Tag Archives: જીવન

સંસ્કાર સરિતા

સામાન્ય

સંસ્કાર સરિતામાં ન્હાવું,

જીવન ઉજ્જ્વલ કરતાં જાવું.

 

આવાહન શ્રેષ્ઠ સપૂત કાજે,

સુંદર સ્થાને, હર્ષિત ભાવે,

ઉચ્છ વિચાર શિખર ચઢવું. . .    જીવન. . .

 

માતાની ઉદર ગુહામાં રમતું,

લઈ પૂર્વ જનમ ભાથું વસતું,

દૈવી સૃષ્ટિમાં વિસ્તરવું. . .        જીવન. . .

 

જગદીશ ને જીવની મૈત્રી છે,

જગ પ્રાંગણ રમતો રમવી છે,

ઈશ ગમતું વર્તન છે કરવું. . .      જીવન. . .

 

સંસ્કાર સજ્યા વસ્ત્રો સજવાં,

આભૂષણ સંસ્કારો ધરવાં,

ઉન્નત જીવન વર્તન કરવું. . .      જીવન. . .

=== ૐ ===

ઉમર થાય પચાસ

સામાન્ય

આયુને હળ કાળ ખેડતો, ચહેરા ઉપર ચાસ;

ધીમી ખેડના ચાસ જણાતા, ઉમર થાય પચાસ.

 

સદ્વિચારને વાવી ભરવા, સત્કર્મોના નિધિ;

તારો સાથી કાળ ખેડતો, કૃતિ કોઈ તેં કીધી?

કાળ કરે ખેતી પણ જગને આપીશ તું શું ખાસ?…       ધીમી ખેડના…

 

યૌવન બાગે પુષ્પ ન મહેક્યા, કેવળ ઊગ્યા કંટક;

પતંગિયાની પાંખો કાપે, કોકિલ કંઠે સંકટ;

રડતી આહો ગીત બનાવી, ભર તેમાં ઉલ્લાસ…           ધીમી ખેડના…

 

મનને ઘડપણ તેં દઈ દિધું, હવે દેહ મૂરઝાયે;

દિધું રામે તે પાછું લે, જર જર દેહ જણાય;

હજી વાવણીની વેળા છે, નાખ નહીં વિશ્વાસ…           ધીમી ખેડના…

 

મૈત્રીની ફૂલદાનીમાં કીર્તિની ફોરમ મહેકે;

રુદીયાની સંગમ સરિતા પણ સ્નેહ ગીત ત્યાં ગહેકે;

શ્રેષ્ઠ અનુભવ ધનને વહેંચી મેળવ ઈશ વિશ્વાસ…      ધીમી ખેડના…

 

સર્જી દે ચિતવનનું ઉપવન વનમાળીને રમવા;

ખેલંદો ખેલે તુજ સંગે રોમ રોમમાં વસવા;

હરખાતો વ્હાલમ ચુંબન દઈ બૂઝવશે તુજ પ્યાસ…     ધીમી ખેડના…

=== ૐ ===

વૈશાખ વદ દશમ (મારો પચાસમો જન્મ દિવસ), સં. ૨૦૫૦, શુક્રવાર. તા. ૩-૬-૧૯૯૪.

જીવન ગીત

સામાન્ય

સૌએ છો ને જાણ્યા,

તોયે જીવન ગીત ના માણ્યા.

 

ચહેરા જાણે જાણ્યા જાણ્યા,

તોયે એતો રહ્યા અજાણ્યા,

દેહથી દેહ બહુ ભીંસાયા,

તાર શરીરના ખૂબ ઝીંકાયા,

હાડ માંસની નજદીકી પણે,

નજદીક દિલ ના આણ્યા…          તોયે. . .

 

પળની કૂંપળ નીત નીત ઊગતી,

નીત નીત એ કરમાતી,

કીધાં કરતૂત કો દિ’ એવાં,

તેથી એ શરમાતી,

પ્રીત ભૂલીને પ્રેત બનાવ્યા,

ઈચ્છાના અણ જાણ્યા…             તોયે. . .

 

પતંગિયાનો પાલવ પકડી,

ના વ્યોમે વિહરાયે,

પુષ્પક વિમાન હો રાઘવનુ,

તો ગગને ઘૂમાયે,

આખું આયુ તુજને તો ભૈ,

બસ મૃગજળ દેખાયાં…               તોયે. . .

=== ૐ ===

જાણ્યું ને માણ્યું

સામાન્ય

 

જાણ્યું ને માણ્યું તોય જીવતર અધૂરું,

શ્યામની નિકટતામાં થાય એ મધુરું. . .               જાણ્યું. . .

 

એનાં વાંકડિયા કેશ,

ધરે નીત નવાં વેશ,

રમે હોઠો પર મોજીલું સ્મિત તો સુચારુ. . .           શ્યામની. . .

 

એનો દ્રષ્ટિ વિલાસ,

રચે ઊર્મિનો રાસ,

હું તો સંગ સંગ રમવાને યુગ યુગથી ઝુરું. . .         શ્યામની. . .

 

સૂણી બંસીના સૂર,

થાય સૌ ગાંડાતૂર,

અંગ અંગ મહીં નાચતું સંગીત અનેરું. . .             શ્યામની. . .

 

ખીલ્યો પૂનમનો ચંદ્ર,

મળ્યું ગોપિકા વૃંદ,

રાસ ખેલતાં હરખાયું હૈયું અધીરું. . .                    શ્યામની. . .

 

સૃષ્ટિ ઝૂકી રહી,

સ્નેહ ઝંખી રહી,

સ્નેહ વૃષ્ટિથી મન મારું મસ્ત થયું પૂરું. . .         શ્યામની. . .

 

મારાં હૈયાના હાર,

તને કેમ લાગી વાર,

તારી વાટડી જોઈને થાક્યું મનડું અધીરું. . .        શ્યામની. . .

=== ૐ ===

કાચા સૂતરની અતૂટ મારી રાખડી.

સામાન્ય

કાચા સૂતરની અતૂટ મારી રાખડી,

સ્નેહનો સમંદર વહાવતી એ આંખડી.                કાચા. . .

 

જીવનની લક્ષ્મણ રેખાને બતાડતી,

સંસ્કૃતિ ધર્મના અદેખાને ડારતી,

સંયમના દંડ સમી જાણેકે લાકડી.                          કાચા. . .

 

વીજળીનો ચમકારો એમાં સમાતો,

તીખારો દુષ્ટોને એનો દઝાડતો,

સ્વાપર્ણના યજ્ઞ તણી જ્વાળા છે ફાંકડી.                 કાચા. . .

 

ભાવ તણાં બંધનની એતો છે બેડી,

જીવન વિકાસ કાજ થાતી એ કેડી,

ચરણોમાં શક્તિને ભરતી થઈ ચાખડી.                    કાચા. . .

 

વ્યસનો ને દુર્ગુણથી એતો બચાવે,

વેદના વિચારોથી જીવન સજાવે,

કરતી તેજસ્વી જે જીંદગી છે રાંકડી.                         કાચા. . .

 

પાંડુરંગ  સૌનાં જીવનની છે રાખડી,

યોગેશ્વર ભાવથી ભરેલી છે આંખડી,

તેથી તો સઘળાંને મંઝિલ છે સાંપડી.                       કાચા. . .

=== ૐ ===