Tag Archives: victory

માન સરવર

સામાન્ય

માન સરવર હંસની પાંખો બધે ફેલાઇ ગઈ,

‘શ્વેત નગરી’ જોતજોતામાં અહીં સર્જાઈ ગઈ.

 

પુરુષ સૂક્ત મહીં કહેલો પુરુષ ત્યાં પ્રગટી રહ્યો,

હજ્જાર મસ્તક ચરણ નયનોની ઝલક દેખાઈ ગઈ.

 

વેતન વિના તન અર્પીને પૂજા કરે પૂજારીઓ,

શક્યતા કંઈ છે નહીં કહેનારની જીભ બંધ થઈ.

 

વાયુ વરુણ ને અગ્નિએ પણ ચેનચાળા ખૂબ કર્યા,

‘દાદા’ની યોગેશ્વર પ્રતિ શ્રદ્ધાની ત્યારે જીત થઈ.

 

વિદ્વાન સંતો શાસકો આશ્ચર્યથી દિગ્મૂઢ બન્યા,

ભક્તિની શક્તિ સૌ સવાલોના જવાબો દઈ ગઈ.

 

ત્રિવેણીના સંગમ તટે જ્યાં તીર્થરાજ મિલન થયું,

ત્યાં પથ પ્રદર્શક પાંડુરંગી ચેતના પ્રગટી રહી.

 

વર્ષો પછીના બીજ થઈને વૃક્ષ ત્યાં ઝૂમી રહ્યા,

એંધાણ સતયુગના જણાયાં ને નિરાશા દૂર થઈ.

 

દેશ ને વિદેશના ચિંતક વદયા એકજ સૂરે,

પાંડુરંગ જ યુગ પુરુષ છે ના હવે શંકા રહી.

=== ૐ ===

ચૈત્ર સુદ સાતમ, સં. ૨૦૪૨, બુધવાર. તા. ૧૬-૪-૧૯૮૬.

રામ અને શ્યામ (આરતી)

સામાન્ય

જય રાઘવ રામા, પ્રભુ જય માધવ શ્યામા,

પૂર્ણ પ્રગટ પુરુષોત્તમ (૨), શાશ્વત વિરામા. . .                  જય રાઘવ રામા

 

અવધપુરીથી રઘુવીર વનમાં જઈ વસ્યા, – પ્રભુ –

ગ્રામ ત્યજીને મોહન (૨), મથુરામાં વસ્યા. . .                   જય માધવ શ્યામા

 

વાનર રીંછને રામે સ્નેહ ઘણો દીધો, – પ્રભુ –

ગોપ હૃદયનો શ્યામે (૨), ભાવ બહુ પીધો. . .                   જય રાઘવ રામા

 

સંસ્કૃતિના પોષક ધર્મ ધુરા વેહતા, – પ્રભુ –

ભક્તોનાં સંરક્ષક (૨), દાનવ કુળ હણતાં. . .                   જય માધવ શ્યામા

 

યોગેશ્વર શ્રીકૃષણે ગીતામૃત પાયા, – પ્રભુ –

મર્યાદા સંયમના (૨), રામે ગીત ગાયા. . .                        જય રાઘવ રામા

 

જ્ઞાન અને ભક્તિમાં સાવ રહ્યો ઊણો – પ્રભુ –

તમ શરણે આવ્યો છું (૨), ખીલવજો ગુણો. . .                  જય માધવ શ્યામા

 

કીધાના સત્કર્મો સ્વાર્થ મહીં રમતો, – પ્રભુ –

મુજ પાપોને બાળો (૨), થાઉં હરિ ગમતો. . .                    જય રાઘવ રામા

 

નિર્ગુણ બ્રહ્મ ન સમજ્યો તત્વ ન પિછાણ્યું, – પ્રભુ –

મૂર્ત સ્વરૂપ નિહાળી (૨), મુજ હૈયું નાચ્યું. . .                    જય માધવ શ્યામા

    === ૐ ===

પાગલોને ગાંડાં લાગે, એવાં પાગલ જુદાં જુદાં.

સામાન્ય

(રાગ- દુનિયા આખી પાગલખાનું…)

 

પાગલોને ગાંડાં લાગે, એવાં પાગલ જુદાં જુદાં;

ધન દોલત કીર્તિને ત્યાગે, એવાં પાગલ જુદાં જુદાં.

 

મોતને લઈ હાથમાં, જે ધ્યેય કાજે દોડતાં;

દેશની આ માટી કાજે, દેહને પણ છોડતાં;

કુરબાની બલિદાનો દઈને, મરતાં પાગલ જુદાં જુદાં…                    પાગલોને…

 

શમા બન્યા ઈશ્વરને ભક્તો, પરવાના થઈને જલતાં;

પ્રભુ પ્રેમની પ્યાલી પીને, મસ્ત બનીને છે ફરતાં;

જગની એ પરવા ના કરતા, ઈશ ભક્તો છે જુદાં જુદાં…                  પાગલોને…

 

સમાજની પશુતાને કાઢી, માનવ પંથે જાનારાં;

સ્નેહ ભાવથી હળી મળીને, રહેવાનું જે કહેનારાં;

અપમાનને પી જઈને જીવનારાં, પાગલ જુદાં જુદાં…                     પાગલોને…

 

એક ગાંડો એવો દીઠો, જેની કોઈ જોડ ના;

સુણવાં આવે થોકે થોકે, લોકો આખાં દેશનાં;

પ્રભુ દિવાનો છે મસ્તાનો, કામો એનાં જુદાં જુદાં…                       પાગલોને…

 

ખુદતો ફરતો ઠામે ઠામે, ધન દોલતને ઠુકરાવે;

એની સાથે લાખો લોકો, ઘર ધંધો છોડી આવે;

ભક્તિ ફેરી ભાવજીવનનાં, એનાં ખેલો જુદાં જુદાં…                      પાગલોને…

 

જો એ ગાંડો તો ઈશ ગાંડો, એની સાથે પ્યાર છે;

એનાં હર કામોમાં મળતી, વિજય તણી વરમાળ છે;

સૌનાં ‘દાદા’ દિલમાં વસતો, એનાં કામો જુદાં જુદાં…                    પાગલોને…

        === ૐ ===

ચૈત્ર સુદ દસમ(બીજી), સં. ૨૦૩૭, મંગળવાર. તા. ૧૪-૪-૮૧.