Tag Archives: દેવ

છંદ – ૨

સામાન્ય

રાવણના અત્યાચારોથી તો આખી ધરતી રડતી’તી,

દેવો સઘળા છે કેદ મહીં ને દાનવ સૃષ્ટિ હસતી’તી,

મર્યાદા પુરુષોત્તમ રામે કરદી દ્રષ્ટિ કીધી’તી,

દૂષણની લંકા સળગાવા મશાલ ત્યારે સળગી’તી.

 

દુર્યોધનની પાપાચારી વૃત્તિ જ્યારે મલકી’તી,

મર્યાદાની રેખા જ્યારે દુઃશાસનથી તો તૂટતી’તી,

અભિમન્યુના મૃત્યુથી માનવતા ડૂસકાં ભરતી’તી,

અર્જુનની વીરતાની આગે મશાલ ત્યારે સળગી’તી.

 

અરવલ્લીની ગિરિ કંદરા શૌર્ય ગીતોને ગાતી તી,

ચેતકની ટપ ટપ ટાંપાએ ધરતી થરથર ધ્રુજતી’તી,

પ્રતાપ સામે ટક્કર લઈ દુશ્મનની હિંમત તૂટતીતી,

સ્વાભિમાનની જ્વાળાઓથી મશાલ ત્યારે સળગીતી.

 

ધર્મ ભૂલાયો કર્મ ભૂલાયું મર્મ ભૂલાયો જીવનનો,

ભાવ ઝરણ દિલથી સૂકાયું સ્નેહ બધેથી છે ખોયો,

ફોગટીયા વૃત્તિએ જ્યારે જગમાં માઝા મુકી છે,

જ્ઞાન ભક્તિને કર્મયોગની મશાલ આજે સળગી છે.

        === ૐ ===

શંભુ મને લલચાવતા.

સામાન્ય

વિશ્વ તરછોડે તોયે સ્વીકારતા,

હાં… રે… તેથી શંભુ મને લલચાવતા… (૨)

 

રંગ કે સુગંધ હીન પુષ્પને સ્વીકારીયા,

આકડો ને ધતૂરો મસ્તક પર ધારીયા,

મહીં ફોરમ સદાશિવ રેલાવતા…                                હાં… રે…

 

શક્તિનો પુંજ છતાં અજ્ઞાની પોઠિયો,

પોતાનો સ્થાપીને વાહન બનાવીયો,

જુઓ જ્ઞાન અને અજ્ઞાન ભેટતાં…                             હાં… રે…

 

રાખ છતાં અંગ ધરી શાખ તે વધારી,

સ્ખલનશીલ ચંદ્ર શીશ ધરી આગ ઠારી,

તમે હૈયાને ઝૂલે ઝૂલાવતા…                                     હાં… રે…

 

વરવાં લાગે છે રૂપ મારુતિ ગણેશનાં,

શોભાવે દ્વાર તોય આપના રવેશનાં,

આપ ગુણના સૌંદર્યને સજાવતા…                            હાં… રે…

 

વાસનાનાં ભૂત સદા સૌને રંજાડતાં,

એમની ભયાનકતા આપ છો નિવારતા,

બાળી વાસનાને શાંતિ વહાવતા…                            હાં… રે…

 

વિશ્વ તણાં વિષ પીને અમૃત પીવડાવતા,

પશુપતિ નાથ તમે સૌને અપનાવતા,

દેવ દાનવને માનવ પોકારતાં…                                હાં… રે…

            ===ૐ===

ભાદરવા સુદ બારસ, સં.૨૦૪૦, ગુરુવાર. તા. ૬-૯-૮૪.

ધરતીના દેવ. (e-book)

સામાન્ય

     તૈત્તિરીય ઉપનિષદની શિક્ષાવલ્લીના અનુવાક ‘मातृ देवो भव। पितृ देवो भव।’ પર આધારિત મારી પુસ્તિકા, આ બ્લોગના પુસ્તક વિભાગમાં વાંચવા (DOWNLOAD) માટે ઉપલબ્ધ છે. આશા છે સૌને ગમશે. આપ સૌનાં અમૂલ્ય અભિપ્રાયની આશા ઠેરવું છું.

દેવ ઊઠી એકાદશી દીનાનાથ જાગશે.

સામાન્ય

(રાગ -મનડું પ્રભુના ચરણમાં તું રાખજે)

 

દેવ ઊઠી એકાદશી દીનાનાથ જાગશે;

જાગીને કામનો હિસાબ એ તો માંગશે.

 

ઊંઘમાં પ્રભુની ખલેલ બહુ પાડી;

ખોટાં ખોટાં કામ કીધાં થઈને અનાડી;

આવાં જનો પર પ્રભુજી બહુ કોપશે. . .                       જાગીને. . .

 

વ્રતને ઉપવાસ કરી ભ્રમમાં છો રાચતાં;

રાત આખી જાગીને કીર્તનમાં નાચતાં;

હૈયાનાં સ્નેહ વિના ઈશ્વર ના રિઝશે. . .                     જાગીને. . .

 

સદ્ગુણો જીવનમાં કેટલાં છે આણ્યાં?

દુર્ગુણો દિલમાંથી કેટલાં મિટાવ્યાં?

નિર્મળ હૃદયનાં કુસુમ હરિ ચાહશે. . .                        જાગીને. . .

 

જાતને સુધારવાનાં યત્નો જો આદર્યા;

સાથ સાથ ઈશ્વરનાં કામો પણ સાંભર્યા;

તેથી તો રામજીનું મુખડું મલકશે. . .                           જાગીને. . .

 

ઈશ્વરનાં કામ કાજે શક્તિ છે ધારવી;

મન બુદ્ધિ હૈયાંની શુદ્ધિ વધારવી;

એવાં માનવને પ્રભુ તો વધાવશે. . .                           જાગીને. . .

        ===  ૐ ===

કારતક સુદ તેરસ, સં. ૨૦૩૭, ગુરુવાર. તા. ૨૦-૧૧-૧૯૮૦.

ન ઝગડો રૂપનો કર તું બધાં રૂપો પ્રભુનાં છે

સામાન્ય

(રાગ- ન કરતો ભાગ્યની પરવા …  )

 

ન ઝગડો રૂપનો કર તું બધાં રૂપો પ્રભુનાં છે

ગ્રહે આકાર તારું મન હરી આકાર તે લે છે

 

કરે છે અન્યની દેવો સ્તુતિ આપસ મહીં કેવી

ગણે મોટા બીજાને ભાવનાની વાત છે કેવી

અને ઝગડી મરે મુર્ખો રૂપોમાં ભેદ નીરખે છે             ન ઝગડો …

 

મીરાં ચૈતન્ય પાસે જઈને કૃષ્ણે નૃત્ય તો કીધાં

તો તુલસીદાસને રામે કપાળે તિલક પણ કીધાં

કદીક શિવ શક્તિ થઈ ઈશ્વર મનુજની પાસે આવે છે         ન ઝગડો …

 

હૃદય કેરી સરલતા અન્યમાં પણ એક નીરખે છે

અને દિલની કુટિલતા એકમાં પણ ભેદ દેખે છે

હરી ગમતાં રૂપો લઈ ભક્ત કેરો ભાવ ખીલવે છે         ન ઝગડો …

 

અલગ રૂપો તો ભક્તોની રુચિનાં છે પ્રતિબિંબો

બધા પહોંચે પ્રભુ પાસે ન લાગે કોઈ અચંબો

ભજે જે રૂપને તેની હરી શ્રધ્ધા ટકાવે છે             ન ઝગડો …

 

    ===ૐ===