Tag Archives: કૃષ્ણ

યમુના કાંઠડે

સામાન્ય

વાંસળી વાગી યમુના કાંઠડે… (૨)

ક્હાનાના હૈયાની વાણી ગાય રે…

ગાય રે. . . વાગી યમુના. . .

 

બંસી મનહર હોઠે રમતી,

ચુંબનનું મધુપાન એ કરતી,

અધર પીયાસી મુજને એની હોંસ રે…

હોંસ રે. . . વાગી યમુના. . .

 

શ્યામ મિલનનો દૂત થૈ આવી,

વિરહનું મારણ પણ લાવી,

મારું શમણું આજ થતું સાકાર રે…

સાકાર રે. . . વાગી યમુના. . .

 

અડધા પડધા વાઘા પે’ર્યા,

લૂખ્ખા કેશ હવામાં લહેર્યા,

હૃદય સજાવી ચાલી એની પાસ રે…

પાસ રે. . . વાગી યમુના. . .

 

રડતાં લોચનીયાં મલકાયાં,

મૂરઝાયેલાં મન મુસ્કાયા,

લાગણીઓની હરિયાળી હરખાય રે…

હરખાય રે. . . વાગી યમુના. . .

 

મોહન મર્માળું મલકાતો,

નેણ નચાવે થઈ મદમાતો,

એને આલિંગન ખોવાણી હાશ રે…

હાશ રે. . . વાગી યમુના. . .

=== ૐ ===

ભાદરવા સુદ આઠમ, સં. ૨૦૪૯, ગુરુવાર. તા. ૨૩-૦૩-૧૯૯૩.

વનમાં વગાડે વ્હાલો વાંસળી.

સામાન્ય

વનમાં વગાડે વ્હાલો વાંસળી …            હો… વનમાં. . .

જુગ જુગની આશા સૌની છે ફળી…        હો… વનમાં. . .

 

ધરતીના રોમે રોમે ઊર્મિ છે નાચતી,

રુદિયામાં સૌનાં આકે કાલિંદી ગાજતી,

સ્નેહના ફૂલોની ખીલી ગૈ કળી…            હો… વનમાં. . .

 

લીલુડો સાળુ પ્હેરી અવનિ મલકાતી,

વૃક્ષોની ડાલે બેસી કોયલ ગીત ગાતી,

ધરણીની ફોરમ સઘળે સળવળી…        હો… વનમાં. . .

 

પંખીના માળા પાછા ડાળે ઝૂમી રહ્યાં,

વાયુના વિંઝણાં થૈને વૃક્ષો ડોલી રહ્યાં,

બળતાં હૈયાંને શાતા છે વળી…              હો… વનમાં. . .

 

ભમરાના ગીતો સાથે નાચે પતંગિયાં,

મહેફિલમાં પંખીડાંના ધાડાં ઊમટીયા,

ફૂલડાંની મોસમ આવી ગૈ વળી…          હો… વનમાં. . .

 

કહાનાની બંસી વાગી ધરતી જાગી ગઈ,

વનરાજી રાજી થૈને એવી નાચી રહી,

આવ્યો વનમાળી તેથી ખુશ થઈ…         હો… વનમાં. . .

=== ૐ ===

અષાઢ સુદ બારસ, સં. ૨૦૪૯, ગુરુવાર. તા. ૦૧-૦૭-૧૯૯૩.

જાણ્યું ને માણ્યું

સામાન્ય

 

જાણ્યું ને માણ્યું તોય જીવતર અધૂરું,

શ્યામની નિકટતામાં થાય એ મધુરું. . .               જાણ્યું. . .

 

એનાં વાંકડિયા કેશ,

ધરે નીત નવાં વેશ,

રમે હોઠો પર મોજીલું સ્મિત તો સુચારુ. . .           શ્યામની. . .

 

એનો દ્રષ્ટિ વિલાસ,

રચે ઊર્મિનો રાસ,

હું તો સંગ સંગ રમવાને યુગ યુગથી ઝુરું. . .         શ્યામની. . .

 

સૂણી બંસીના સૂર,

થાય સૌ ગાંડાતૂર,

અંગ અંગ મહીં નાચતું સંગીત અનેરું. . .             શ્યામની. . .

 

ખીલ્યો પૂનમનો ચંદ્ર,

મળ્યું ગોપિકા વૃંદ,

રાસ ખેલતાં હરખાયું હૈયું અધીરું. . .                    શ્યામની. . .

 

સૃષ્ટિ ઝૂકી રહી,

સ્નેહ ઝંખી રહી,

સ્નેહ વૃષ્ટિથી મન મારું મસ્ત થયું પૂરું. . .         શ્યામની. . .

 

મારાં હૈયાના હાર,

તને કેમ લાગી વાર,

તારી વાટડી જોઈને થાક્યું મનડું અધીરું. . .        શ્યામની. . .

=== ૐ ===

એ ગીત ગાવું

સામાન્ય

કહાનાએ ગાયું એ ગીત ગાવું…    (૨)

હોઠે રમાડું ને મનમાં સમાવું.. મનમાં સમાવું…          એ ગીત ગાવું…

 

ભાવ હિંડોળે શ્યામ ઝુલાવું…    (૨)

કૃતિ કુસુમ એને ચરણે ચઢાવું…ચરણે ચઢાવું…         એ ગીત ગાવું…

 

દુઃખના પહાડ તળે ન દબાઉં…    (૨)

પીડતાં દુઃખને પણ હું હસાવું…પણ હું હસાવું…        એ ગીત ગાવું…

 

હરિ મુજમાં તેથી હરખાઉં…    (૨)

મસ્ત થઈને હું ગુણ ગાઉં…હું ગુણ ગાઉ…                એ ગીત ગાવું…

 

પાપ કીચડમાં પદમ હું થાઉં…    (૨)   

ફોરમ હરિ ગુણની ફેલાવું… હું ફેલાવું…                   એ ગીત ગાવું…

 

સંત ગુણી જનનું છે પ્યારું…    (૨)

મોહનનું ગીતા ગીત ન્યારું… તે ગીત ન્યારું             એ ગીત ગાવું…

 

જ્ઞાનેશ્વર શંકર મન ભાવ્યું…    (૨)

પાંડુરંગે જગમાં ગાયું…જગમાં ગાયું…                      એ ગીત ગાવું…

===ૐ===

। योगेश्वर स्तवन ।

સામાન્ય

મૂંઝાતો પાર્થને જોઈ હરિ કહેતા રણાંગણે,

સમાધિ ભાવમાં બોલે ભૂલી નિજ કૃષ્ણત્વને.

 

યોગેશ્વર તણા રૂપે બ્રહ્મ ત્યાં વિલસી રહ્યું,

‘ભગવન્ ઉવાચ’ તેવું તેથી ગીતામાં કહ્યું.

 

યોગની ઉચ્ચ સ્થિતિએ પહોંચ્યા તે યોગેશ્વર,

તેથી રામને શિવજી કૃષ્ણ જયમ યોગેશ્વર.

 

પ્રક્રિયા જીવને શિવથી જોડતી યોગ જાણવી,

એવાં સિદ્ધ યોગાત્મા છલકાવે યોગ જાહ્નવી,

 

સમર્પું મુજ કાયાને સ્વીકારો યોગેશ્વરો,

બ્રહ્મની સ્નેહ વર્ષાને રેલાવો બ્રહ્મેશ્વરો.

=== ૐ ===