Tag Archives: laxman

કાચા સૂતરની અતૂટ મારી રાખડી.

સામાન્ય

કાચા સૂતરની અતૂટ મારી રાખડી,

સ્નેહનો સમંદર વહાવતી એ આંખડી.                કાચા. . .

 

જીવનની લક્ષ્મણ રેખાને બતાડતી,

સંસ્કૃતિ ધર્મના અદેખાને ડારતી,

સંયમના દંડ સમી જાણેકે લાકડી.                          કાચા. . .

 

વીજળીનો ચમકારો એમાં સમાતો,

તીખારો દુષ્ટોને એનો દઝાડતો,

સ્વાપર્ણના યજ્ઞ તણી જ્વાળા છે ફાંકડી.                 કાચા. . .

 

ભાવ તણાં બંધનની એતો છે બેડી,

જીવન વિકાસ કાજ થાતી એ કેડી,

ચરણોમાં શક્તિને ભરતી થઈ ચાખડી.                    કાચા. . .

 

વ્યસનો ને દુર્ગુણથી એતો બચાવે,

વેદના વિચારોથી જીવન સજાવે,

કરતી તેજસ્વી જે જીંદગી છે રાંકડી.                         કાચા. . .

 

પાંડુરંગ  સૌનાં જીવનની છે રાખડી,

યોગેશ્વર ભાવથી ભરેલી છે આંખડી,

તેથી તો સઘળાંને મંઝિલ છે સાંપડી.                       કાચા. . .

=== ૐ ===

સૂતરનો તંતુ.

સામાન્ય

સૂતરનો તંતુ કાં આવો?

બંધુ તેથી શેં બંધાયો.

 

વિજળીનો ચમકારો એમાં,

આગ તણો તીખારો એમાં.

 

લક્ષ્મણ રેખા કાંડા ઉપર,

અટકાવે દુવૃત્તિ દળદર.

 

ભાવ સમંદર એમાં ઘૂઘવે,

આશિષની છોળોને નીચવે.

 

રક્ષાના વરદાન છૂપ્યાં છે,

ભાઈ બે’નનાં હેત વહ્યાં છે.

 

સૂતરનું બંધન છોને એ,

તોય અતૂટ બની રમતું એ.

=== ૐ ===

શ્રાવણ વદ પડવો, સં. ૨૦૪૨, બુધવાર. તા. ૨૦-૮-૧૯૮૬.

દોડો દોડો રે યુવાનો.

સામાન્ય

દોડો દોડો રે યુવાનો, આગ સંસ્કૃતિને લાગી;

આગ સંસ્કૃતિને લાગી, સાથે ધર્મ ને પણ લાગી…                                  દોડો…

 

ઘરની લક્ષ્મણ રેખા ભુસી, મર્યાદા છે ભાગી;

દ્વારે દ્વારે ઉભા રાવણ, જોતા તાકી તાકી…                                           દોડો…

 

વેદોની સરવાણી રોકે, સ્વાર્થીઓની વાણી;

મનગમતા અર્થો કાઢીને બોલે, અવળી વાણી…                                     દોડો…

 

નિજનું ને ઈશનું ઘર ભાંગ્યું, એની ચિંતા મોટી;

ગૃહસ્થાશ્રમ ને મંદિર બગડયાં, તોય ન પીડા થાતી…                            દોડો…

 

સમાજ સેવા જન સેવાની, વાતો ઠાલી ઠાલી;

સ્વાર્થ સબંધો કાજે થાતી, વાતો ખાલી ખાલી…                                     દોડો…

 

“ભક્તિ સામાજીક શક્તિ”, दादा એ દ્રષ્ટિ આપી;

दादा પાછળ વિશ્વ બદલવા, ભરીયે પગલાં માપી…                                દોડો…

    ===ૐ===

દેવસુતી અગિયારસ – અષાઢ સુદ અગિયારસ, સં. ૨૦૩૯, બુધવાર. તા. ૨૦-૭-૮૩.