોલ.

 

 

નથી ઘરડો તું ભોગમાં ઘસાયેલો રે લોલ,

તું વધેલો છે ભાવ પ્રેમ કર્મમાં રે લોલ. . .                તું છે. . .

 

 

અનુભવની તને આંખ સાંપડી રે લોલ,

યુવાશક્તિની પાંખ સાથ જોડજે રે લોલ. . .             તું છે. . .

 

 

तेन त्यक्तेन भुञ्जीथा: ઋષિ વદે રે લોલ,

તારું કૌશલ સહુને તું વ્હેંચજે રે લોલ. . .                 તું છે. . .

 

 

ઘર ખૂણેના મૃત્યુ પોકારતો રે લોલ,

હરિ હરખે તેમ હરિધામ પહોંચજે રે લોલ. . .             તું છે. . .

 

 

કંઈક સંતાનો વાત્સલ્ય ઝંખતા રે લોલ,

વાનપ્રસ્થ થઈ સ્નેહને વહાવજે રે લોલ. . .             તું છે. . .

 

 

તું છે ‘દાદા’ના સ્નેહની પ્રતિકૃતિ રે લોલ,

એની ઈચ્છાને દિલથી વધાવજે રે લોલ. . .             તું છે. . .

=== ૐ ===

ભાદરવા વદ બીજ, સં. ૨૦૪૨. શનિવાર. તા. ૨૦-૯-૧૯૮૬.

ઋષિપ્રેમ વર્ધન, ફરતીકૂઈ, જી. વડોદરા.

કાચા સૂતરની અતૂટ મારી રાખડી.

સામાન્ય

કાચા સૂતરની અતૂટ મારી રાખડી,

સ્નેહનો સમંદર વહાવતી એ આંખડી.                કાચા. . .

 

જીવનની લક્ષ્મણ રેખાને બતાડતી,

સંસ્કૃતિ ધર્મના અદેખાને ડારતી,

સંયમના દંડ સમી જાણેકે લાકડી.                          કાચા. . .

 

વીજળીનો ચમકારો એમાં સમાતો,

તીખારો દુષ્ટોને એનો દઝાડતો,

સ્વાપર્ણના યજ્ઞ તણી જ્વાળા છે ફાંકડી.                 કાચા. . .

 

ભાવ તણાં બંધનની એતો છે બેડી,

જીવન વિકાસ કાજ થાતી એ કેડી,

ચરણોમાં શક્તિને ભરતી થઈ ચાખડી.                    કાચા. . .

 

વ્યસનો ને દુર્ગુણથી એતો બચાવે,

વેદના વિચારોથી જીવન સજાવે,

કરતી તેજસ્વી જે જીંદગી છે રાંકડી.                         કાચા. . .

 

પાંડુરંગ  સૌનાં જીવનની છે રાખડી,

યોગેશ્વર ભાવથી ભરેલી છે આંખડી,

તેથી તો સઘળાંને મંઝિલ છે સાંપડી.                       કાચા. . .

=== ૐ ===

નવી વિજયાદશમીના મેં દર્શન કીધાં.

સામાન્ય

એને ચહેરે ખુમાર અને મુખથી હુંકાર,

કૃતિ ભક્તિના શસ્ત્રોના પૂજન કીધાં,

નવી વિજયાદશમીના મેં દર્શન કીધાં…

 

પોતાની શક્તિની સીમાઓ બાંધી,

જીવન પ્રતિભાની સરહદ પણ આંકી,

એવી સીમાઓ ઓળંગી પગરણ કીધાં…        નવી વિજ્યાદશમીનાં…

 

પાયલને સુણીએ ઘાયલ થશે ના,

પ્યાલીમાં ડૂબીને ડૂબી જશે ના,

જીવ સ્વાર્પણની વેદીમાં હોમી દીધાં…          નવી વિજ્યાદશમીનાં…

 

ક્ષત્રિયનું શૌર્ય આજ મલકી રહ્યું છે,

ક્ષાત્રતેજ નિર્બળતા બાળી રહ્યું છે,

આજ આસુરી વૃત્તિનાં મૃત્યુ દીઠાં…              નવી વિજ્યાદશમીનાં…

 

બ્રહ્મતેજ વેદના વિચારને વહાવશે,

ક્ષાત્રતેજ અવરોધો સઘળા હટાવશે,

તેથી યોગેશ્વર નયણાં ને હસતાં દીઠાં…          નવી વિજ્યાદશમીનાં…

 

રામ અને કૃષ્ણ રગેરગમાં વસ્યા છે,

પાંડુરંગ દિલને દિમાગમાં રમ્યા છે,

ધર્મ સંસ્કૃતિ જૌહર અટકાવી દીધાં…             નવી વિજ્યાદશ્મીનાં…

===ૐ===

આસો સુદ સપ્તમી, સં. ૨૦૪૧, રવિવાર. તા. ૨૦-૧૦-૮૫. (મુંબઈ પ્રમુખાનંદ હોલ).

