Tag Archives: god

અત્રીનંદન

સામાન્ય

અત્રીનંદન આવો પ્રભુજી,

અનસૂયા સૂત આવો.

 

અત્રી ઋષિના આપ છો વંશજ,

બ્રહ્મા વિષ્ણુ શિવના અંશજ,

ભક્તો કાજ પધારો…              પ્રભુજી…

 

પરબ્રહ્મે સાકારીત રૂપ લીધું,

સહુને સઘળું અર્પી દીધું,

તેથી ‘દત્ત’ કહાવો…               પ્રભુજી…

 

કમંડલે જીવન જલ છલકે,

માલાથી નામ સ્મરણથી મલકે,

જીવન પ્રભુમય થાઓ…         પ્રભુજી…

 

ઘોર નીંદરે પોઢ્યા જનને,

ડમરુ જગવે પ્રમાદીઓને,

ત્રિશૂલે ત્રણ શૂળ મીટાવો…    પ્રભુજી…

 

સૂણો અનાહત શંખધ્વનિ થી,

જન્મ મરણને હણવા પ્રભુજી,

ચક્ર સુદર્શન ધારો…                પ્રભુજી…

 

ભવ સાગરને તરવો મારે,

નામ સ્મરણની નૌકા તારે,

શરણે દત્ત સ્વીકારો…             પ્રભુજી…

=== ૐ ===

આસો સુદ પુનમ “શરદ પૂર્ણિમા”, સં. ૨૦૬૯, શુક્રવાર. તા. ૧૮-૧૦-૨૦૧૩.

હે સદાશિવ

સામાન્ય

હે સદાશિવ હે મહેશ્વર, વંદના સ્વીકારજો;

આદિ દેવ જગતપિતા હે, સ્મરણ રસ પીવડાવજો.

 

ધવલ ગીરી શૃંગે, તમે સ્થિર આસને બિરાજતા;

ચંદ્ર રેખા ભાલ પર, ને જાહ્નવી શીશ ધારતા;

ભસ્મ લેપનથી પ્રભુજી, દેહને નીખારજો…                  હે સદાશિવ…

 

ધીન્ તડક થૈ, ધીન્ તડક થે, નૃત્ય મુદ્રા શોભતી;

તાંડવે સૃષ્ટિ સકળ થઈ, એક રૂપે ઓપતી;

હર અણુ બ્રહ્માંડમાં, ઈશ નૃત્ય લીલા નચવજો…        હે સદાશિવ…

 

નૃત્ય સંગીત ગીતના આચાર્ય છો નટરાજ હે;

વિદ્યા કલા ગુરુવર્ય છો, જગમાં પ્રથમ ધીરાજ હે;

જ્ઞાન ને કલ્યાણની રીમઝિમ વિભુ રેલાવજો…           હે સદાશિવ…

 

રુદ્ર વીણા બજવતા, મુજ હૃદય વીણા ઝણઝણે;

ડમ્ ડમક ડમરુ બજે, ત્યાં ઊર્મિ સાગર ધમકે;

દુ:ખ હર કલ્યાણ કર, શિવ ચરણ શરણું આપજો…     હે સદાશિવ…

=== ૐ ===

શ્રાવણ વદ અમાસ, સં. ૨૦૫૫, ગુરુવાર. તા. ૯-૯-૧૯૯૯.

પ્રભુ પાસે હું શેં જાઉં?

સામાન્ય

પ્રભુ પાસે હું શેં જાઉં?

મારાં પાપ શૂળો શેં ચઢાવું.

 

છે ડહોળાયાં જીવન વારી,

ના અભિષેકનાં અધિકારી,

એનાં ચરણો હું શેં ધોઉં ?…                મારાં…

 

મુજ જીવન ફૂલ કરમાયાં,

હરિ ચરણ જતાં શરમાયાં,

દુર્ગંધી કાં ફેલાવું…                             મારાં…

 

ક્ષતિઓથી ભગ્ન જીવન છે,

ત્રુટિઓનાં શૂળનું વન છે.

વનમાળી ક્યાં હું વસાવું…                 મારાં…

 

કર્મોનું ના ઠેકાણું,

મારું જીવન પાત્ર છે કાણું,

એમાં હરિરસ શેં હું લાવું…                  મારાં…

 

મારી ચેષ્ટા સઘળી બાલિશ,

તુજ કૃપા જો હું પામીશ,

તું તેડે તો હું આવું…                           મારાં…

===ૐ===

શ્રાવણ સુદ છઠ, સં. ૨૦૪૬, શુક્રવાર. તા. ૨૭-૭-૯૦.

મુજને મળવાને.

સામાન્ય

(રાગ – આજ નંદનો કિશોર હરખાય)

 

સહેજ જોયું ત્યાં હરિ હરખાય,

મુજને મળવાને,

નામ લીધું કે એ મલકાય,

મુજને મળવાને.

 

એની મૂરત જોવાને મેં દ્રષ્ટિ કિધી,

એણે પ્રેમ અને કરુણાની વૃષ્ટિ કિધી,

મારા દુર્ગુણને એ ભૂલી જાય…                   મુજને…

 

પડે કોલસામાં ચિનગારી ‘દેવતા’ બને,

મટે કાળાશ શક્તિનો પૂંજ એ બને,

એનાં પાપો અનિષ્ટ બળી જાય…              મુજને…

 

છોને ગંગામાં ગંદકીની નીકો ભળે,

થાય જાહ્નવી ને ભક્તોનાં વંદન મળે,

પાપ નાશીની એતો થઈ જાય…                 મુજને…

 

પાપીયાએ પરમેશ્વરનું શરણું લીધું,

ખરા મનથી ઈશ સાથ એણે સગપણ કીધું,

તેથી જન્મ મરણ ટળી જાય…                   મુજને…

===ૐ===

ચૈત્ર સુદ પડવો-બીજ, સં. ૨૦૪૫, શુક્રવાર. તા.૭-૪-૮૯.

આનંદે નાચતો નિવાસ.

સામાન્ય

ઊર્મિની ઈંટોથી સર્જ્યો આવાસ મેં,

આનંદે નાચતો કીધો નિવાસ મેં.

 

સંતાનોને સંતની મેં દિશા ચીંધી,

સંસ્કાર ઉપવીતની દીક્ષા છે દીધી,

બુદ્ધિની શુદ્ધિનો કીધો પ્રયાસ મેં. . .                      આનંદે. . .

 

પ્રિયવાણી પ્રિયાના મુખને શોભાવતી,

આતિથ્ય પૂજાથી ઘરને દિપાવતી,

સાચા મિત્રો કીધા મનનો શણગાર મેં. . .                આનંદે. . .

 

નિજના પરસેવે લક્ષ્મીજી આરાધીયા,

સાથ સાથ વિષ્ણુના ચરણો પખાળીયા,

વૈભવને માન્યો છે ઈશનો પ્રસાદ મેં. . .                  આનંદે. . .

 

જ્ઞાનની ઉપાસના ને કલ્યાણ ચાહના,

એ રીતે થાતી શિવજીની આરાધના,

મળતું ભોજન માન્યું સાચું મિષ્ટાન્ન મેં. . .              આનંદે. . .

 

સાચા સંતો એતો ઈશ્વરનાં દૂતો,

એવાં સાધુ કેરો સથવારો કીધો,

એવો ગૃહસ્થાશ્રમ તો ધન્ય થઈ ઝૂમે. . .                 આનંદે. . .

=== ૐ ===

વૈશાખ વદ ચૌદશ, સં. ૨૦૪૨, શુક્રવાર. તા. ૬-૬-૧૯૮૬.