Tag Archives: વ્યસન

કાચા સૂતરની અતૂટ મારી રાખડી.

સામાન્ય

કાચા સૂતરની અતૂટ મારી રાખડી,

સ્નેહનો સમંદર વહાવતી એ આંખડી.                કાચા. . .

 

જીવનની લક્ષ્મણ રેખાને બતાડતી,

સંસ્કૃતિ ધર્મના અદેખાને ડારતી,

સંયમના દંડ સમી જાણેકે લાકડી.                          કાચા. . .

 

વીજળીનો ચમકારો એમાં સમાતો,

તીખારો દુષ્ટોને એનો દઝાડતો,

સ્વાપર્ણના યજ્ઞ તણી જ્વાળા છે ફાંકડી.                 કાચા. . .

 

ભાવ તણાં બંધનની એતો છે બેડી,

જીવન વિકાસ કાજ થાતી એ કેડી,

ચરણોમાં શક્તિને ભરતી થઈ ચાખડી.                    કાચા. . .

 

વ્યસનો ને દુર્ગુણથી એતો બચાવે,

વેદના વિચારોથી જીવન સજાવે,

કરતી તેજસ્વી જે જીંદગી છે રાંકડી.                         કાચા. . .

 

પાંડુરંગ  સૌનાં જીવનની છે રાખડી,

યોગેશ્વર ભાવથી ભરેલી છે આંખડી,

તેથી તો સઘળાંને મંઝિલ છે સાંપડી.                       કાચા. . .

=== ૐ ===

વાઘરી થઈને વાઘ ઊઠ્યો ઊઠ્યો.

સામાન્ય

(રાગ – તમે સાચા સ્વાધ્યાયી બની ઊઠો ઊઠો)

 

વાઘરી થઈને વાઘ ઊઠ્યો ઊઠ્યો,

        હો ભાઈ, વાઘરી થઈને વાઘ ઊઠ્યો.

 

રસ્તામાં આજ લગી રોળાતો માનવી,

પંક મહીં પંકજ થઈ ઊગ્યો ઊગ્યો. . . હો

એ. . .     આજ લગી જોતાં’તા ભવની ભવાઈ સહુ,

       ભવને સુધારવાને ઊઠ્યો ઊઠ્યો. . . રે. . .                         વાઘરી. . .

 

સંપતની સાથ સાથ ભાવનો દુકાળ પડ્યો,

વ્યસનોએ આજ લગી ફૂંક્યો ફૂંક્યો. . . હો

એ. . .     ત્રિકાળ સંધ્યાનો પ્યાલો જ્યાં પીધો ત્યાં,

ઈશ્વરની બાથ મહીં ઝૂમ્યો ઝૂમ્યો. . . રે. . .                        વાઘરી. . .

 

ગંદકીને ઓવારે ઝૂપડામાં વાસ હતો,

ચીથરાંના ચીર મહીં દીઠો દીઠો. . . હો

એ. . .     તનના આવાસ મહીં ઈશ્વર છે જાણતાં,

નિર્ધન સમ્રાટ આજ ઊઠ્યો ઊઠ્યો. . . રે. . .                      વાઘરી. . .

 

હલકી છે જાત એમ આજ લગી માનતો’તો,

ગૌરવ જાણીને ખુદનું ઊઠ્યો ઊઠ્યો. . . હો

એ. . .     જૂઠાણું ત્યાગીને સાચું અપનાવતો એ

રામદૂત થઈને એ ઘૂમ્યો ઘૂમ્યો. . . રે. . .                           વાઘરી. . .

 

ડાહ્યાઓ જ્ઞાનીઓ એને ધૂત્કારતા

આજ લગી દૂર એને કીધો કીધો. . . હો

એ. . .     સ્નેહે જઈ બેઠો એ પાંડુરંગ અંકમાં,

યોગેશ્વર જોઈ એને રીઝ્યો રીઝ્યો. . . રે. . .                       વાઘરી. . .

            === ૐ ===

મહા વદ છઠ, સં. ૨૦૪૧, રવિવાર. તા. ૧૦-૦૨-૧૯૮૫.

પરમેશ્વરનાં નામે દિવસ પ્રગટે છે.

સામાન્ય

રોજ સવારે ગામડું આખું જાગે છે;

પરમેશ્વરનાં નામે દિવસ પ્રગટે છે.

 

ભજગોવિંદમ્ નાં સૂર બધે ગાજતાં;

સ્તોત્ર અને ગીતાનાં મુખડાં આલાપતા,

ફળીયે ફ્ળીયે ગૂંજે છે;

પ્રભાત ફેરી વાતાવરણ હરખાવે છે. . .                     પરમેશ્વરનાં. . .   

 

નાહી-ધોઈ ગ્રામજનો મંદિરમાં આવતાં;

કૃતજ્ઞતાથી પ્રભુને પોકારતાં;

હૈયાં સૌનાં હરખે છે;

એકજ પ્રભુનાં બાળ સહુયે સમજે છે. . .                   પરમેશ્વરનાં. . .

 

સૂર્ય નમસ્કાર કરી જોબન છે શોભતું;

એનાથી તનમનનું સૌદંર્ય ઓપતું;

હિંમત ને શક્તિ નચાવે છે;

વ્યસનો વિનાનું નીરોગી જીવન બનાવે છે. . .          પરમેશ્વરનાં. . .

 

નિજનાં પરસેવાની રોટી છે પામવી;

ફોગટીયા વૃત્તિને મૂળમાંથી ડામવી;

ઈશ્વરનો ભાગ સહુ આપે છે;

જડેલી વસ્તુને કોઈ ના સંઘરે છે. . .                        પરમેશ્વરનાં. . .

 

સૂતાં ને જાગતાં ન્હાતાં ને ખાતાં;

ઈશ્વર સ્મરીને એ જીવન વિતાવતાં;

દૈવી સંસ્કાર સહુ પામે છે;

એકજ પિતાનાં સંતાનો સહુ માને છે. . .                    પરમેશ્વરનાં. . .

        ===  ૐ ===

આસો સુદ સાતમ, સં. ૨૦૩૬, ગુરુવાર. તા. ૩૦-૧૦-૧૯૮૦