પ્રભુના શમણાં સાચા થાય.

સામાન્ય

શમણાં સાચાં થાય પ્રભુના શમણાં સાચા થાય,

‘તીર્થરાજ’ની માંહ્ય પ્રભુના શમણાં સાચા થાય.

 

ભટ્ટકુમારીલ ક્રોધે બળતો,

મૂર્તિ પૂજાનો છેદ ન સહેતો,

ઉરમાં લાગી લ્હાય; પ્રભુની આંખે જળ ઉભરાય.

 

જગના વિદ્વાનો ધનવાનો,

સંહારે એનાં અરમાનો,

આગ મહીં શેકાય; કેવું બલિદાન કે’વાય?

 

ટપ ટપ ગાજી ત્યાં ચાખડીઓ,

સંસ્કૃતિ ઉત્થાનની ઘડીઓ,

સ્વામી શંકર ધાય; હરિના ઉરમાં શાંતિ થાય.

 

કોલ ઉપાડે શંકર સ્વામી,

“તમ ઈચ્છાનો થઉં અનુગામી”

ઉજ્જડ ઉજવળ થાય; પ્રભુના શમણાં સાચા થાય.

 

ધરતીને ઘમરોળી નાખી,

સંસ્કૃતિ હરખાતી નાચી,

કુંભ મિલન ઊજવાય; પ્રભુના શમણાં સાચા થાય.

 

આજ ફરી સંસ્કૃતિ રડતી,

ભ્રાંત ધર્મ ઉધેવ કરડતી,

હરિનું મન દુભાય, શોધે પોતાનો જગ માંહ્ય.

 

પાંડુરંગ શંકર સ્વામી થઈ,

શુદ્ધ કરે એ ગંગાજળ થઈ,

પ્રસરાવે સ્વાધ્યાય; પ્રભુના શમણાં સાચા થાય.

 

માનવમાં માનવને ઘડતો,

કર્મ કુશળતા ઈશને ધરતો,

પ્રયોગ કરતો જાય; પ્રભુના શમણાં સાચા થાય.

 

તીર્થરાજ મિલનને ટાણે,

વિશ્વ સકળને નજદીક આણે,

યોગેશ્વર હરખાય; પ્રભુનાં શમણાં સાચા થાય.

    ===ૐ===

કારતક વદ બીજ, સં. ૨૦૪૨, શુક્રવાર. તા. ૨૯-૧૧-૮૫.

રામ અને શ્યામ (આરતી)

સામાન્ય

જય રાઘવ રામા, પ્રભુ જય માધવ શ્યામા,

પૂર્ણ પ્રગટ પુરુષોત્તમ (૨), શાશ્વત વિરામા. . .                  જય રાઘવ રામા

 

અવધપુરીથી રઘુવીર વનમાં જઈ વસ્યા, – પ્રભુ –

ગ્રામ ત્યજીને મોહન (૨), મથુરામાં વસ્યા. . .                   જય માધવ શ્યામા

 

વાનર રીંછને રામે સ્નેહ ઘણો દીધો, – પ્રભુ –

ગોપ હૃદયનો શ્યામે (૨), ભાવ બહુ પીધો. . .                   જય રાઘવ રામા

 

સંસ્કૃતિના પોષક ધર્મ ધુરા વેહતા, – પ્રભુ –

ભક્તોનાં સંરક્ષક (૨), દાનવ કુળ હણતાં. . .                   જય માધવ શ્યામા

 

યોગેશ્વર શ્રીકૃષણે ગીતામૃત પાયા, – પ્રભુ –

મર્યાદા સંયમના (૨), રામે ગીત ગાયા. . .                        જય રાઘવ રામા

 

જ્ઞાન અને ભક્તિમાં સાવ રહ્યો ઊણો – પ્રભુ –

તમ શરણે આવ્યો છું (૨), ખીલવજો ગુણો. . .                  જય માધવ શ્યામા

 

કીધાના સત્કર્મો સ્વાર્થ મહીં રમતો, – પ્રભુ –

મુજ પાપોને બાળો (૨), થાઉં હરિ ગમતો. . .                    જય રાઘવ રામા

 

નિર્ગુણ બ્રહ્મ ન સમજ્યો તત્વ ન પિછાણ્યું, – પ્રભુ –

મૂર્ત સ્વરૂપ નિહાળી (૨), મુજ હૈયું નાચ્યું. . .                    જય માધવ શ્યામા

    === ૐ ===